Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વોટર અને ગટર મેનેજમેન્ટ ગુમ !

વરસાદની અછત નથી, વૃત્તિનો દુષ્કાળ છે : ચોમાસે પાણી જતું નથી, પછી આવતું નથી...

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઇઝરાઇલ ગયા ત્યારે દરિયાના પાણીને પીવા લાયક બનાવવાના પ્લાનથી પ્રભાવિત થયા હતા. ગુજરાતમાં આવા પ્લાન માટે ઇચ્છા વ્યકત કરી હતી. ઇઝરાઇલ માત્ર અઢી ઇંચ વરસાદમાં પોતાનો દેશ ચલાવે છે, ત્યાં દરિયાનું પાણી પીવા લાયક બનાવવું પડે, ગુજરાતમાં વરસાદની અછત નથી. હાલ રાજયના અનેક વિસ્તારો પર પૂર ફરી વળ્યા છે. આ વિસ્તારોમાં હોનારત જેવી દશા છે. આવા સંજોગોમાં દરિયાનું પાણી પીવા લાયક બનાવીને શું કરીશું ?

જોકે ગુજરાતના અનેક વિસ્તારો હજુ વરસાદની રાહ જુએ છે. હજુ ચોમાસુ બાકી છે વ્યાપક વરસાદની આગાહી છે. દરેક પંથકમાં મેઘરાજ કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરીને આગળ વધીએ. દેશમાં કે રાજયમાં વરસાદની અછત નથી. અછત મેનેજમેન્ટની છે. વોટર મેનેજમેન્ટના નામે મોટા-મોટા તંત્ર ધમધમે છે, બેફામ ખર્ચ થાય છે, પરંતુ હકીકત એ છે કે- રાજયમાં અમૂક સ્થાનો પર પૂરની ચિંતા છે અને અમૂક સ્થાનો દુકાળ જેવી સ્થિતિથી ચિંતીત છે. આ સરકારી વોટર મેનેજમેન્ટ તણાઇ ગયું છે.

વોટરનું મેનેજ તો ઠીક, ગુજરાતમાં ગટર મેનેજમેન્ટ પણ કંગાળ છે. થોડો વરસાદ પડે તો પણ માર્ગો-શેરીઓ તળાવ બની જાય છે અને ગંદા-ગંધાતા પાણી ઘરમાં ઘુસવા લાગે છે. આ કારણે રોચાળો ફાટી નીકળે છે. ગટર વ્યવસ્થા સ્થાનિક તંત્રની ફરજમાં આવે છે, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ભાજપ સત્તાધીશ છે, પરંતુ લોક સુવિધા માટે ભાજપ પાસે કોઇ વિશેષ રાજયસ્તરનો માસ્ટર પ્લાન નથી. બાબા આદમ વખત જેવું રગશિયું ગાડું ચાલે છે. કરૂણાઇ એ છે કે, ચોમાસે શેરીઓ-માર્ગોમાંથી પાણી જતા નથી અને ચોમાસા બાદ અનેક વિસ્તારોમાં નળમાં પાણી આવતા નથી.

ઇઝરાઇલ જઇને દરિયાના પાણી પીવાલાયક બનાવવાનું શીખવા કરતા એ દેશ પાણીના એક-એક ટીપાનું કેવું મેનેજમેન્ટ કરે છે એ શીખવું જરૂરી હતું. હાલમાં વરસાદી પાણી અધધ માત્રામાં દરિયામાં વહી જતું હશે, ઉનાળો આવે ત્યારે પાણીની અછત સર્જાય છે. આ બાબત દર્શાવે છે કે, મેઘરાજાની કૃપા ઓછી નથી, આપણી પાત્રતા ટૂંકી છે.

રાજકોટમાં તો સાવ વિચિત્રતાના દર્શન થાય છે. આજી-ન્યારી છલકાઇ જાય ત્યારે અધિકારીઓ અને રાજકારણીઓનો ઉત્સાહ ઓવરફલો થાય છે અને ઘોષણા કરવા માંડે છે કે, દોઢ-બે વર્ષ ચાલે તેટલું પાણી આવી ગયું... આવી ઘોષણા થાય ત્યારે મીડિયાની ન્યૂઝ સેન્સ તણાઇ જાય છે અને ઘોષણાને ન્યૂઝનું સ્વરૂપ આપીને ચમકાવે છે. ચોમાસા બાદ શિયાળો ઉતરતા જ પાણીની અછતના સમાચારો શરૂ થાય છે. ઉનાળામાં નળ પણ ફોરા રહેવા લાગે છે. સવાલ એ છે કે, દોઢ-બે વર્ષનું પાણી હતું તે કયાં ગયું ?

માત્ર ગુજરાતમાં જ નહિ, દેશભરમાં વોટર અને ગટર મેનેજમેન્ટ સુપર્બ ન બને ત્યાં સુધી કોઇ રાજકારણીએ ઇઝરાઇલ ધક્કા ખાવા ન જોઇએ.

(9:48 am IST)