Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

ભારત બંધ... મગજમારી ચાલું !

એલાન આપનારા બદલી જાય છે, પણ પ્રશ્નો ઉકલતા નથી... રાજકીય લાભ માટે નહિ, પરંતુ લોકલાભ માટે લડત જરૂરી

આપણે જે કંઇ ભોજન ગ્રહણ કરીએ તેને શરીર તંત્ર ગ્લુકોઝ સહિત વિવિધ પોષકતત્વોમાં રૂપાંતર કરે છે. અને પોષણ મળે છે.  અનાજ-ભોજન ન લો અને સીધા ગ્લુકોઝના  બાટલા ચઢાવો તો શરીરને ડાયરેક પોષણ મળે છે. હા, ભોજનના સ્વાદનો લાભ ન મળે. બાટલા ચઢયા બાદ હાર્દિક પટેલે ઉપવાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે....!

આવી લડતનું અર્થઘટન કરવા દરેક વ્યકિત સ્વતંત્ર છે. લડત માટે સમર્થકોનો વિશ્વાસ જાળવવો અને નક્કર વ્યૂહ ઘડવો જરૂરી હોય છે. માત્ર મોટી-મોટી વાતો અને આકરા નિવેદનોથી લડત સમાજને બદલે વ્યકિત કેન્દ્ર બની જાય છે.

ભારતમાં લડતોના ગણિત-વિજ્ઞાન વિચિત્ર છેે વર્ષોથી એકના એક  પ્રશ્નો સળગતા રહે છે. પ્રશ્નો ભડકા-વનારા અને તેનો વિરોધ કરનારા બદલાતા રહે છે, પણ પ્રશ્નો ઠારનારા કોઇ નથી. આ લખાય છે ત્યારે આજે ભારત બંધના એલાનના અમલનો પ્રારંભ થઇ રહ્યો છે. બંધનો મુદ્ે ખૂબ મોટો છે. સામાન્ય માણસના બજેટને વેરવીખેર કરી દેતા પેટ્રોલ-ડીઝલના ગંજાવર ભાવ વધારા સામે મુખ્ય વિપક્ષ કોંગ્રેસ મેદાનમાં આવી છે.

પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે અન્ય વસ્તુના ભાવ પણ વધી રહ્યા છે. સામાન્ય માણસ માટે આ સ્થિતિ ભયાનક ગણાય, જેને કોંગ્રેસ વાચા આપી રહી છે. વિપક્ષનું આ મુખ્ય કાર્ય છે. મુખ્ય કાર્ય તરફ કોંગ્રેસ ઘણાં સમય બાદ પરત ફરી છે.

લોકોનું મુખ્યકાર્ય શું છે ? પોતાના અવાજને વાચા આપે તેને ટેકો આપવો એ આભાસી કાર્ય છે. પ્રશ્ન ઉકેલ તરફ શકિત કેન્દ્રિત કરવી એ લોકોનું મુખ્ય કાર્ય છે, આ કાર્ય તરફ ભારતીયો વળી શકયા નથી. મનમોહન સરકાર વખતે પેટ્રોલનો ભડકો થતો, ભાજપવાળા બંધના એલાનો આપતા લોકોના ટેકાથી સજ્જડ બંધ રહેતું. હવે ભાજપ શાસક છે, પેટ્રોલના ભડકા ચાલે છે, કોંગ્રેસ બંધના એલાન આપે છે...

લોકશાહીની આ દિશાનો અર્થ શું થાય ? પ્રશ્નો સળગતા રહે છે, સળગાવનારા અને તેનો વિરોધ કરનારા બદલાતા રહે છે. લોકોને તો સળગતા પ્રશ્નમાં દાઝતું જ રહેવાનું! વિપક્ષ પોતાનું મુખ્યકાર્ય કરે છે, પણ લોકો મુખ્ય કાર્ય ભૂલી ગયા છે. પ્રશ્ન ઉકેલે એ બાબત મુખ્ય છે, સત્તાધીશ કે વિપક્ષ બદલાતા રહે એ મુખ્યકાર્ય નથી.

પેટ્રોલ-ડીઝલના ભાવ પરનો કાબૂ સરકારે સ્વેચ્છાએ દૂર કરી દીધો છે. કોંગ્રેસ-ભાજપ અને અન્ય પક્ષો આ નીતિને અનુસરે છે. આ કારણે પ્રશ્ન ઉકલતો નથી. શાસક-વિપક્ષ બદલવાને બદલે લોકોએ રાજકીય પક્ષોની નીતિ બદલે તે તરફ ધ્યાન આપવું જોઇએ.

પેટ્રોલ-ડીઝલમાં ગંજાવર કર-વેરાથી સરકારને અધધધ આવક થઇ રહી છે. સરકાર અને તેના ભકતો દાવો કરે છે કે, આ રકમ રાષ્ટ્રસેવામાં વપરાય છે. વાસ્તવમાં ફાલતુ નેતા-નેતીઓની સુરક્ષા માટે ગંજાવર રકમ વપરાય છે. નેતાઓના જલ્સા આપણા ખર્ચે થાય છે. નેતા-નેતીઓની સતત ઉડાઉડ આપણા ખર્ચે થાય છે. નિષ્ઠા વગરના અધિકારીઓ-કર્મચારીઓના ગંજાવર પગાર વધારા લોકોના ખર્ચે થાય છે....

માત્ર શાસક-વિપક્ષ બદલ્યે રાખવાથી કંઇ નહિ વળે, દેશના સંચાલનની નીતિના બદલાવ માટે લોકોએ નક્કર લડત આપવી પડશે. દેશ બંધ રાખવાથી પણ મગજનમારી ચાલુ રહે તેનો અર્થ ખરો ? ઉપવાસ રાજકીય વજન વધારવાને બદલે પ્રશ્ન ઉકેલવા થવા જોઇએ... લોકોમાં જાગૃતિના બાટલા ચઢે તો નેતા-નેતીના વજન ઘટે અને લોકશાહી તંદુરસ્ત બને.   (પ-૬)

(11:44 am IST)