Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

વ્યાજખોરોનું મહાતાંડવ, સરકારનું કથ્થક !

ગુન્હાખોરો બેફામ... ખાખી કપડું ઢીલું : ગુજરાતમાં યોગી જેવી આક્રમકતા જરૂરી : યુપીમાં ૧૦ મહિનામાં ૯ર૧ એન્કાઉન્ટર

ગુજરાતમાં તાજેતરમાં સરકાર રચાયા બાદ વિચિત્ર સ્થિતિ જોવા મળી હતી. પોતાને મળેલા ખાતા નાના પડે છે, તેમ કહીને રીસામણા-મનામણાના શરમજનક ખેલ થયા હતા. હજુ પણ રીસામણે બેસવાનો સીલસીલો ચાલુ જ છે. હોદ્દા મોટા લેવા પડાપડી થાય છે, પણ જવાબદારી સામે ભાગાભાગી થાય છે.

ગુજરાતીઓ ગુન્હાખોરોના ત્રાસથી મરી રહ્યા છે, પણ કોઇ પ્રધાનને આ અંગે વાંધો નથી. પોતાને ખાતુ નાનુ મળે તો રીસાઇ જાય છે... નેતાઓની આવી મનોવૃત્તિ ક્ષમ્ય ન જ ગણાય. મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી એક લાચાર વ્યાપારીએ પોલીસ કમિશનર કચેરીમાં આપઘાત કર્યો. આ ઘરના અતિશય ગંભીર ગણાય, પોલીસતંત્રએ સફાળા જાગૃત થવું પડે. સરકારની પણ ઉંઘ હરામ થવી જોઇએ, પણ સરકારે કોઇ નિવેદન આપ્યું નથી. રાજકોટના પોલીસ કમિશનરે માત્ર નિવેદન આપ્યું- 'લોકો વ્યાજખોરો સામે ફરીયાદ નોંધાવે...!'

ફરિયાદ નોંધાવવી જરૂરી છે, પણ પોલીસ તંત્ર ઇન્વેસ્ટીગેશન કરીને ગુન્હાહિત તત્વોને શા માટે દબોચતું નથી ? માત્ર વ્યાજક્ષેત્રે જ નહિ, વિવિધ ક્ષેત્રે ગુન્હાઓ બેફામ વધી રહ્યા છે, પણ તંત્રમાં કે સરકારમાં કોઇ આક્રમકતા નજરે પડતી નથી. આ બાબત ગંભીર ગણાય.

સૌરાષ્ટ્રમાં જ નહિ, રાજયભરમાં ગુન્હાખોરો ભયમુકત બન્યા હોય તેમ લાગે છે. ગઇકાલની જ ઘટના છે. અંબાજીમાં અકસ્માત બાદ એક કારચાલક કારથી પોલીસને ફંગોળીને ભાગ્યો... જે રાજયમાં પોલીસ જ ફંગોળાઇ જતી હોય એ રાજયમાં પબ્લિકની દશાની કલ્પના ધ્રુજાવે તેવી છે.

પબ્લિકને સુરક્ષા આપવી એ સરકારની પ્રાથમિક ફરજ છે. સરકાર મરી રહેલા લોકો પાસે વિકાસના બેસૂરા ગણા ગાયે રાખે છે. પાકિસ્તાનને પાડી દેવાની વાતો કરનારા ભાજપીઓ શેરીના ગૂંડા સામે કથ્થક કર્યે રાખે એ દૃશ્યો વહરા લાગે છે. ગુજરાતમાં ભાજપનો જનાધાર ઘટ્યો છે. ૯૯ બેઠક સુધી પહોંચતા શ્વાસ ચઢી ગયો હતો. આ સ્થિતિમાં નક્કર પરિણામ લાવીને લોકોનો વિશ્વાસ કેન્દ્રિત કરવો અનિવાર્ય છે, પરંતુ મોટા-મોટા પ્રધાનો ટાબરિયાની જેમ રીસામણા-મનામણાના ખેલ ખેલે છે. આવી ભાજપ સરકારની કલ્પના ગુજરાતીઓએ કરી જ ન હોય...

આ સામે યુપી ભાજપની સરકારના પરાક્રમો જુઓ. ગઇકાલે જાહેર થયેલા આંક પ્રમાણે છેલ્લા ૧૦ મહિનામાં યુપીમાં ૯ર ૧ એન્કાઉન્ટર થયા છે. ર૦૦૦ જેટલા માથાભારે તત્વો 'અંદર' ગયા છે. છેલ્લા ૧૦ દિવસમાં ૧૩ એન્કાઉન્ટર થયા છે. યોગીજીની આક્રમકતા પ્રેરક નથી ? યુપી પોલીસ ગુન્હાખોરોને ઝેર કરી રહી છે અને ગુજરાત પોલીસ લોકોને ફરિયાદ કરવાની અપીલ કરીને ગોદડામાં ઢબૂરાઇ જાય છે.

ગુજરાતમાં ગુન્હાખોરો સામે તાંડવ કરવામાં સરકારને કોણ બ્રેક મારે છે ? વિકાસના બે-પાંચ કામ નહિ થાય તો ચાલશે, ગુજરાતીઓ ભય વગર-શાંતિથી જીવી શકે તેવી સ્થિતિ તો સર્જો... ગુજરાતમાં ચૂંટણી જીતવા લોકલ ભાજપીઓનો પન્નો ટૂંકો પડતા પ્રચારમાં યોગીજીને બોલાવવા પડયા હતા. હવે આક્રમકતાથી અને વટથી સરકાર ચલાવવા પણ યોગીજીને બોલાવીને નવો રાજકીય ઇતિહાસ રચવો હોય તો પણ લોકોને વાંધો નથી !

(10:09 am IST)
  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST

  • અમદાવાદની કાંકરીયા પતંગ બજારમાં આગ : ૫થી ૬ સ્ટોલ સળગી ગયા access_time 12:51 pm IST

  • ગાંધીનગર : SRPના PSIનો રીવોલ્વરથી આપઘાતનો પ્રયાસઃ સેકટર ૨૭માં રહેતા હતા access_time 12:51 pm IST