Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

શિયાળે રાજકીય તાપણા શરૂ

ચૂંટણીના પરિણામો, સંસદનું સત્ર, મહામોરચાનો શંખનાદ... પ્રવાહી સ્થિતિ, ઘનસ્વરૂપ પ્રશ્નો

આ લખાય છે ત્યારે પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો આવવા શરૂ થઇ ગયા છે. ઇવીએમમાંથી રાજકીય ભવિષ્ય બહાર આવી રહ્યું છે. પાચેય રાજયોની રાજકીય સ્થિતિ આજે સ્પષ્ટ થઇ જશે, પરંતુ આ જંગ રાષ્ટ્રીય રાજનીતિનો પ્રવાહ દર્શાવશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, એ પૂર્વે રાજયોનો જંગ સેમીફાઇનલ જેવો હતો. પરિણામોની જબ્બર અસર રાષ્ટ્રીય રાજનીતિમાં થનાર છે.

બીજી તરફ આજથી લોકસભાનું શિયાળુ સત્ર પણ પ્રારંભ થઇ રહ્યું છે. રામ મંદિર જેવા મુદ્દે ભીંસમાં રહેલી સરકાર માટે આ સત્ર ખૂબ મહત્વનું સાબિત થનાર છે. પાંચ રાજયોની ચૂંટણીના પરિણામોની અસર પણ સંસદના સત્ર પર થનાર છે. પરિણામોમાં ભાજપ ભીંસ અનુભવશે તો રામ મંદિર મુદ્દે ખૂબ સક્રિય થઇ જશે, તેમ સમીક્ષકો માની રહ્યા છે. આ ઉપરાંત લોકોને ખુશ કરવા ભાજપે અનેક નિર્ણયો કરવા ફરજ પડશે.

રાજયોની ચૂંટણીઓમાં ભાજપ જોરમાં રહે તો વિપક્ષનો આત્મવિશ્વાસ ઘટશે. રણનીતિ વિપક્ષ પણ પૂરી તાકાતથી સક્રિય થઇ ગયો છે. ચૂંટણી પરિણામો અને સંસદના સત્રના આગલા દિને એટલે કે ગઇકાલે જ મહામોરચાની બેઠક મળી હતી. ભાજપ-એનડીએ સામે મહામોરચો આકાર લઇ રહ્યો છે, પરંતુ નેતાગીરી અને નીતિ મુદ્દે ઘણું જ મંથન-બાંધછોડ વિપક્ષી પક્ષોએ કરવા પડે તેમ છે, જે કાર્ય સરળ નહિ હોય રીસામણા-મનામણા વચ્ચે મોરચો આકાર લઇ રહ્યો છે. આજના પરિણામોમાં કોંગ્રેસનો હાથ ઉપર રહે તો મહામોરચામાં તેનો પ્રભાવ અનેકગણો વધી જશે અને લોકસભાના જંગમાં ભાજપ સામે બમણી તાકાતથી મેદાનમાં આવશે.

જોકે, ગઇકાલે ભાજપના એક સમયના વરિષ્ઠ અને આજના બળવાખોર નેતા યશવંત સિંહાએ એક નિવેદન આપ્યું, જે મહત્વનું બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, 'મમતા બેનરજી વડાપ્રધાન બનવાના પૂરેપૂરા ગુણ ધરાવે છે, મહામોરચાએ તેમને નેતા જાહેર કરવા જોઇએ.' રાજનીતિમાં કંઇ અચાનક નથી થતું. તૃણમૂલ કોંગ્રેસે મમતાદીદીનું માર્કેટિંગ શરૂ કર્યું છે. કોંગ્રેસ સહિતના પક્ષો તેનું નેતૃત્વ સ્વીકારવા બાંધછોડ કરે કે નહિ એ મહત્વનું બની રહેશે.

પાંચ રાજયોના પરિણામોમાં ભાજપ વિરૂદ્ધ લોકપ્રવાહ ઉજાગર થાય તો બ્રાન્ડ મોદીની ઇમેજને ગજબનું નુકસાન થઇ શકે છે. આ સ્થિતિમાં ઇમેજ જાળવવી, સાથી પક્ષોને કાબુમાં રાખવા ખુદના પક્ષના નેતાઓ-કાર્યકરો પર પ્રભાવ જમાવી રાખવો ભાજપ માટે કપરૂ કામ ગણાશે.

દેશભરમાં શિયાળો જામી રહ્યો છે, રાજકીય તાપણા જેવા ગરમાગરમ ચૂંટણી પરિણામો આવી રહ્યા છે. રાજકીય સમીકરણો બદલાઇ રહ્યા છે. આ સ્થિતિ મજેદાર છે. લોકોએ પણ જાગૃત બનીને તાપણાનો લાભ લેવો જોઇએ.

(10:47 am IST)