Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પથારી મફતમાં ફરી રહી છે...

કેન્‍દ્રિય પ્રધાનોના નિવેદનો સરકારની શાખનું દેવાળુ ફૂંકે છે : નેતાઓનું બેફામ બક-બક બંધ કરાવો

અખિલેશની ઉંઘ હરામ થઇ જાય તેવું નિવેદન માયાવતીએ ફટકાર્યું. ‘ભત્રીજા-ફઇની વાત છોડો, સન્‍માનજનક બેઠક મળશે તો જ મહાગઠબંધન થશે.' માયાવતીના આવા આકરા સ્‍ટેન્‍ડથી ભાજપીઓ ખુશ થઇ શકે છે. માયાએ કોંગ્રેસને પહેલેથી જ મહાગઠબંધનમાંથી મુકત કરી દીધી છે. હવે અખિલેશનું ગળુ દબાવે છે. એનડીએ માટે આ સારા સંકેત છે.

આજથી આર.એસ.એસ.નું વ્‍યાખ્‍યાન સત્ર શરૂ થઇ રહ્યું છે. પ્રથમ વખત દુનિયા સામે સંઘ પોતાના દૃષ્‍ટિકોણ રજૂ કરશે. આર.એસ.એસ.ને શિસ્‍ત, સમજ, વિચાર અને વ્‍યૂહભર્યું સંગઠન માનવામાં આવે છે. મોદી સરકાર સંઘ સમર્થિત સમજવામાં આવે છે. નરેન્‍દ્રભાઇ મોદીનું નેતૃત્‍વ આક્રમક હોવાની આભા ઉપસી છે, પરંતુ મુખ્‍ય પ્રવાહમાંથી વહેણો વિચિત્ર દિશામાં ફંટાઇ રહ્યા છે.

વિપક્ષ સરકારની પથારી ફેરવવા સક્રિય હોય એ સામાન્‍ય બાબત છે. અહીં અસામાન્‍ય એ છે કે, સરકારમાં બેસેલા જ સરકારની પથારી ફેરવી રહ્યા છે. પ્રધાનો બેફામ બક-બક કરે છે. ભાજપ અને એનડીએના નેતાઓ હવામાં ઉડી રહ્યા છે. લોકોના ઝખમ પર મીઠું-મરચુ ભભરાવી રહ્યા છ. તેને રોકનાર -ટોકનાર કોઇ હોય તેમ લાગતું નથી. સંઘના શિસ્‍ત-સમજ-વિચાર-વ્‍યૂહ કે નરેન્‍દ્રભાઇની આક્રમકતા નજરે પડતા નથી. પેટ્રોલના ભાવ બેફામ હદે વધી રહ્યા છે. લોકોને સીધી અસર કરતો આ ગંભીર મુદ્દો છે. વિપક્ષ અને દેશભરના મીડિયા આ મુદ્દા પર કેન્‍દ્રિત થઇ ગયા છે આવા સમયે કેન્‍દ્રિય પ્રધાનો ભયાવહ નિવેદનો કરીને સરકાર પ્રત્‍યેના રોષની તીવ્રતા વધારી રહ્યા છે.

પેટ્રોલીયમ પ્રધાને બેફામ શૈલીમાં જણાવી દીધું કે, ‘ગરીબો માટે પૈસા વાપરવા પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાશે નહિ.' આ નિવેદન બાદ ગઇકાલે કેન્‍દ્રિય પ્રધાન રામદાસ આઠવલે બેફામ બન્‍યા. ‘હું પ્રધાન છું, પેટ્રોલ-ડીઝલનો ભાવધારો મને ન નડે..' લોકોના ખર્ચે જલ્‍સા કરી રહેલા નેતા લોકોના ઘા પર મીઠું-મરચું ભભરાવે છે. જો કે, આઠવલેએ પોતાના નિવેદન અંગે માફી માંગી લીધી, પરંતુ મફતમાં પેટ્રોલ-ડીઝલના ભડકા કરનાર આ નેતાએ સરકારની પથારી પણ મફતમાં ફેરવી નાખી છે. શત્રુધ્‍નસિંહા-યશવંતસિંહા, શિવસેના, ધર્મેન્‍દ્ર પ્રધાનો, રાજભરો, આઠવલેઓ... આ બધા સરકારની તથા ભાજપની સાથે રહીને પક્ષ તથા સરકારની પથારી ફેરવે તેવા નિવેદનો આપે છે. આમાંના અમૂક તો લાંબાગાળાથી બેફામ બન્‍ય છે. રોકનાર-ટોકનાર કોઇ નથી.  મોદિત્‍વની આ ઓળખ નથી, તેમની ઓળખ આક્રમકતાની છે, પરંતુ મોદીને બદલે સાથીદારો આક્રમક જણાઇ રહ્યા છે.

યુપીએ શાસન વખતે બક-બકિયા નેતા દિગ્‍વીજયસિંઘે કોંગ્રેસની પથારી ફેરવી હતી. ભાજપ પાસે મોટી માત્રામાં દિગ્‍વીજયો હોય તેમ લાગે છે. લોકસભાની ચૂંટણી અંગે મોટા મોટા દાવા કરી રહેલા ભાજપે પહેલા સળગતા ઘરને ઠારવું જરૂરી છે. પોતાના નેતાઓ અને સાથીદારોને કાબૂમાં લીધા બાદ કિંમતો પર કાબૂ કરાશે તો જ ચૂંટણીના પરિણામો ભાજપના કાબુમાં રહેશે.

 

(12:36 pm IST)