Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ક્રાઇમ ન્યૂઝ : ચેન સે સોના હૈ તો જાગ જાઓ !

ગુન્હા જેટલા જ ખતરનાક ગુન્હાખોરીના ન્યૂઝ : રશિયામાં થયેલા પ્રયોગ ચિંતનીય ગણાય

લોક જાગૃતિ સર્જાય તો ભલભલાને ભાગવું ભારે પડી જાય. આવતીકાલના દિવસનો ઇતિહાસ જાણવા જેવો છે. ર૦ જુન ૧૭૯૧ના દિવસે ફ્રાન્સમાં લોકક્રાંતિ થઇ હતી અને ત્યાંના રાજવીએ ગુપ્તવેશે ભાગવું પડયું હતું. ઇતિહાસમાં આવી અનેક લોકક્રાંતિની ઘટનાઓ ધબકે છે. રાજાશાહીમાં રાજા સર્વસ્વ હોય, છતાં લોક્રાંતિના કારણે રાજાએ ભાગવું  પડયું હતું. લોકશાહીમાં લોકો ર્સ્વસ્વ હોય છે, પરંતુ ભારતની લોકશાહીમાં લોકોની કોઇ વેલ્યુ નથી અને  રાકારણીઓ, અધિકારીઓ, ઉદ્યોગકારો, ફિલ્મ સ્ટારો, ક્રિકેટરો, મીડિયા જૂથો રાજા જેવા બનીને જલ્સા કરે છે. આ બધાં લોકશાહીના 'રાજાઓ'ના તાગડધિન્ના લોકો પર જ નિર્ભર છે. રાજકારણી લોકોના મતથી જીવે છે, અધિકારીઓને લોકોના વેરામાંથી પગાર મળે છે. ઉદ્યોગકારની વસ્તુ લોકો ખરીદે તો જ એ ધમધમી શકે છે. ફિલ્મસ્ટારો-ક્રિકેટરો ફેનના ટોળાથી મહાન બને છે. ઘણાં સ્વામીઓ અને સંતો પણ રાજાની જેમ જીવે છે, તે બધાં ભકતોના ટોળાના આધારે જીવે છે. બધાંનો આધાર લોકો છે, પરંતુ ભારતની લોકશાહીમાં લોકોનો કોઇ આધાર નથી. લોકોના આધારે રહેલા મહાનુભાવો લોકો પર જ રોફ જમાવે છે... કારણ કે, ભારતમાં લોકજાગૃતિનો અભાવ છે.

લોકો જાગે તો લોકશાહીના રાજાઓને ભાગવું પણ ભારે પડે. ભારતીયોની માનસિકતા જુદા-જુદા ટોળામાં કો'કના દોરવાયા દોરવાઇ જવાની રહી છે. ભારતની લોકશાહીનું જમા પાસુ છે કે, મીડિયા સંપૂર્ણ સ્વતંત્ર છે. ઘણી વખત એવું લાગે કે, આ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પલટાઇ ગઇ છે. સતત નેગેટીવ ન્યૂઝ, વિવાદો સર્જીને ટોળાને ઉશ્કેરવા જેવી વૃત્તિ મીડિયા જૂથોની બની ગઇ હોય તેવો ભાસ થાય છે.

ગઇકાલે રશિયાન સરકારે અભૂતપૂર્વ નિર્ણય કર્યો. ફિફા વર્લ્ડકપ દરમિયાન મીડિયા પર ક્રાઇમ અને નેગેટીવ ન્યૂઝ પર પ્રતિબંધ ઝીંકી દીધો. આ પ્રયોગનો એક ઝાટકે વિરોધ કે એક ઝાટકે તરફેણ કરવાને બદલે ભારતના સંદર્ભમાં તેનું ચિંતન થવું જોઇએ. નેગેટીવ ન્યૂઝની વ્યાખ્યા કરવી સરળ નથી, પરંતુ ભારતની ન્યૂઝ ચેનલોમાં જે રીતે ક્રાઇમ રિપોટિંગ થાય એ અંગે કંઇક નીતિ ઘડવી આવશ્યક છે. ચિંતનમાં ઉંડા ઉતરો તો ક્રાઇમના ન્યૂઝ ગુન્હાખોરી સામે જાગૃત કરવાને બદલે ગુન્હાખોરી માટે પ્રેરણા આપતા હોય તેમ અનુભવાશે. ટીઆરપી માટે ચેનલો જાણ્યે કે અજાણ્યે ભાન ભૂલી જતી હશે.

આગળ કહ્યું તેમ દેશમાં લોકજાગૃતિનો અભાવ અને ટોળાશાહી જેવો માહોલ છે, આ માહોલમાં નેગેટીવ ન્યૂઝની તીવ્ર અસર ટોળા પર થાય છે. દેશમાં રોજેરોજ વિવિધ પ્રકારના ટોળા નીકળી પડે છે અને ધમાલ આદરે છે. મનોવિજ્ઞાન પ્રમાણે ટોળાને બુદ્ધિ હોતી નથી, જેનો લાભ લોકશાહીના 'રાજાઓ' લે છે. ન્યૂઝસ્તરે નીતિ વિષયક બાબતે ભારતે ગંભીર બનવું પડશે. લોકોએ પણ બૌદ્ધિકક્રાંતિ સર્જીને રાજાઓને લોકશાહીની તાકાતનો પરચો દેખાડવો જોઇએ. ચેન સે સોના હૈ તો જાગ જાઓ...

(9:44 am IST)