Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પેટ્રોલમાં વાઇબ્રન્ટ ભડકે - ભડકા

પ૬ ની છાતીની વાતો કયાં ગઇ ?: વિપક્ષ મુખ્ય ટ્રેક પર આવ્યો, પણ ભારત બંધ યોગ્ય ગણાય ?

આઘાતજનક સમાચાર છે, દેશના સૌથી મોટા શસ્ત્ર  ડેપોમાંથી એક-૪૭ ચોરાતી હતી. આવા ત્રણ ચોરને ઝડપી લીધા છે. સંરક્ષણ એ સૌથી વધારે સુરક્ષિત તંત્ર ગણાય, ત્યાં પણ આવું થતું હોય એ બાબત સરકારની નાકામી ગણાય. આપણા શસ્ત્રો આપણા દુશ્મન પાસે પહોંચે અને એ ઘાતક હથિયારો આપણી સામે વપરાય...

મોદી સરકારના ગ્રહ બરાબર ચાલતા હોય તેમ લાગતું નથી. સરકાર ખુદ વિપક્ષને મુદ્ રૂપે શસ્ત્રો પુરા પાડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં અસહ્ય વધારો સતત ઝીંકાઇ રહ્યો છે. ઇંધણનો ભાવ વધારો દેશના અર્થતંત્રને મોંઘુદાટ બનાવે છે. પેટ્રોલ-ડીઝલના ભડકાથી અન્ય વસ્તુઓના ભાવ વધે છે. ભાવ વધારાની બ્રેક વગરની ગાડી બેફામ દોડી રહી છે. આ સામે સરકાર નિવેદન પણ આપતી નથી.

નાત-જાતના વિચિત્ર ચક્કરમાં ફસાયેલો વિપક્ષ મુખ્ય ટ્રેક પર આવી રહ્યો હોય તેમ લાગે છે. કોંગ્રેસ-ડાબેરીઓએ આગામી તા. ૧૦ ના ભારત બંધનું એલાન આપ્યું છે. અત્યાર સુધી વિપક્ષ સાવ ફાલતુ મુદઓ લઇને નિવેદનો કરતો હતો. લોકપ્રશ્ને પ્રથમ વખત રાષ્ટ્રીયસ્તરે મેદાનમાં આવ્યો છે. આ સારી બાબત ગણી શકાય.

લોકપ્રશ્નો અંગે નિર્ણાયક લડત આપવામાં આવે તો વિપક્ષની લોકપ્રિયતા વધે અને લોક વિશ્વાસ પણ સંપાદિત થઇ શકે. વિપક્ષો ભારત બંધનું એલાન આપ્યું છે, આવા આયોજનથી સરકાર ભીંસમાં આવી શકે છે, પરંતુ ભારતબંધ જેવા એલાનોથી નિર્દોષ અને સામાન્ય લોકો વધારે હેરાન થાય છે. સરકારને ભીડવવા માટે વિપક્ષે લડતના અન્ય નિર્ણાયક આયોજનો કરવા જરૂરી છે.

માત્ર વિરોધ કરવા ખાતર વિરોધ કરવાને બદલે સરકારે જાગૃત થવું પડે તેવા વ્યુહ સાથે વિપક્ષે મેદાનમાં આવવું જોઇએ. સરકાર દલીલ કરે છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાના કારણે ભારતમાં ભાવ વધી રહ્યા છે. આ બાબત સમજી શકાય તેવી છે, મુખ્ય સવાલ એ છે કે, પેટ્રોલ-ડીઝલમાં ગંજાવર વેરાનું ભારણ શા માટે ? પાકિસ્તાનમાં ભારત કરતા ર૧ રૂપિયા સસ્તુ પેટ્રોલ પ્રાપ્ત થાય છે, આવી નીતિ આપણે શા માટે  અપનાવી ન શકીએ ?

લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપીઓ ભાવ વધારા મામલે ગોકીરા કરી રહ્યા હતાં. ખુદ મોદીજી પેટ્રોલ-ડીઝલ મામલે મનમોહન સરકારને બેફામ ઝાટકતા હતાં. યુપીએ સરકારના પરાજયનું મુખ્ય કારણ ભાવ વધારો હતું. મોદી સરકારે વધારે પડતા આત્મ વિશ્વાસમાં રહ્યા વગર બજાર પર કાબૂ કરવા અને લોક તરફી નીતિ ઘડવા પુરી તાકાતથી સક્રિય બનવું જોઇએ. પેટ્રોલ-ડીઝલ સહિત જીવન જરૂરી વસ્તુઓના ભાવનો ભડકો સામાન્ય ભારતીયોને દઝાડી રહ્યો છે. સામાન્ય માણસના મત વગર સરકાર રચી શકાતી નથી. વાઇબ્રન્ટના આભાસી વિકાસના નશામાંથી બહાર આવીને પ્રતિષ્ઠાનો વિનાશ થતો અટકાવવો જરૂરી છે.

 

(9:52 am IST)