Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

હિન્દુ પાકિસ્તાન... શશિભાઇનું ફરી ગ્યું !

હિન્દુ આતંકવાદ શબ્દએ કોંગ્રેસની પથારી ફેરવી હતી, હવે શશિ થરૂરે 'સોપારી' લીધી : રાહુલજી શિવતત્વ જગાવો!

રાજકીય ગતિવિધિ તેજ બની છે. ર૦૧૯ની તૈયારીનો આંતરિક ધમધમાટ ચાલી રહ્યો છે. અમિત શાહ-નીતિશકુમાર વચ્ચે બેઠક થઇ. રાહુલ ગાંધીએ મુસ્લિમ બૌદ્ધિકો સાથે બેઠક કરી. સૌરાષ્ટ્રમાં આરએસએસનું મહામનોમંથન ચાલી રહ્યું છે. ત્રીજી બાજુ ડાબેરીઓ પ્રથમ વખત નવા સ્વરૂપે પ્રગટ થશે, ડાબેરી પક્ષો હિન્દુત્વના ઝોક તરફ વળી રહ્યાના સંકેતો મળે છે.

દરેક પક્ષો લોકસભાની ચૂંટણીની રણનીતિ તૈયારી કરી રહ્યા છે. ભારતના સૌથી જૂના પક્ષ કોંગ્રેસે જાયન્ટ ભાજપ સામે પડકાર ફેંકવા તૈયારી કરી લીધી છે. રાહુલ ગાંધીએ વિશિષ્ટ પ્રકારનું હિન્દુત્વ અપનાવ્યું છે. મંદિરોમાં જાય છે અને ખુદને શિવભકત ગણાવી ચૂકયા છે.

લોકશાહીમાં બહુમતી વસ્તીની અવગણના કોઇ પક્ષને ન પોસાય. કોંગ્રેસે બિનસાંપ્રદાયિકતાની આડમાં હિન્દુ સમાજને અવગણ્યો હતો. આ કારણે પક્ષની દશા કંગાળ જેવી બની છે, જોકે રાહુલ ગાંધીએ રણનીતિમાં ઐતિહાસિક પરિવર્તન કરી પક્ષને ફરીથી ટ્રેક પર લાવવા પ્રયાસ કર્યો છે, પરંતુ કોંગીજનો કોંગ્રેસના હિન્દુત્વની હવા કાઢવાના ખેલ નાખે છે. દિગ્વીજયસિંહોએ 'હિન્દુ આંતકવાદ' જેવા શબ્દો વાપર્યા હતા એ તો કોંગ્રેસને નડી જ રહ્યા છે, પરંતુ હજુ કોંગીજનો સુધર્યા હોય તેમ લાગતું નથી..

શશિ થરૂરના મગજમાં દિગ્વીજયસિંહનો આત્મા ઘુસ્યો હોય તેમ નિવેદન આપ્યું કે, ર૦૧૯માં ફરી મોદી સરકાર રચાશે તો ભારત દેશ હિન્દુ પાકિસ્તાન બની જશે. આ નિવેદન ખૂબ જ વાંધાજનક છે. નિવેદનનો સીધો જ અર્થ એ થાય છે કે, ભાજપને મત આપનાર કટ્ટરવાદી જ છે...

શશિ થરૂર રાજનીતિને પચાવી ગયેલા બૌદ્ધિ નેતા છે. એ સમજે જ છે કે, આવા નિવેદનોનો લાભ લેવાનું ભાજપ ચૂકશે નહિ. ભાજપીઓ માટે આવા નિવેદનો પૌષ્ટિક અને સ્વાદિૃષ્ટ આહાર જેવા બની જાય છે. આ બધું જ શશિભાઇ સમજતા હશે, છતાં નિવેદનો શા માટે કરે છે ? કોંગીજનોએ પક્ષની પથારી ફેરવવાની સોપારી લીધી છે?

ભારતમાં પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં હિન્દુત્વની સ્પર્ધા થવાની છે. હિન્દુ મતોની ખેચાખેચી દશેહિતમાં પણ ગણાય, પરંતુ કોંગ્રેસ પાસે આ માટે નક્કર રણનીતિનો અભાવ હોય તેમ લાગે છે. દ્વિતિય સ્તરના કોંગીજનો વારંવાર પાકિસ્તાન તરફી હિન્દુ વિરોધી નિવેદનો આપીને પક્ષને બેકફૂટ પર ધકેલે છે આનો લાભ ભાજપ ઉઠાવી રહ્યો છે. કોંગીજનો મોદીનો વિરોધ કરી શકે, પણ મોદીના મતદારોને કટ્ટર ગણાવીને બુદ્ધિનું દેવાળુ ફૂંકી રહ્યા છે. કોમની લાગણી દુભાય તેવા નિવેદનો સામે કોંગ્રેસ પ્રવકતા કહી દે છે કે, એ તેમનું વ્યકિતગત નિવેદન છે...

આવા તર્ક આપવાને બદલે રાહુલમાં ખરેખર શિવતત્વ હોય તો તેને જાગૃત કરવું જોઇએ. મોદી સામે જંગ ખેલતા પૂર્વે કોંગીજનો સામે જંગ ખેલવો રાહુલ માટે અનિવાર્ય બન્યો છે.

(9:44 am IST)