Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

તાંડવ નહિ... શંખનાદ જરૂરી

સોમનાથના શરણે સંઘઃ હિન્દુત્વનું સમુદ્ર મંથન કરોઃ સકારાત્મક હિન્દુવાદ શકય છે

મુંબઇમાં અતિવૃષ્ટિની સ્થિતિ છે, જયારે સૌરાષ્ટ્રમાં મેઘસવારી માટે હવનો થાય છે. મેઘકૃપા અનબેલેન્સ છે. મુંબઇ સહન ન કરી શકે તેટલી કૃપા વરસે છે જયારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કૃપાની અછતથી અસહ્ય સ્થિતિ છે. મેઘરાજને પ્રાર્થના કરીએ કે અછતવાળા વિસ્તારોમાં અનરાધાર કૃપા થાય.

આજથી સોમનાથ મહાદેવના દિવ્ય સાનિધ્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અધિવેશન શરૂ થયું છે. ભાગવતજી સહિત ટોચના સંઘીઓ મનોમંથન કરી રહ્યા છે. રાષ્ટ્રના વર્તમાન સમયમાં સંઘ પાવરમાં છે. કેન્દ્ર સહિત મોટાભાગના રાજયોમાં કેસરિયો લહેરાઇ રહ્યો છે. ભાજપ અને સંઘ વચ્ચેનો મનમેળ પણ અભૂતપૂર્વ છે. માથે લોકસભાની ચૂંટણી ગાજી રહી છે. આ સ્થિતિમાં આરએસએસ અતિશય મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

સંઘ હિન્દુ સમાજનું સૌથી મોટું સંગઠન છે, પરંતુ હકીકત એ છે કે, સામાન્ય હિન્દુઓનો વિશ્વાસ સંઘ જીતી શકયો નથી. હવે કોંગ્રેસ પણ ભાનમાં આવી છે, તેમણે હિન્દુત્વના નાટક શરૂ કર્યા છે. આ કારણે હિન્દુમતો માટે રાજકીય સ્પર્ધા જેવો માહોલ સર્જાશે. સંઘ પરિવારે હિન્દુત્વની વ્યાખ્યા અને તેનો વ્યાપ વધારવો જરૂરી બન્યો છે. કમનસીબી એ છે કે, સંઘ-ભાજપમાં રહેતા કટ્ટરતત્વો મુસ્લિમનો વિરોધ કરવાને જ હિન્દુત્વ ગણે છે. વારંવાર નિવેદનિયા તાંડવ થાય છે. આવું કદાચ રાજકીય દૃષ્ટિએ જરૂરી હશે, પરંતુ સામાન્ય હિન્દુઓ પણ લાંબાગાળાનો વિશ્વાસ જમાવવા સંઘે સકારાત્મક હિન્દુત્વક્ષેત્રે પાયાના કાર્યો કરવા પડશે. ભાજપ પાસે પણ કરાવવા પડશે. હિન્દુ સમાજના કલ્યાણના કાર્યો નિર્ણાયક પરિણામના ધ્યેય સાથે શરૂ કરવા જરૂરી છે. ભાજપી સરકાર રચાય ત્યારે શાખાઓની સંખ્યા વધે એ સંઘની સિદ્ધિ નથી. સરકાર હોય ત્યારે સંઘમાં સક્રિય બનનારાઓને સંઘ વિચાર સાથે વિશેષ લગાવ હોતો નથી.

સામાન્ય હિન્દુઓને સંઘ પર પ્રેમ ઉભરાય અને વિચારથી રંગાઇને સંઘ સાથે સક્રિય થાય તેવા પ્રયાસ જરૂરી છે. આ દૃષ્ટિકોણ આર.એસ.એસ.ને લાંબાગાળાની મજબૂતી આપી શકે તેમ છે.

વર્તમાન સમયમાં અનેક રાજયોમાં ભાજપની સરકારો છે. યોગીજી જેવાને બાદ કરતા આ શાસકોની સ્થિતિ વખાણવા લાયક નથી. ભાજપ શાસિત રાજય સરકારોને સકારાત્મક હિન્દુત્વ અપનાવવા ફરજ પાડવી જરૂરી છે. મોદિત્વ અને હિન્દુત્વની નવી લહેર ગુજરાતમાંથી ઉઠી હતી. આ લહેરનો રાજકીય પ્રભાવ દેશભરમાં પથરાયેલો છે. એ હકીકત છે કે, લહેરથી સંઘ-ભાજપ મજબૂત બન્યા હશે, પણ સામાન્ય હિન્દુઓની દશામાં કોઇ ફેર પડયો નથી. લહેર લાંબો સમય ચલાવવી હોય તો હિન્દુ સમાજની સ્થિતિ સુધારવી જ પડશે. નિવેદનિયા-નકારાત્મક હિન્દુત્વથી એકાદ-બે વખત મત મેળવી શકાય, લાંબો સમય ટકવું હોય તો અહોભાવ અને પ્રેમના મતો જ પ્રાપ્ત કરવા પડે...

અફસોસ એ છે કે, ગુજરાતે દેશભરમાં ભાજપ અને સંઘને મજબૂતી આપી છે. આ ગુજરાત નોધારા જેવું બન્યું છે. ગુજરાતે ભાજપ-સંઘને તાકાત આપી, પરંતુ ભાજપ કે સંઘ ગુજરાતને નક્કર નેતાગીરી આપી શકયો નથી.

ભાગવતજી, હિન્દુત્વનું તાંડવ કરવાની જરૂર નથી. હિન્દુ સમાજના કલ્યાણનો નક્કર શંખનાદ કરો... સોમનાથદાદા શુદ્ધ સંકલ્પને કયારેય નિષ્ફળ થવા દેતા નથી.

- જય સોમનાથ 

(10:34 am IST)