Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

આખલા નડતા નથી, ટબુકલા નડ્યું !

સ્માર્ટ રાજકોટનું 'ઢ' તંત્ર : ક્ષુલ્લક માટે મુજરા કરે, હજારો લોકોના પ્રશ્ને આંખ બંધ... ભાજપ હવામાં, કોંગ્રેસ પાતાળમાં!

ટી-ર૦ સીરીઝ ભારત જીત્યું. હારનાર દેશ અસામાન્ય હતો. વાત ક્રિકેટની છે. ઇતિહાસ ફંડોળો, ક્રિકેટ રમતનો પ્રારંભ ઇંગ્લેન્ડથી થયો હતો. આ ઇંગ્લેન્ડને ટી-ર૦ શ્રેણીમાં ભારતે ધૂળ ચટાવી દીધી છે. ગઇકાલનો મેચ મુશ્કેલ હતો, પરંતુ ભારતીય ખેલાડીઓએ બરાબરનો દાવ લીધો અને આઠ બોલ બાકી હતાં ત્યાં જ વીનિંગ છગ્ગો ફટકારી દીધો.

મોદી સરકાર પાંચ ટેસ્ટ મેચ રમવા ઉતરી હતી, ચાર વર્ષ પૂરા થઇ ગયા. હવે જીતવા માટે ઘણો સ્કોર બાકી છે, ટી-ર૦ની જેમ રમવું પડે તેવી દશા છે. જોકે, નરેન્દ્રભાઇ છેલ્લી ઓવરોમાં બેફામ ફટકાબાજી કરવા માટે જાણીતા છે, પરંતુ તેની ટીમના મોટાભાગના ભાજપીઓ નમાલાપણાના નિષ્ણાત છે. મોદીએ કરેલા 'સ્કોર'નો પણ લાભ લઇ શકતા નથી.

નરેન્દ્રભાઇ  ચૂંટણીલક્ષી રાજનીતિ રાજકોટથી પ્રારંભ થઇ હતી. રાજકોટના ભાજપીઓ પોતાને અવતારી પુરૂષો અને લોકોને બુદ્ધિના બારદાન માનવા લાગ્યા છે. ગધેડાને પણ તાવ આવી જાય તેવી વિચિત્ર નીતિ ભાજપી શાસકો અને અધિકારીઓ અપનાવી રહ્યા છે. રાજકોટમાં ભાજપને કબૂતર નડે છે, રોડ પર નૃત્ય કરતા આખલા નડતા નથી...

એક સોસાયટીના લોકો ફરિયાદ કરી કે અહીં કબૂતરો ચણવા આવે છે, જે ગંદકી ફેલાવે છે અને તેના કારણે રોગચાળો વકરે છે. વિચિત્ર લાગતી આ ફરીયાદ કદાચ સાચી પણ હોય,  નમાલુ તંત્ર જાગૃત થઇ ગયું, રોમ-રોમમાં પરાક્રમ જાગ્યું... અસંખ્ય કબૂતરો જયાં પાણી પીતા હતાં એ કૂંડી તોડી નાખી ! ચબૂતરા પાસે પોલીસે પહેરો ગોઠવી દીધો.

શાંતિના દૂત સામે ખુમારીભર્યું પરાક્રમ કરનાર ભાજપી શાસકો શહેરમાં બેફામ બનીને આડેધડ ઉલળતા આખલાઓ સામે મિયાની મીંદડી જેવા બની ગયા છે. રખડતા ઢોર નિર્દોષ નાગરિકોના મોત નીપજાવી રહ્યા છે, પણ ભાજપ કે અધિકારીઓની ખુમારી કે પરાક્રમ જાગતા નથી. રાજકોટમાં ચારેબાજુ ગંદકીના થર જામ્યા છે, ફરિયાદો થાય છે, પણ તંત્ર ધ્યાન આપતું નથી. ગેરકાયદે દબાણો ચારેબાજુ છે, તંત્રને દેખાતા નથી. કબૂતર નડયા, આખલા નડતા નથી. ચબૂતરાની ગંદકી નડી, રાજકોટની ગંદકી નડતી નથી. ચબૂતરાની કુંડી નડી, બેફામ ગેરકાયદે બાંધકામો નડતા નથી.. ભાજપીઓ નાગરિકોને બુદ્ધિના બારદાન સમજવા લાગ્યા છે. સવાલ એ ઉઠે છે કે, બે-પાંચ પરિવારની ફરીયાદમાં અતિ સક્રિયતા શા માટે ? લાખો રાજકોટવાસીઓની સમસ્યાઓ સામે નિસ્ક્રીયતા શા માટે ? મુખ્યમંત્રી પોતાની સરકારને સંવેદનશીલ ગણાવી રહ્યા છે, ભાજપીઓ આખલા પ્રત્યે સંવેદનશીલ બન્યા છે અને કબૂતરો પ્રતયે ક્રૂર... આવી સંવેદનના હોય ?

કઠણાઇ એ છે કે, ભાજપીઓ હવામાં ઉઠી રહ્યા છે અને કોંગીજનો પાતાળમાં ઢબૂરાઇ ગયા છે. રાજકોટની ધરતી પર સમસ્યાઓ રાજ કરે છે. મનફાવે તેવા નિર્ણયો લેવાય છે, વિરોધ કરનારૂ કોઇ નથી. બે-પાંચ પરિવારોને ફરીયાદને પ્રાથમિકતા આપવામાં આવે છે, લાખો લોકોની ફરિયાદોની કોઇ વેલ્યુ નથી. રાજકોટ ભાજપની આ બબૂચકાઇ મુખ્યમંત્રી અને વડાપ્રધાનની આભા બગાડી રહી છે. મોદીની ટી-ર૦ જેવો જંગ ખેલી રહ્યા છે, સૌરાષ્ટ્રટેસ્ટ મેચ ખેલવા પણ સક્ષમ નથી. (૮.ર)

(12:33 am IST)