Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અક્કલ ચાલે તો ચલાવજો...

નેતાઓ હવામાં છે : સભામાં દેકારો થતા તેલંગણાના મુખ્યમંત્રીએ લોકોને કહ્યું- 'તમે બેવકૂફ છો, તમારામાં અક્કલ નથી, પણ પાગલ થઇ ગયા છો...'

આજે નાગરિક સુરક્ષા દિન છે. ૬ ડિસેમ્બરે રાષ્ટ્રભરમાં આ દિવસ ઉજવાય છે. દાયકાઓથી ઉજવણી થઇ રહી છે, પરંતુ પરિણામ એ છે કે-ભારતમાં સામાન્ય નાગરિકો સિવાય બધા સુરક્ષિત છે. વ્યાપક લોકજાગૃતિ અને સમજના અભાવે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં લોકો જ પરેશાન થાય છે.

નાગરિકોની સુરક્ષા તો ખૂબ દૂરની બાબત છે, નાગરિકોના સ્વમાનની સુરક્ષાનો પણ ભારતમાં દુકાળ પડયો છે. રાજકારણીથી માંડીને અધિકારી સુધીનું નેટવર્ક લોકોને 'મામા' બનાવવાનું નિષ્ણાત બની ગયું છે. જનસમૂહને ખબર ન પડે એ રીતે 'મામા' બનાવવાની પરંપરા ચાલી રહી છે, જેને પ્રચ્છન્ન રીતે મૂરખ બનાવ્યા ગણાય. હવે આ પરંપરાનો વિકાસ થઇ ગયો છે. લોકોની અબૂધતાથી નેતાઓની હિંમત ફાટીને ધૂમાડે ગઇ છે. લોકોને ખુલ્લેઆમ બેફામ કહેવા લાગ્યા છે.

ગઇકાલે એક આઘાતજનક ઘટના બની. તેલંગાણાના આલમપુર મત વિસ્તારમાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની જાહેર સભાનું આયોજન થયું હતું. મુખ્યમંત્રી નિયત સમય કરતા મોડા આવ્યા. જો કે દરેક રાજકારણી આવો કીમિયો અજમાવે છે. માહોલ જામે પછી જ પ્રગટ થતાં હોય છે. જાણી-જોઇને મોડા આવીને ખંધી શૈલીમાં માફી માંગી લેતા જોવા મળે છે.

ચંદ્રશેખર રાવ દોઢેક કલાક મોડા પહોંચ્યા. રાહ જોતી પબ્લિકમાં થોડી હો-હા થાય એ સ્વાભાવિક છે. મુખ્યમંત્રીએ લોકોની માફી માંગવાને બદલે બેફામ ધમકાવવાનું શરૂ કર્યું. મુખ્યમંત્રી જેવા પદ પર બિરાજમાન નેતાના શબ્દો અક્ષરસહ આ પ્રમાણે છે- 'શા માટે દેકારો કરો છો ? તમે લોકો બેવકૂફ છો. તમારામાં અક્કલ નથી ? તમે પાગલ થઇ ગયા છો, દશ મિનિટ માટે શાંત રહી શકતા નથી ?' આટલું કહ્યા બાદ મુખ્યમંત્રીએ ધમકી આપી, 'હવે દેકારા બંધ નહિ કરો તો તમને પાણી સપ્લાય બંધ કરી દઇશું.'

લોકોને બેવકૂફ, પાગલ, અક્કલ વગરના કહ્યા બાદ, પાણી બંધ કરી દેવાની ધમકી આપી. વ્યાપક લોકજાગૃતિના અભાવના માહોલમાં નેતાઓ ફાટીને ધૂમાડે ન જાય તો જ નવાઇ ગણાય. લોકશાહી એટલે શું ? જયાં લોકો જ સર્વોપરી હોય. કોઇપણ રાજકારણી કે અધિકારી લોકસમૂદાયના ઋણિ છે. લોકો મત આપે તો જ સત્તા મળે છે અને લોકો વેરા ચુકવે તેમાંથી અધિકારીને પગાર મળે છે. લોકશાહીમાં લોકોનું જ મહત્વ હોય છે, પરંતુ ભારતમાં લોકો ઠેબેે ઉડે છે. મુખ્યમંત્રી જેવા પદ પરથી લોકોને અક્કલ વગરના જાહેર કરી દેવાય છે. લોકોને સંગઠિત ન થવા દેવાનું મોટું ષડયંત્ર ચાલે છે. પ્રાંત-ધર્મ-કોમ-નાત-જાત-સ્ત્રી-પુરૂષ વગેરેના વાડા સર્જાઇ ગયા છે. તેલંગણાના લોકોનું અપમાન થાય તો ગુજરાતના લોકોનું પાણી હલતું નથી.

ગુજરાતીઓ પણ ઓછા 'મામા' નથી બનતા. રોડ પર એકાદ નેતુ કે મોટુ અધિકારી નીકળે તો પણ ટ્રાફિક બંધ કરી દેવામાં આવે છે. શા માટે ભાઇ ? ટ્રાફિક બહુ નડતો હોય તો ટ્રાફિક પ્રશ્નનો કાયમી હલ કરોને...ઘણા જ્ઞાનીઓ એવી દલીલ કરે કે, અમૂક પદને બંધારણીય વિશેષાધિકાર છે.

આ દલીલ માન્ય છે, પણ એક મહત્વની વાત કાનમાં કહું- 'બંધારણ લોકોએ ઘડયું છે અને બંધારણમાં ફેરફાર કરવાની તાકાત પણ લોકો પાસે છે... અક્કલ ચાલે તો ચલાવવા જેવી છે. થોડી જ ચલાવીશું તો પણ સ્વમાન-સુરક્ષા-સુખાકારી ચરણોમાં આળોટશે.' (૮.ર) 

(11:58 am IST)