Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

પેપર નહિ, તંત્ર ફૂટ્યું !

મોટી-મોટી વાતો કરતી સરકાર પેપર પણ સાચવી શકતી નથી : ગુજરાત મામલે ભાજપ ગંભીર નહિ બને તો...

જસદણમાં ચૂંટણીનો રંગ બરાબર ઘુંટાયો છે. જાણે અમેરિકાના પ્રમુખની ચૂંટણી થતી હોય તેવો માહોલ સર્જાયો છે. કોંગ્રેસના અડીખમ નેતા કુંવરજીભાઇ ભાજપમાં આવ્યા, પ્રધાન બન્યા. તેમના જ વિસ્તારમાં ચૂંટણી છે અને ખુદ ઉમેદવાર છે છતાં ભાજપીઓને પરસેવો વળી રહ્યો છે. આનો અર્થ એ થાય કે, ભાજપે લોકપ્રિયતા કેળવી નથી. તોડફોડ અને સેટિંગની રાજનીતિ જ ચલાવી રહ્યા છે. ગુજરાતીઓએ ભાજપ પર પારાવાર ઉપકાર કર્યા છે. દેશમાં ભાજપ મજબૂત બન્યો એ ગુજરાતીને આભારી છે. અફસોસ એ છે કે, મજબૂત ભાજપ ગુજરાતને ભગવાન ભરોસે રાખીને સત્તા-સુખમાં વ્યસ્કત થઇ ગયો છે.

તાજેતરમાં લોકરક્ષક પરીક્ષામાં ભાજપ સંપૂર્ણ ફેઇલ જાહેર થયો છે. પરીક્ષાનું પેપર લીક થયું. પરીક્ષ રદ્દ થઇ. ૯ લાખ ઉમેદવારો રખડી પડયા. પેપર ફૂટવાની ઘટના અભૂતપૂર્વ નથી, આ પહેલા પણ અનેક વખત બની છે. આઘાતજનક બાબત એ છે કે, આ કાંડમાં પોલીસ અધિકારી અને ભાજપના અગ્રણીઓની ધરપકડ થઇ છે. આ પરથી કહી શકાય કે, માત્ર પેપર નથી ફૂટ્યું તંત્ર અને શાસક પક્ષ બંને ફૂટ્યાં છે. જોકે ભાજપે બંનેને તત્કાળ સસ્પેન્ડ કરી દીધા છે, પરંતુ મસમોટો સવાલ એ છે કે, શાસકો ખુદના તંત્ર કે પક્ષ પર પણ પ્રભાવ ધરાવતા નથી ? રાજયમાં મોટા પડકારો છે અને આવનારા છે તેનો સામનો આવા શાસકો કઇ રીતે કરશે ?

ગુજરાત ભાજપ લોકોથી પર થતો જતો હોય તેમ લાગે છે. હજુ ભાજપે મોદીજીના નામે લોકો પાસે જવું પડે છે તેનો અર્થ એ કે કોઇ નેતાગીરી પ્રભાવ જમાવી શકી નથી. નેતાઓ નિષ્ઠાપૂર્વક અને તાકાતથી-વટથી લોકોના કામ કરીને લોકપ્રિયતા મેળવી શકે છે. મોદી બાદના ગુજરાતના ભાજપીઓ એવું કરી શકયા નથી. આ કારણે વિપક્ષની તોડફોડ કરીને પક્ષને મજબૂત કરવો પડે છે. પેપરની સાથે ખુદનું તંત્ર ફૂટી જાય, ખુદનો પક્ષ ફૂટી જાય એ હદે સ્થિતિ કથળી છે. છતાં ભાજપીઓ જાગૃત થતા નથી.

રાષ્ટ્રીય ભાજપ અને સંઘ પરિવારે ગુજરાતને ખરેખર ગંભીરતાથી લેવાની જરૂર છે. ગુજરાતના કારણે દેશભરમાં ભાજપને તાગડધીન્ના છે. વર્તમાન ભાજપના ઉદય પાછળ ગુજરાતીઓનો વિશેષ ફાળો છે. ગુજરાતમાં જ સંઘની શરમ ગણાય.

કોઇ સમાજ કે સમૂદાય અણછાજતી માંગણી કરીને રાજયમાં અરાજકતા ફેલાવે તો ભાજપની નેતાગીરી ડરી જાય છે અને જે તે સમાજના ટોળા સામે મુજરા કરવા લાગે છે. સામાન્ય લોકો પોતાની યોગ્ય માંગણી આપતા નથી... ગુજરાતીઓ નવી ક્રાંતિ કરે એ પહેલા ભાજપ-સંઘે જાગૃત બનવું તેમના હિતમાં રહેશે.

(10:33 am IST)