Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ભીનો ઉત્સવ : જય જગન્નાથ

જગન્નાથ એટલે જગતના નાથ... ભારતે વિશ્વને દિશા આપવાની છે, ખુદ દિશાવિહીન બને તે ન પોસાય...

મેહબુબા મુફિતએ ખુલ્લેઆમ ધમકી આપી... પીડીપીને તોડશો તો સલાઉદ્દીન જેવા ત્રાસવાદીઓ પેદા થશે અને કાશ્મીરમાં ભયાનક સ્થિતિ સર્જાશે... મીડિયા સતત ચલાવે છે કે, મેહબુબાએ ભાજપને ધમકી આપી છે. વાસ્તવમાં આ ધમકી ભાજપને જ નહિ, ભારતને અપાઇ છે અને ધમકીનો જડબાતોડ જવાબ આપવો જરૂરી છે. આ ધમકીનો સીધો અર્થ એવો થાય છે કે, રાક્ષસ આતંકનું રિમોટ કન્ટ્રોલ પીડીપીના હાથમાં છે, એ ધારે ત્યારે રાક્ષસો સર્જી શકે છે. આવી ધમકી આપનાર પીડીપી તૂટવી જ જોઇએ અને તત્કાળ પક્ષની માન્યતા રદ્દ થવી જોઇએ. અફસોસ એ છે કે ભારત કે સત્તાધીશ ભાજપ મુદ્દાની ગંભીરતા સમજવા સક્ષમ નથી.

આજે અષાઢી બીજ છે. ભીની-ભીની મ્હેકનો ઉત્સવ છે. વરસાદી માહોલમાં જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. ભાવિકો રસતરબળો બનીને ઉત્સવ માણે છે. આપણે પણ જગન્નાથજીને શાષ્ટાંગ દંડવત્ કરીને આગળ વધીએ.

જગન્નાથ શબ્દ વિરાટ છે. આ શબ્દનો અર્થ થાય જગતનો નાથ... ભારતીય મૂળની જીવનશૈલી અને આધ્યાત્મિકતા છે, પરંતુ આ અંગે આપણી અજાણતા ગજબ છે. વિશ્વને માર્ગદર્શન આપવાને બદલે વિશ્વ સમક્ષ આપણે બિચારા જેવા બનીને ફરીએ છીએ.

સાવ ફાલતુ જેવી મેહબુબા પણ આતંકીઓ પેદા કરવાની ધમકી આપી દે છે અને આપણે કંઇ કરી શકતા નથી.. સરહદની અંદર પણ પરાક્રમ થઇ શકતું નથી તો સરહદ પારના પરાક્રમો ખૂબ દૂરની વાત ગણાય. માત્ર મેહબુબા જ નહિ, ભારતમાં દરરોજ વિવિધ પ્રકારના રાક્ષસો ખુલ્લેઆમ દેશ વિરોધી નિવેદનો આપે છે આવા તત્વો મીડિયામાં હીરો બની જાય છે, તેની પાછળ ટોળા ફરવા લાગે છે. આવા તત્વો તત્ક્ષણ ઝેર થવા જોઇએ, પણ તેના મોં બંધ કરનાર કોઇ નથી.

આટલી લાચારી શા માટે ? ભારત રેઢિયાળ ધરમશાળા જેવો દેશ કેમ બની ગયો ? ભારતનું સૈન્ય સક્ષમ હોવા છતાં આપણે શા માટે શહીદી વહોરવી પડે છે ? જવાબ એક જ છે, રાજકીય ઇચ્છાશકિતનો અભાવ... રાજનીતિનું એક મનોવિજ્ઞાન છે. આ વિજ્ઞાન પ્રમાણે લોકસમૂહના માનસના આધારે રાજકીય ઇચ્છાશકિત ઘડાય છે. ભારતીયોમાં પ્રબળ રાષ્ટ્રભાવનાનો અભાવ હોવાથી રાજકારણીઓને એ દિશામાં જવાની ફરજ પડતી નથી. આ કારણે તીવ્ર રાજકીય ઇચ્છાશકિત પ્રગટતી નથી, પરિણામે મેહબુબા જેવી ફાલતુ તેની પણ આપણને ધમકી આપી શકે છે.

જગન્નાથજીને આપણે પ્રાર્થના કરીએ કે, ઉત્તમ જીવનશૈલી અને સર્વોત્તમ રાષ્ટ્રભકિતનો ભાવ વ્યાપકપણે જાગૃત થાય અને દેશ લાચારીમુકત બને તથા વિશ્વને વટથી માર્ગદર્શન આપી શકે. રથયાત્રામાં ભાવિકોના ટોળા ઉમટ્યા છે. અમદાવાદમાં હજારો પોલીસ-ચુસ્ત સુરક્ષા વચ્ચે રથયાત્રા યોજાઇ રહી છે.. રથમાં બિરાજમાન જગન્નાથજી આપણા પર હસી રહ્યા હશે. જગતની રક્ષા કરનારને આપણે રક્ષણ આપવું પડે છે... જગન્નાથજીને કોનાથી ખતરો છે ? આવા ખતરા ભારતમાં શા માટે જીવતા રહે છે ? આવા સવાલો લોકોના કે સરકારના મનમાં ઉઠવા લાગશે ત્યારથી ભારત સક્ષમ બનવા લાગશે...

(9:28 am IST)