Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

ઠગ્સ ઓફ ફિલ્મીસ્તાન !

નવેમ્બરમાં રીલીઝ દરેક ફિલ્મ મેગાફલોપઃ અતિ મહત્વના મનોરંજન ક્ષેત્રના ગ્રહ ખરાબ : કલાના ક્ષેત્રમાંથી કલા જ ગુમ...

આવતીકાલે રાષ્ટ્રીય લોકશિક્ષણ દિન છે. ૧ ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. લોકશિક્ષણ એટલે લોકોમાં સમજ અને જ્ઞાનનો વ્યાપ વિસ્તારવો. લોકજાગૃતિના અભાવે વ્યકિત-પરિવાર-સમાજ અને રાષ્ટ્રને પારાવાર નુકસાન થઇ રહ્યું છે. લોકશિક્ષણનું કાર્ય વિવિધ સ્તરથી થઇ શકે છે. આ ક્ષેત્રે મીડિયા ખૂબ મોટી ભૂમિકા ભજવી શકે છે.

મીડિયાની માહિતી, મનોરંજન અને લોકશિક્ષણનો સમાવેશ થાય છે. મીડિયાના મુખ્ય ત્રણ વિભાગો છે. પ્રિન્ટ-ફિલ્મ-રેડિયો. આ ત્રણેય મીડિયા ધૂમ મચાવે છે, પરંતુ જવાબદારી વિસરાઇ રહી છે. આજે આપણે ફિલ્મજગત અંગે ચિંતન કરીશું. ભારતીયો ફિલ્મ અભિનેતા અને ક્રિકેટરોને હદથી વધારે મહત્વ આપે છે. લોકપ્રિય હીરા સુખ-સમૃદ્ધિમાં આળોટવા માંડે છે, એટલું જ નહિ, લોકો તેને નેતા બનાવીને સાંસદ-મુખ્યમંત્રીપદ સુધી પહોંચાડી દે છે.

પોતાની લાયકાત કરતા વધારે લોકપ્રિયતા -પદ-પૈસા પ્રાપ્ત કરનાર ફિલ્મજગત બીજુ બધું તો ઠીક, હવે સારી ફિલ્મ પણ આપી શકતું નથી. એક અહેવાલ પ્રમાણે નવેમ્બર મહિનામાં રીલીઝ થયેલી તમામ ફિલ્મો મેગાફલોપ રહી છે, જેમાં નોંધપાત્ર ઘટના એ છે કે, ૩૦૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' અને ર૦૦ કરોડના ખર્ચે બનેલી 'ઝીરો' ફિલ્મ ખર્ચ જેટલો વકરો પણ કરી શકી નથી.

છેલ્લા એકદાયકાની ફિલ્મો પર નજર નાખો. મોટાભાગની ફિલ્મો ઢંગધડા વગરની આવી છે. લોકશિક્ષણ તો દૂરની બાબત છે, મસ્ત મનોરંજનનો પણ અભાવ દર્શાઇ રહ્યો છે. ફિલ્મ વ્યવસાય તો છે જ, પરંતુ સાથે કલાનું ખૂબજ મહત્વનું ક્ષેત્ર છે. વ્યવસાયની લ્હાયમાં ફિલ્મજગત આર્ટને સાવ વીસરી રહ્યું હોય તેમ લાગે છે. સ્ટોરી, ગીત, અભિનય, અભિનેત, મ્યુઝિક વગેરેના કોઇ ઢંગધડા રહેતા નથી. જોકે અમૂક ફિલ્મો સારી બને છે, પણ તેની ટકાવારી ખૂબ ઓછી છે.

મોટા અભિનેતા કે અભિનેત્રીના કારણે ફિલ્મ ચાલી જશે, તેવી માન્યતા ફિલ્મજગતમાં ચાલી રહી છે. હીરો-હીરોઇનના નામથી બે-પાંચ ફિલ્મો ચાલી પણ જાય છે, પરંતુ લાંબાગાળા સુધી દર્શકોને મૂરખ બનાવી શકાતા નથી. ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની નિષ્ફળતા બાદ આમીરખાને દર્શકોની માફી માંગવી પડી હતી.

ફિલ્મ નિર્માણ કરતા તેની પબ્લિસિટી-માર્કેટિંગમાં વધારે મહેનત થાય છે. ન્યૂઝ ચેનલોને આખો દિવસ જે તે ફિલ્મ અંગે ખબરો ચાલતી રહે છે. આવા કીમિયા કયારેક સફળ પણ થઇ જાય છે, પરંતુ લાંબાગાળે ફિલ્મક્ષેત્રને ખૂબ મોટું નુકસાન વેઠવું પડે છે. ઉત્તમ કથાવસ્તુ-ઉત્તમ અભિનય, ઉત્તમ વીડિયોકલા, ઉત્તમ ગીત-સંગીત વગેરે ફિલ્મના મહત્વના તત્વો છે. આ બધું ગાયબ થવા લાગ્યું છે, જે પતનની નિશાની છે ઘોંઘાટ અને આડેધડ ઉછળકુદ ફિલ્મોના અંગો બની ગયા છે. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન બનાવનારા ખુદ ઠગ્સ ઓફ ફિલ્મીસ્તાન સાબિત થઇ રહ્યા છે. ફિલ્મોનું કામ લોકશિક્ષણનું છે, પરંતુ લાગે છે કે ફિલ્મોને ફલોપ કરીને લોકો ફિલ્મક્ષેત્રનું શિક્ષણ કરી રહ્યા છે.!

(10:28 am IST)