Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ખેડૂતોના પરસેવે રાજકીય વાવણી !

ભાજપ ખુદના લાભ માટે મથે છે, વિપક્ષ પોતાની તાકાત વધારવા મેદાનમાં : કૃષિનો પાયાનો પ્રશ્ન ઉકેલવામાં કોઇને રસ નથી....

૧૩ માર્ચ ૧૯૯૩ના દિને મુંબઇમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા હતા. ૧૩૦૦થી વધારે લોકોના ફૂરચા ઉડી ગયા હતા. આ બધા નિર્દોષ નાગરિકો હતા. વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો... આટલા લોકોના જીવ ગયા. આ ઘટનાનો રાજકીય લાભ-ગેરલાભ ખૂબ જ લેવાયો, સમસ્યા એ છે કે, આતંકવાદના પ્રશ્ન લટકતો જ રહ્યો છે.

 

પક્ષ-વિપક્ષને ભૂલી જઇને વિચારો. દેશની કોઇપણ સમસ્યા હોય તેનો ઉકેલ લાવવાને બદલે રાજકીય પક્ષો તે સમસ્યાનો લાભ લેવા જ મેદાનમાં ઉતરી આવે છે. ગઇકાલે મુંબઇમાં આવા જ દૃશ્યો સર્જાયા હતા. કૃષિક્ષેત્રની સમસ્યા લઇને મહારાષ્ટ્રના હજારો ખેડૂતો મુંબઇમાં ઉમટ્યા હતા. ધારાસભાને ઘેરાવ સહિતના કાર્યક્રમો હતા.

ભારત કૃષિ પ્રધાન દેશ છે, પરંતુ આઝાદીકાળથી જ કૃષિ ક્ષેત્ર સમસ્યાઓથી ઘેરાયેલુ છે. લગભગ દરેક પક્ષોની સરકારો આવી ગઇ, મૂળ સમસ્યા કોઇએ ઉકેલી નથી. અગણિત કૃષિ લડતો થઇ, પણ લડતના આધારે નેતાઓ મોટા થઇ ગયા, ખેડૂતો હતાં ત્યાં જ રહ્યા. મુંબઇ ખાતેના ખેડૂતોના મહામોરચાની તાકાત જોઇને રાજકારણી મધમાખા મંડાવા લાગ્યા. શિવસેના-મનસાએ સમર્થન આપ્યું. રાહુલ ગાંધી પણ ચાલુ ગાડીએ ચઢી બેઠા... તેઓ બોલ્યા કે, કૃષિ સમસ્યા રાષ્ટ્રીય સ્તરે છે.  આ લડત દેશવ્યાપી બનવી જોઇએ...

દેશમાં ૪૦ વર્ષ કોંગી શાસન હતું, કૃષિ કલ્યાણ માટે કોંગ્રેસે શું કર્યું ? શિવસેના ખેડૂતોને ટેકો આપે છે, પરંતુ ભાજપને આપેલો ટેકો પાછો ખેચવાની એમની ત્રેવડ નથી... ખેડૂતોના પરસેવે રાજકીય વાવણી કરી લેવાના આ ખેલ છે.

મુંબઇમાં કૃષિ મહામોરચો જોઇને ભાજપ પર પણ દબાણ આવ્યું છે. ફડણવીસ સરકાર આ મોરચામાંથી રાજકીય લાભ તારવવા મથે છે. મહારાષ્ટ્રના ખેડૂતોની મુખ્ય માંગણી દેવામાફી અને વીજદરમાં રાહતની છે. વાસ્તવિકતા એ છે કે, દેવા માફી એ કૃષિ સમસ્યાનો ઉકેલ નથી જ. રાજકીય દબાણમાં કે રાજકીય લાભ લેવા માટે આવા હાનીકારણ નિર્ણયો લેવાતા હોય છે. ભુતકાળમાં અનેક રાજયોમાં અનેક વખત દેવા માફ થયા છે, આવા નિર્ણયોથી કૃષિ કલ્યાણ થયું નથી એ હકીકત છે.

કૃષિક્ષેત્ર બીચારૂ છે તેના અનેક કારણો છે. જેમાં મુખ્ય કારણ ખેડૂતો સમજદારી અને ગણતરી વગર કૃષિ કાર્ય કરે છે તે છે. ઉપરાંત કૃષિ ક્ષેત્રે ઉત્પાદક-ગ્રાહક વચ્ચેના દલાલ જેવા ધનેડાઓ આ ક્ષેત્રે સમૃદ્ધિ દેખાવા દેતા નથી. ખેડૂતો ત્યાંના ત્યાં જ રહે છે અને ધનેડા સમૃદ્ધ બની જાય છે. આ સમસ્યાનો ઉકેલ દેવા માફી નથી. દેવા માફીથી ખેડૂતોને એકાદ વર્ષની રાહત મળી શકે, પરંતુ આજીવનનો પ્રશ્ન દૂર થતો નથી.

કૃષિક્ષેત્રે સમજદારી ગણતરી અને વ્યવસાયિક દૃષ્ટિ જરૂરી છે. મહાકાય લડત ધનેડા જેવા વચેટિયા દૂર થાય તે માટે હોવી જોઇએ. સામાન્ય લડતોથી તો ખેડૂતોના પરસેવા રાજકીય ખેતી થતી રહેશે. ખેડૂતોએ પાયાના પ્રશ્નો ઉકેલવા માત્ર સરકારને જ નહિ, તમામ રાજકારણીઓને ભીંસમાં લેવા જરૂરી છે.

(10:18 am IST)
  • જૂનાગઢ : માંગનાથ રોડ ઉપર વેપારીઓને માર માર્યા નો મામલો: 4 શખ્સોની અટકાયત કરતી પોલીસ:સીસીટીવી માં નજરે પડતાં આરોપીઓ ઝડપાયા:રિમાન્ડ માટે આરોપીઓ ને કૉર્ટ માં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરી access_time 1:12 am IST

  • ભાજપે કોંગ્રેસના નારણભાઇ રાઠવાની ઉમેદવારી-દસ્તાવેજો અંગે વાંધા ઉઠાવ્યાગુજરાતની રાજયસભાની ચુંટણીમાં સર્જાયેલ વિવાદ : દિલ્હી ચૂંટણી પંચ સુધી મામલો પહોંચ્યો : રાજય ચૂંટણી પંચે માર્ગદર્શન માગ્યું : થોડીવારમાં ચૂકાદો આવશે. access_time 4:18 pm IST

  • અન્ય છાત્રોની પ્રેરણા કાજે યુપી બોર્ડના ૨૦ ટોપર છાત્રોની માર્કશીટ બોર્ડની વેબસાઇટ ઉપર પણ મુકાશેઃનાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા access_time 4:55 pm IST