Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

બાબરીકાંડ : નિર્ણય ન લેવાનો નિર્ણય !

૧૯૯રમાં ધ્વસ્ત થયા બાદ વિવાદોના ભડકા પર ખીચડી પાડતી રહે છે : આવી ખીચડી લોકશાહીને અપચો કરે...

ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં કથિત ગૌહત્યા મામલે ટોળાએ પોલીસ અધિકારી અને પોલીસ થાણાને ફૂંકી માર્યું. ટોળશાહીના હાહાકાર બાદ સફાળી જાગેલી યુપી સરકારે તપાસના આદેશો આપ્યા. ભારતીય સંસ્કૃતિ ગાયને માતા ગણે છે, ગૌવંશ પ્રત્યે બહુમતી લોકોને લાગણી હોય એ સ્વાભાવિક છે, પરંતુ કમાલ એ છે કે શાસકો ગાવંશને પૂર્ણ સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા નથી. ભારતીય શાસકોને વિવાદો ચાલતા રહે તેમાં જ રસ હોય તેમ લાગે છે.

આવતીકાલે ૬ ડિસેમ્બર છે. આઝાદ ભારતનો આ એૈતિહાસિક દિન છે. ૧૯૯રમાં આ દિને અયોધ્યાનું સૌથી વિવાદી સ્થળ-બાબરી મસ્જિદ ધ્વસ્ત થઇ હતી. ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરીને ધારાસભા ભંગ કરવામાં આવી હતી. આ ઘટના બાદ દેશમાં અનેક સ્થાનો પર તોફાનો ફાટી નીકળ્યા હતા...

બાબરીકાંડ બાદ રાજકીય સમીકરણોમાં ગજબની ઉથલપાથલ થઇ હતી. ભગવા બ્રિગેડને અપાર રાજકીય લાભ પ્રાપ્ત થયો. રાષ્ટ્રની સર્વોચ્ચ સત્તા સુધી આ બ્રિગેડ પહોંચી ગઇ... બહુમતી સમાજને સતત ગાળો આપતી કહેવાતી બિનસાંપ્રદાયિક જમાતો પણ હવે બહુમતીના ચરણોમાં આળોટવા લાગી છે...

પરંતુ ગહન ચિંતન જરૂરી છે. બાબરીકાંડનો બધાંએ વધારે-ઓછો લાભ લઇ લીધો, પણ આ વિવાદ કોઇએ ઉકેલ્યો નહિ. રાજકારણીઓને તો વિવાદનો ભડકો ચાલતો રહે તો ખીચડી પાડતી રહે તેમાં રસ હોય એ સમજાય તેવી બાબત છે. કમાલ એ છે કે, કોર્ટ પણ આવા મુદ્દે અનિર્ણાયક રહે છે. એક વખત તો કોર્ટે એવો આગ્રહ કર્યો હતો કે, કોર્ટની બહાર આ વિવાદ ઉકેલો !

બાબરીકાંડ જેવા અતિ સંવેદનશીલ મામલે રાષ્ટ્રની મોટી તાકાતોએ ગંભીર બનીને શ્રેષ્ઠત્તમ ઉકેલ શોધવો જોઇએ, પરંતુ ૧૯૯ર થયેલા બાબરી ધ્વંશના દાયકાઓ બાદ એમ લાગે છે કે-મોટી તાકાતોએ આ મામલે નિર્ણય ન કરવાનો નિર્ણય કરી નાખ્યો છે. !

અયોધ્યા મુદ્દે રાજકીય લાભ ખૂબ લેવાયો, હજુ પણ લેવાઇ રહ્યો છે. આ રીતે ગૌવંશ અંગે પણ રાજનૈતિક કમાલ ચાલતી હોય તેમ લાગે છે. વિવાદો ચાલુ રાખીને તેના ભડકામાં રાજકીય ખીચડી પકાવવાની નીતિ લોકશાહીને અપચો કરી દે છે. વિવાદી મુદ્દા સતત રાષ્ટ્રમાં તનાવનો માહોલ બનાવી રાખે છે. અવારનવાર અશાંતિની સ્થિતિ સર્જાય છે. આ કારણે વિકાસ અવરોધય છે. ભારતને હિંમતવાન અને નિર્ણાયક નેતાગીરીની જરૂરિયાત છે.

મોદી સરકાર પ્રત્યે ખૂબ આશા હતી અને છે. અયોધ્યા મામલો રાષ્ટ્રના અતિ વિવાદી અને ખૂબ જોખમી મુદ્દામાં સમાવી શકાય તેવો છે. વર્તમાન સમયમાં આ મામલે ખૂબ જ ગરમાવો પકડાયો છે. નિર્ણાયક કદમ માંડવાની મહામૂલી તક છે. આ તક ગુમાવશો તો ઘણું ગુમાવવું પડશે.

(10:16 am IST)