Gujarati News

Gujarati News

News of Friday, 6th July 2018

સૌરાષ્ટ્રમાં લઠ્ઠાકાંડની રાહ જોતી પોલીસ !

અમદાવાદમાં લઠ્ઠાકાંડ બાદ અડ્ડાઓ પર દરોડા પડયા, રાજકોટમાં ગેહલોત તંત્રને ચોઘડિયું મળતું નથી...

ગુજરાતની રાજનીતિમાં આવતીકાલનો દિવસ વિશેષ છે. ૭ જુલાઇ ૧૯૮પના દિવસે માધવસિંહ સોલંકી સરકાર ઉથલી હતી. અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા હતા. અનામત આંદોલને રાજકીય ઉથલપાથલ સર્જી હતી. વર્તમાન સમયે ગુજરાતની રાજનીતિ પ્રવાહી જેવી બની છે. બંને મુખ્ય પક્ષોમાં નારાજગીનો મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. નેતાઓ બંદરની જેમ પક્ષાંતર માટે હૂપાહૂપ કરી રહ્યા છે લોકપ્રશ્નોમાં કોઇને રસ નથી. ગત ધારાસભાની ચૂંટણી વખતે અનામતનું ભૂત થોડું ધુણ્યું હતું, પણ હવે ટાઢું પડી ગયું છે. અનામતનું પીપૂણુ વધારે વાગશે નહિ તેમ લાગતા હાર્દિક પટેલ અન્ય મુદ્દે પીપૂણું સજાવી રહ્યા છે. હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશે અમદાવાદમાં દારૂના અડ્ડા પર દરોડા પાડવાની ઘોષણ કરી છે.

 

અનામત અને જ્ઞાતિવાદના ગતકડા કરતા દારૂ સામેનો જંગ શરૂ થાય એ આવકાર્ય છે. દારૂનો પ્રશ્ન ગંભીર છે, પરંતુ ગુજરાત વ્યાપી મહાજંગ કયારેય ખેલાયો નથી. તાજેતરમાં દારૂનો મુદ્દો પહેલીધારના રગડા જેવો તેજ બન્યો છે. બે દિવસ પૂર્વે અમદાવાદમાં બે દિવસ પૂર્વે અમદાવાદમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બની હતી. દેશી ગટગટાવ્યા બાદ ચાર વ્યકિતએ આંખો ગુમાવી હતી. આબરૂ જવાની બીકે પોલીસ તંત્રએ જાગૃત બનવું પડયું. પ્રારંભે તો લઠ્ઠાકાંડને દબાવવાનો પ્રયાસ થયો હતો, પણ મીડિયાને ગંધ આવી જતા સમાચારો ફેલાઇ ગયા. ગુજરાત સરકારની ઉંઘ પણ હરામ થઇ. તાત્કાલીક મીટીંગ મળી અને દેશીના અડ્ડાઓ પર દરોડા પાડવા પડયા...

ગુજરાત સરકાર અને પોલીસ તંત્રની અનરાધાર કૃપાથી સૌરાષ્ટ્ર દેશી દારૂનું હબ બની ગયું છે. ગામેગામ ભઠ્ઠાઓમાં દેશી રગડા ઉકળી રહ્યા છે. રાજકોટમાં તો એક પણ વિસ્તાર એવો નથી કે જયાં દારૂ ઉપલબ્ધ નથી. પોલીસ કમિશનર મોટીમોટી વાતો કરે છે. દારૂમાં સેટિંગ કરનારા પોલીસ ઉઘાડા પડે ત્યારે ગેહલોતજી તેને સસ્પેન્ડ કરીને બહાદુરી દેખાડે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, મુખ્યમંત્રીના શહેરમાં અને સૌરાષ્ટ્રમાં પાણી કરતા પણ વધારે સરળતાથી દેશી-વિદેશી દારૂ ઉપલબ્ધ છે. ખુલ્લેઆમ ચારેબાજુ દારૂ બને છે. ખુલ્લેઆમ ચારેબાજુ દારૂ વેચાઇ રહ્યો છે અને ખુલ્લેઆમ ચારેબાજુ દારૂ પીવાઇ રહ્યો છે. સરકારને કે પોલીસને આ સામે જરા પણ વાંધો નથી. પ્રતિબંધના ધજાગરા ઉડે છે અને પોલીસ બહાદુરીની વાતો કર્યે રાખે છે.

રાજકોટમાં તો દેશી દારૂના દરિયા ઘુઘવે છે, પણ તંત્ર હપ્તાખોરીના નશામાં હોય તેવું સમજાય છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રાજકોટમાં મોટો લઠ્ઠાકાંડ થાય તેની રાહ જોતા હોય તેમ લાગે છે. દારૂડિયા લઠ્ઠો પીને ગુજરી જાય, આંખો ગુમાવી બેસશે ત્યારે ગેહલોતજી જાગૃત થશે અને દરોડાના નાટક શરૂ કરશે...

મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના છે એ આપણું ગૌરવ છે. આ પ્રાંતના વિકાસમાં રસ દાખવે છે એ આનંદની બાબત છે, પણ વિજયભાઇને એટલું કહીએ કે, થોડો વિકાસ ઓછો થશે તો ચાલશે, દારૂ-દારૂડિયા-બુટલેગરો અને દારૂપ્રેમી તંત્રથી રાજકોટને મુકત કરાવો તો પણ લોકો ખુશ થઇ જશે.

(9:40 am IST)