Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

પંજો ભગવો બનીને ખીલ્‍યો !

પપ્‍પુ સામે ભાજપના ધુરંધરો ‘મહાપપ્‍પુ' સાબિત થયા : વધારે પડતી સ્‍માર્ટનેસ હાસ્‍યાસ્‍પદ પુરવાર થઇ....

જેને પપ્‍પુ કહીને વગોવતા હતા એ રાહુલ ગાંધીએ એકલા હાથે ભાજપ-સંઘના ધુરંધરોને મહાપપ્‍પુ સાબિત કરી દીધા. પાંચ રાજયોની ચૂંટણીમાં ભાજપે ન્‍હાવાનું આવ્‍યું છે. ૮૦ ટકા ભારત પર શાસન, મોદીજી જેવો ચૂંબકીય ચહેરો, અમિતભાઇ શાહ જેવા ચમત્‍કારિક રણનીતિકાર, સંઘનું મજબૂત પીઠબળ, ચિંતકો-દ્વિતિયસ્‍તરના નેતાઓ-કાર્યકરોની મોટી ફોજ, અપાર સત્તા, અપાર સમૃદ્ધિ... આ બધું હોવા છતાં ભાજપે પોતાના મજબૂત ગઢ ગુમાવવા પડયા. આ સામે કોંગ્રેસ પાસે રાહુલનો નિષ્‍ફળ ચહેરો, ગ્રાઉન્‍ડ લેવલના નેટવર્કનો અભાવ, ઠેકાણા વગરની રણનીતિ, ચારેબાજુ બેકાબૂ જૂથબંધી... અપાર અભાવો છતાં રાહુલે ભાજપ-સંઘના ધુરંધરોને પાડી દીધા. આ અસામાન્‍ય જીત છે.

યોગાનુયોગ રાહુલ ગાંધી પક્ષ અધ્‍યક્ષ બન્‍યાને ગઇકાલે જ એક વર્ષ પૂરૂં થયું અને પક્ષને મોટી ગિફટ આપી. કોંગ્રેસે બિનસાંપ્રદાયિકતા તડકે મૂકીને સોફટ હિન્‍દુત્‍વ રણનીતિ અપનાવી તે સફળ બનતી દેખાઇ છે. પંજો ભગવો બનીને છવાઇ રહ્યો છે અને કેસરિયા બ્રિગેડ પછડાઇ રહી છે.

રાજયોની ચૂંટણી કેન્‍દ્રને અસર ન કરે તેવું સિદ્ધાંતો કહે છે, પરંતુ એ બાબત કિલન છે કે, ભાજપ સરપંચની ચૂંટણી પણ મોદીજીના નામે લડે છે, નૈતિક જવાબદારી ચહેરાની બને જ. મોદી સરકાર સામે લોકાક્રોશ જાગવાનું કોઇ સબળ કારણ નથી. મોદી સિવાયના ભાજપીઓ બ્રાન્‍ડ વેલ્‍યુ પ્રમાણે કામ કરી દેખાડવામાં નિષ્‍ફળ ગયા છે. ભાજપી ટોળુ વધારે પડતુ સ્‍માર્ટ બનવા મથે છે તેમાં હાસ્‍યાસ્‍પદ બની જાય છે.

ગુજરાતમાં માંડ જીત્‍યા, યુપી પેટા ચૂંટણી હાર્યા, કર્ણાટકમાં પથારી ફરી પછી પણ ભાજપીઓ સુધર્યા નહિ અને પોતાના આધાર સમાન ગઢમાં પથારી ફરી ગઇ. છત્તીસગઢ-રાજસ્‍થાનમાં કોંગ્રેસ સ્‍પષ્‍ટ બહુમતી મેળવી ગઇ, મધ્‍યપ્રદેશમાં ટાઇ જેવી સ્‍થિતિ છે. મિઝોરમ-તેલંગાણામાં સ્‍થાનિક પક્ષોએ દબદબો જમાવ્‍યો.

ર૦૧૯ના જંગને ધ્‍યાને રાખીને કહી શકાય કે, ગઇકાલના પરિણામોએ ભાજપની ઉંઘ હરામ કરી દીધી છે અને કોંગ્રેસને ખૂબ મજબૂત દાવેદાર બનાવી દીધી છે. કોંગ્રેસને પોતાને કાબેલીયત કરતા સત્તા વિરોધી લહેરનો વધારે લાભ મળ્‍યો છે. સત્તા મળ્‍યા બાદ કાબેલીયત સાબિત કરવી અનિવાર્ય અને અઘરી છે. મધ્‍યપ્રદેશમાં હજુ સ્‍થિતિ પ્રવાહી છે, ત્‍યાં પણ કસોટી થવાની છે.

ભાજપે દંભ-દેખાડો વાતોના વડાં-સ્‍માર્ટપણું પડતું મૂકીને પરિણામો આપવા જરૂરી છે. ગુજરાતમાં અઢી દાયકાના શાસન બાદ પણ સાવ સામાન્‍ય પ્રશ્નોમાં ભાજપ પરિણામો દેખાડી શકયો નથી. ગુજરાતીઓ જેટલી સહનશકિત ભારતીયોમાં નથી. પરિણામો દેખાડયા વગર માત્ર વાતો કર્યે રાખી તેથી રાહુલ જેવા નેતૃત્‍વને લોટરી લાગી ગઇ છે. વિવિધ પ્રાન્‍તોમાં છેલ્લી છ ચૂંટણીઓ ભાજપને ચેતવણીરૂપ હતી, આ સેમીફાઇનલે તો ખતરાનો ઘંટારવ કરી દીધો છે.

પંજાના ભગવા કરતા કમળનો ભગવો વધારે ઘટ્ટ છે એ સાબિત નહિ થઇ શકે તો ર૦૧૯માં વગર પાણીએ સ્‍નાન કરવાનું આવશે.

 

 

(11:18 am IST)