Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

ડમરૂ- ત્રિશૂલ અને શંખનાદ...

જીવ અને શિવનો સંગમ રચાય ત્યારે શ્રેષ્ઠ શિવરાત્રી : ધાર્મિકતા નહિ, આધ્યાત્મિકતા તરફ વળાય તો શિવમય બની શકાય, નહિ તો...

II ઓમ નમઃ શિવાય II

આજે શિવરાત્રીછે. દેવાધિદેવ મહાદેવના શરણમાં જવાનો, સ્મરણમાં સરવાનો અમૂલ્ય અવસર છે. નકરી ધાર્મિકતા બેશુદ્ધિ જેવી સ્થિતિ ગણાય, મહાશિવરાત્રી આધ્યાત્મિકત તરફના જાગરણનો ઉત્સવ છે. આજે રાત્રે શિવ મંદિરોમાં ભાવિકોના ટોળા જામશે. હર-હર મહાદેવ હર...ના નારા ગૂંજશે. શિવજીની મહાપૂજા થશે. શિવાલયોમાં તેજી આવી જશે, પણ આવતીકાલથી શિવજી ફરી એકલા...

વર્તમાન સમયમાં ધાર્મિકતાનો પ્રભાવ ચોમેર છે, આપણી તાકાતનું મૂળ આધ્યાત્મિકતા છે. ધાર્મિકતા નુકસાનકારક નથી, પણ સમજ વગરની સૂકીભઠ્ઠ ધાર્મિકતા બેશુદ્ધિની અવસ્થાથી વિશેષ કંઇ નથી.

વડાપ્રધાન મોદીજીએ ગઇકાલે ઓમાન-મસ્કતના પ્રાચીન મંદિરમાં શિવ પૂજન-દર્શન કર્યા હતા. આધ્યાત્મિકતામાં વાઇબ્રેશનનું મહત્વ હોય છે જે સ્થાનો પર ગહન સાધનાઓ થઇ હોય એ સ્થાનોમાં સદીઓ સુધી દિવ્ય વાઇબ્રેશન્સ સક્રિય હોય છે આવા સ્થાનો શાંતિ-સાધના-સુખાકારી માટે સહયોગી બને છે. વિશિષ્ટ સ્થાનોની અનુભૂતિનો રોમાંચ વિશેષ હોય છે. વાઇબ્રેશનનો સૌથી વધારે પાવર બહાર નહિ, અંદર છે. માણસની અંદર વાઇબ્રેશનનો અફાટ સમંદર ઘુઘવતો હોય છે. આ સમંદરમાં ડૂબકી મારો તો પરમતત્વને શોધવા કોઇ સ્થાને જવાની જરૂરત રહેતી નથી. આવી ડૂબકી ન મારો ત્યાં સુધી પરમતત્વની શોધ પૂર્ણ થતી નથી.

મંદિરોમાં જવાથી માણસ પાવન થાય છે કે નહિ એ ખબર નથી, પરંતુ માણસોના આગમનથી ઘણા દેવસ્થાનો અપવિત્ર બની ગયા છે. આગળ કહ્યું તેમ આપણી મૂળ તાકાત આધ્યાત્મિકતા છે. અંદર ઘુઘવતા વાઇબ્રેશનના દરિયામાં ડૂબકી મારવાની અનેક પદ્ધતિઓ અધ્યાત્મમાં અપાઇ છે.

આ સમંદરના ઊંડાણમાં શિવતત્વના મોતીડા સાથે મિલન થઇ શકે છે, જેને જીવ અને શિવનો સંગમ કહી શકાય. આ સંગમ જે ક્ષણે રચાય એ ક્ષણ સાચી મહાશિવરાત્રી ગણાય. મહાદેવ બ્રહ્માંડના-સંસારના સ્વામી છે, શિવ-પ્રતિકોમાં ડમરૃં, ત્રિશૂલ, શંખ છે. ડમરૂ આધ્યાત્મિકતા તરફ જાગવા માટેનો નાદ છે. ત્રિશૂલ અપલક્ષણો-અસમજના વધનું પ્રતિક છે અને શંખનાદ... આધ્યાત્મિકતા તરફ કૂચ કરવાનો નાદ છે.

ધર્મક્ષેત્રમાં આધ્યાત્મિકતાનો પ્રભાવ ઘટતો જાય એ ગંભીર બાબત ગણાય. ધર્મક્ષેત્રે વ્યવસાયિક દૃષ્ટિકોણનો પ્રભાવ વધતો જાય એ અતિગંભીર બાબત ગણાય. ધર્મની મુખ્યધરી ભકતોની સમજ છે. સમજનો આધાર શુદ્ધિ પર છે. બેશુદ્ધિની અવસ્થા દૂર થાય તેમ-તેમ શુદ્ધિનો પ્રવેશ થાય છે.

મહાશિવરાત્રીએ મહાદેવને પ્રાર્થના કરીએ કે અમને બેશુદ્ધિ તરફથી શુદ્ધિ તરફ ગતિ કરાવો.

(9:51 am IST)