Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કોંગ્રેસ : સંજય-દૃષ્ટિ જીવંત કરો...

દિગ્વીજય- ખુરશીદ- સૈફુદ્દીન જેવા નેતા રાહુલ ગાંધીના હિન્દુત્વની હવા કાઢી રહ્યા છે : નક્કર વિચાર-આક્રમકતા અનિવાર્ય

મોદી સામે મહા ગઠબંધનમાં કેમિકલ લોચા દેખાઇ રહ્યા છે. ભાજપ વિરોધી મહાજોડાણમાંથી મુખ્ય વિપક્ષ કોંગ્રેસની જ બાદબાદી થઇ રહી હોય તેમ લાગે છે. રાહુલ ગાંધીના પરોક્ષ અને પ્રત્યક્ષ નેતૃત્વમાં કોંગ્રેસ નબડી પડી રહી છે. જોકે, રાહુલે પક્ષના અધ્યક્ષ બન્યા બાદ વૈચારિકથી રણનીતિ વિષયક પરિવર્તનો કરવાનો પ્રયાસ કર્યો છે. થોડી સફળતા પણ મળી રહ્યાનું દેખાય છે, પરંતુ કોંગ્રેસમાંથી જ નીતિ વિષયક વિરોધાભાસી નિવેદનો ઉઠી રહ્યા છે. રાહુલે બિનસાંપ્રદાયિકતાનું દાયકા પુરાણુ પીપૂણું વગાડવાનું બંધ કર્યું છે. પોતાને શિવભકત ગણાવીને હિન્દુ મતદારોને રીઝવવા નીતિ બનાવી છે. ભાજપની વોટબેંક તોડવાની આ શ્રેષ્ઠ નીતિ છે, પરંતુ કોંગીજનો જ રાહુલના હિન્દુવાદી રાષ્ટ્રવાદની હવા કાઢી રહ્યા છે.

તાજેતરમાં દિગ્વીજયસિંહે હિન્દુ આતંકવાદ શબ્દને છેડીને કોંગ્રેસની દુખતી નસ દબાવી દીધી છે. ત્યારબાદ કોંગ્રેસના જ નેતા સલમાન ખુરશીદે કહ્યું કે, 'કાશ્મીરમાં ભારતીય સૈન્ય આતંકવાદીઓને બદલે સામાન્ય નાગરિકને વધારે મારે છે.' જવાનો સામે બેધડક સવાલો ઉઠાવ્યા. એ વિવાદ હજુ ચાલતો હતો ત્યાં કોંગ્રેસના દિગ્વજ નેતા સૈફુદ્દીન સોજે રીતસરની પાકિસ્તાની ભાષા વાપરીને કહ્યું  'કાશ્મીરના લોકો ભારત કે પાકિસ્તાન સાથે જવા નથી ઇચ્છી રહ્યા, કાશ્મીરીઓને આઝાદી જોઇએ છે...'

આ બધા નિવેદનો રાહુલ ગાંધીના હિન્દુવાદી રાષ્ટ્રવાદની હવા કાઢવા સક્ષમ છે. આવું ભાજપને ફાવે છે. 'મોતના સોદાગર' આ બે શબ્દો સોનિયાજી બોલ્યા હતાં અને ગુજરાતની ચૂંટણીની હવા બદલી ગઇ હતી. ગત ચૂંટણીમાં મણિશંકર ઐયરનું નિવેદન કોંગ્રેસને ભારે પડયું હતું. લોકસભાની ચૂંટણી માથે ગાજે છે ત્યારે ત્રણ-ત્રણ દિગ્ગજ નેતાઓએ રાહુલના વૈચારિક પરિવર્તનની હવા કાઢતા નિવેદનો ફટકારી દીધા છે. ભાજપીઓ માટે આ સ્થિતિ તણાતાને તરણુ મળ્યા જેવી છે. લાગે છે કે, કોંગ્રેસમાં પક્ષની પથારી ફેરવવાની 'સોપારી' ખાનારાઓનો પાર નથી...

લોકશાહીમાં શાસક જેટલો જ મજબૂત વિપક્ષ હોવો જોઇએ, પણ કોંગ્રેસના ગ્રહ ગોટે ચઢયા છે. ભવ્ય ભૂતકાળમાંથી આ પક્ષ પ્રેરણા લેતો નથી. આજનો દિવસ કોંગ્રેસ માટે પ્રેરણાના ધોધ જેવો છે. ર૩ જૂન ૧૯૮૦ના દિવસે એક શંકાસ્પદ વાહન અકસ્માતમાં સંજય ગાંધીનું અવસાન થયું હતું. સંજયજીની આજે પુણ્યતિથિ છે. અસમંજસની સ્થિતિમાં અટવાયેલા રાહુલ ગાંધીએ 'કાકા'માંથી પ્રેરણા લેવા જેવી છે. ઇન્દિરાજીના પુત્ર સંજય ગાંધીના વિચારો અને નિર્ણયો થોડા વિવાદાસ્પદ હતા, પરંતુ તેમનું આત્મબળ-તેમની દૃષ્ટિ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘડેલી રણનીતિ કાબીલેદાદ હતી. સંજયની આક્રમકતા અને જુસ્સો ભલભલાને ધ્રુજાવે તેવો હતો.

એ બાબત અલગ છે કે, સંજય ગાંધીના પરાક્રમો તત્કાલીન કોંગીજનોને પચતા ન હતા, પરંતુ કોંગ્રેસ સંજય માર્ગે ચાલી હોત તો આજે રાહુલ ગાંધીએ પોતાને હિન્દુવાદી દેખાડવા નાટક કરવા ન પડત.

હજુ મોડું નથી થયું. કોંગ્રેસે વૈચારિક પરિવર્તનનો દંભ કરવાને બદલે સંજયદૃષ્ટિ અપનાવીને વાસ્તવિક પરિવતર્ન કરવું અનિવાર્ય છે.

(9:24 am IST)