Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

ફ્રાંસમાં લોકક્રાંતિ, ભારતમાં લોકભ્રાંતિ !

લોકપ્રશ્નો ઉકેલવા નેતાની જરૂર નથી, ફ્રાંસના લોકો રોડ પર : ભારતમાં લોકોના નામે નેતા-કલ્યાણ

લોખંડ કાટ ખાઇ જાય ત્યારે તેને ઘસવું પડે અથવા કટાઇ ગયેલું લોખંડ બદલવું પડે. પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ અલ્પેશને સોંપાયું છે. હાર્દિકના નેતૃત્વને રાજકીય કાટ લાગી ગયો હોય તેવું અનુભવાતું હતું. જોકે, હાર્દિકે ખુદે અલ્પેશને કેપ્ટન જાહેર કરીને પીઢતા દાખવી છે.

 

સમાજના આંદોલનોને ઉંડાણથી જોવા જોઇએ. લગભગ દરેક મોટા સમાજના નેતાઓએ સમાજ માટે આંદોલનો કર્યા છે. ઇતિહાસ ચકાસો, આંદોલનનું નેતૃત્વ કરનારા ધારાસભ્ય, સાંસદ, પ્રધાન બની ગયા... સમાજના પ્રશ્નો લટકતા જ રહ્યા છે. જે તે જ્ઞાતિના અને એ જ્ઞાતિના નેતાના વિકાસની તુલના કરશો ત્યારે આ મુદ્દો સમજાશે.

તુલનાનું તારણ એ નીકળે છે કે ભારતમાં લોકોના નામે નેતાઓનો વિકાસ થાય છે. આ સામે તાજેતરમાં ફ્રાંસમાં ચાલી રહેલી લોકલડત લોકક્રાંતિ બનવા જઇ રહી છે.

ફ્રાંસમાં મેક્રોં સરકાર વિરૂદ્ધ પ્રચંડ લોકરોષ ફાટી નીકળ્યો છે. આંદોલનકારીઓ લોકો જ છે અને રાજકીય નેતૃત્વ વગર સ્વયંભૂ લડત મંડાઇ છે. લોકોએ સમગ્ર પેરીસની કિલ્લેબંધી કરી દીધી છે. લાખો લોકોએ પેરીસને ઘેરી લીધું છે. એફિલ ટાવર બંધ કરી દેવાયો છે. સમગ્ર પેરીસમાં અરાજકતાનો માહોલ પાંચ દિવસથી સર્જાયેલો છે. શાસક મેક્રોં વિરૂદ્ધ જાગેલા લોકાક્રોશનો લાભ લેવા વિપક્ષ નેતા મેદાનમાં આવ્યા તો તેમને પણ લોકોએ ભગાડી દીધા છે.

ફ્રાંસના આંદોલનકારીઓ નાત-જાત-કોમ-ધર્મના સંકુચિત પ્રશ્નો લઇને મેદાનમાં નથી આવ્યા, સમસ્ત નાગરિકોના કલ્યાણના રાષ્ટ્રીયસ્તરના મુદ્દા સાથે નિર્ણાયક જંગ છેડયો છે. ફયુઅલનો ભાવ ઘટાડવા, કરવેરા ઓછા કરવા, લઘુતમ વેતન વધારવા, વીજળી દર ઘટાડવા, નિવૃત્તિ બાદ સન્માનજનક જીંદગી જીવવા... વગેરે સહિતના મુદ્દે રાષ્ટ્ર પ્રમુખ સામે જંગ શરૂ થયો છે.

નાતના નામે ટોળુ પોતાનું કલ્યાણ કરવા નથી નીકળ્યું. ભારતમાં નાત-જાત-પ્રાંત-ધર્મ-કોમ-ખેડૂતો-બેકારો-ગરીબો વગેરેના નામે નેતાઓ ખુદનું કલ્યાણ કરવા નીકળી પડે છે. લોકો પણ તેની પાછળ-પાછળ દોડીને આંદોલનકારીને ધારાસભ્ય કે સાંસદ બનાવી દે છે. મત મળ્યા બાદ નેતાઓ ટોળાને ભૂલી જાય છે. લોકોની દશા એની એ જ રહે છે, નેતાઓ પદ-પૈસા-પ્રતિષ્ઠામાં આળોટવા લાગે છે. આવું દાયકાઓથી ચાલે છે, છતાં લોકોમાં સમજ આવતી નથી.

ભારતમાં સમાજ લોકોના નામે જે લડતો થાય છે એ ચૂંટણી સમયે ખૂબ ગરમાવો પકડે છે, બાદમાં ટાઢી પડી જાય છે. આવી લડતો લોકક્રાંતિ ન કહી શકાય, લોકભ્રાંતિ કહી શકાય. જયપ્રકાશ નારાયણની લડતનો અભ્યાસ કરજો, ભારતને જે.પી. જેવા નેતાઓની જરૂર છે. ચૂંટણી સમયે જ જોરમાં આવતા નેતાઓ પરપોટા ગણાય. આવા પરપોટાની તુલના કટાયેલા લોખંડ સાથે થઇ શકે. ! (૮.ર)

 

(11:36 am IST)