Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

એક રાષ્ટ્ર, એક ચૂંટણી...

જરૂર છે, નેક રાષ્ટ્ર, નેક ચૂંટણીની... ચૂંટણી પદ્ધતિમાં આમૂલ પરિવર્તન અનિવાર્ય છે

ચીની મીડિયાએ અહેવાલ આપ્યો મોદી સરકારની શાખ ઝડપથી બગડી રહે છે તેથી ભારતમાં વહેલી ચૂંટણી સંભવ છે. ચુગલીખોર પડોશીઓથી ચેતા રહેવું જોઇએ. ચીનના રાષ્ટ્રપતિ જીન પિંગ વગર ચૂંટણીએ આજીવન પદ પર ગોઠવાઇ ગયા છે. લોકશાહી પદ્ધતિના ધજાગરા ઉડી ગયા છે, ખુદની ચિંતા કરવાને બદલે ચીની મીડિયા ભારતની ચિંતામાં વ્યસ્ત છે.

જોકે, ભારતની લોકશાહી વખાણવા જેવી તો નથી જ. રાજનીતિ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી બની ગઇ છે. વારંવાર દેશમાં અલગ અલગ સ્થાનો પર ચૂંટણીઓ યોજાઇ રહી છે. સતત ચૂંટણીઓના કારણે મીડિયા પણ ચૂંટણીમય બની ગયા છે. પક્ષોના લક્ષ્ય ચૂંટણી જીતવી એ જ બની ગયા છે. આ માટે કઢંગા સેટિંગ થાય છે. ઉત્તમ શાસન આપવું કે ઉત્તમ વિપક્ષ સાબિત થવાનો ધ્યેય રાજકારણીઓ ભૂલી ગયા છે.

સતત ચૂંટણીઓથી અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. આ સામે મોદી સરકારે એક રાષ્ટ્ર-એક ચૂંટણીનો વિચાર રમતો મૂકયો છે. આ વિચાર અંગે અલગ અલગ પક્ષો મત વ્યકત કરી રહ્યા છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી સંભવ બને કે ન બને, પરંતુ ચૂંટણી પદ્ધતિમાં આમૂલ પરિવર્તન તો અનિવાર્ય છે.

એક રાષ્ટ્ર ચૂંટણીને બદલે નેક રાષ્ટ્ર નેક ચૂંટણી જેવું કંઇક થવું જોઇએ. ચૂંટણી હોય ત્યાં રાજકીય પક્ષો અલગ-અલગ સરકસના ખેલ આદરે છે. કોઇક જ્ઞાતિવાદી સરકસ લઇને આવે, કોઇક હિન્દુત્વનું સરકસ દેખાડે, કોઇક બિનસાંપ્રદાયિકતાના નાટક કરે... સતત ચૂંટણીઓથી આવા ખેલ લગભગ કાયમી બની ગયા છે. દેશના સમય-શકિત ચૂંટણી પાછળ જ વેડફાઇ રહયા છે. અન્ય બાબતો સાવ ગૌણ જેવી બની ગઇ છે અને દેશ કાયમ ચૂંટણીના નશામાં ઝૂમતો રહે છે.

આ સંજોગોમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણીનો ખ્યાલ યોગ્ય સમજાય છે, પરંતુ એકની સાથે નેક ચૂંટણીની પણ ગેરન્ટી મળવી જોઇએ. ફાલતુ મુદ્દા, આધાર વગરના આક્ષેપો, ચૂંટણીલક્ષી ગોરખધંધા બંધ થવા જોઇએ. પાંચ વર્ષે એક જ ચૂંટણી યોજાય તે ખ્યાલ આવકાર્ય છે, પરંતુ એ ચૂંટણીઓ શુદ્ધ અને શિસ્તના માહોલમાં અણિશુદ્ધરૂપે યોજાવી જોઇએ. વર્તમાન બખડજંતરો બંધ થવા જોઇએ. એક રાજયમાં સામાન્ય ચૂંટણીમાં પણ વર્તમાન સમયે શુદ્ધતા કે શાંતિ રાખી શકાતા નથી, વિરાટ ભારતની તમામ ચૂંટણીઓ એક સાથે યોજાય તો શાંતિ રહી શકે ? એક-રાષ્ટ્ર એક ચૂંટણીની વ્યવસ્થિત અને ભરોસાપાત્ર બ્લ્યુ પ્રિન્ટ સરકારે રજૂ કરવી જોઇએ. હવામાં વાતો કર્યે રાખવાથી પડોશી દેશોને ચૂગલી કરવાના મોકા મળે છે. દેશને કંઇ ફાયદો થતો નથી.

(9:21 am IST)