Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ભાંગતોડ તોડફોડ ખુરશી કબ્જે !

તાલુકા-જિલ્લા પંચાયતોમાં ભાજપ-કોંગ્રેસની ગુજરી બજાર... ત્રેવડ હોય તો લોકપ્રશ્નો ઉકેલીને સત્તા મેળવો

આવતીકાલે શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિ છે. તેઓનું નિધન ર૩ જુન ૧૯પ૩ના દિને થયું હતું. આ હસ્તીએ કોઇ લોભ-લાલચ વગર રાષ્ટ્રની સેવા કરી હતી અને અમર થઇ ગયા હતાં. પોતાની જાતનું બલીદાન આપીને કાશ્મીરને બચાવવાનો જંગ આદર્યો હતો. માત્ર પ૪ વર્ષના આયુષ્યમાં ત્યાગ-બલીદાનની અમૂલ્ય છાપ તેઓ મૂકી ગયા હતા. આવી રાષ્ટ્રીય હસ્તીને વંદન કરીને આગળ વધીએ.

 

વર્તમાન સત્તાધીશ ભાજપના પિતૃપદે શ્યામાપ્રસાદજી છે. સમજદારીભર્યા હિન્દુત્વ માટે શ્યામાપ્રસાદજીએ ઐતિહાસિક જંગ ખેલ્યો હતો. આજનો ભાજપ હિન્દુત્વની વાતો કરે છે અને સત્તા સુધી પહોંચી ગયો છે. સત્તા ધંધા જેવી બની ગઇ છે. ખુરશી કબ્જે કરી શકાય તેટલી બેઠક ન મળે તો અન્ય પક્ષોના સભ્યોને તોડીને ખુરશી કબ્જે કરવાની વહરી કલામાં ભાજપ નિપૂણ બની ગયો છે.

ગુજરાતમાં બે દિવસ પૂર્વે રાજનીતિની ગુજરી બજાર જેવા દૃશ્યો જામ્યા હતા. ચારેબાજુ તાલુકા-જિલ્લા પંચાયતોમાં રાજકીય ધમાલના દૃશ્યો સર્જાયા હતા. કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી અને ભાજપ પાસેથી કોંગ્રેસે સત્તા આંચકી જેવા સમાચારો છાપા-ટીવીમાં છવાયા હતા. દરેક વ્યકિત જાણે છે કે, આ બધી આવન-જાવન નિઃસ્વાર્થ અને સસ્તી નથી હોતી. આવી બાબતો લોકશાહીના અપમાન સમાન ગણાય, મતદારની લાગણીનો દ્રોહ ગણાય.

સત્તા પ્રાપ્તિ રાજનીતિનો ધ્યેય હોય એ બાબતમાં કંઇ જ વાંધાજનક નથી, પરંતુ મતદારના ચૂકાદા વિરૂદ્ધ સભ્યો વેચાય અને ખરીદાય એ ખતરનાક બાબત છે. રાજકારણીઓ ખુલ્લેઆમ લોકદ્રોહ કરી રહ્યા છે.

પક્ષો લોકપ્રશ્નો ઉકેલીને લોકોનો પ્રેમ જીતીને શા માટે સત્તા હાંસલ કરતા નથી ? પ્રવચનોમાં નિષ્ઠાની-પ્રામાણિકતાની વાતો કરવી અને પડદા પાછળ ગુજરીબજાર ચલાવવી એ યોગ્ય ઙ્ગગામડાં-નાના શહેરો કંગાળ બની ગયા છે. લોકપ્રશ્નો ખદબદી રહ્યા છે. ગુજરાતમાં સત્તાધીશ ભાજપ છે, વર્ષોથી ફાલતુ પ્રશ્નો પણ ઉકેલી શકયો નથી. બીજી બાજુ કોંગ્રેસને પણ લોકપ્રશ્ને રસ નથી. નિર્ણાયક વિરોધ છેલ્લા અઢી દાયકામાં થયો નથી. મત મેળવવા નાત-જાતના ભેદ ઉભા કરે છે, વિવાદો જગાવે છે-નિવેદનો ફટકાર્યે રાખે છે, પરંતુ કરવા જેવા કામ કરાતા નથી. ગુજરાતમાં શાસકો નબળા છે, વિપક્ષ તેનાથી પણ નબળો છે. બંને વચ્ચે નબળાઇનો જંગ ચાલે છે, જેમાં લોકો પીસાઇ રહ્યા છે.

કહેવાતા લોક પ્રતિનિધિઓ ખુલ્લેઆમ વેચાઇ-ખરીદાઇ રહ્યા છે. લોકજાગૃતિના અભાવના કારણે આવા દૃશ્યો વારંવાર જોવા મળે છે, જે લોકશાહીનું કલંક છે.

(10:14 am IST)