Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

મેયરો બદલે છે, સ્થિતિ એની એ !

રાજકોટ, જામનગર, ભાવનગરને નવી નેતાગીરીને અભિનંદન : શહેરોને ગામડા બનતા અટકાવો તેવી શુભેચ્છા !

૧૭ જુન ૧૯૯૧ના દિવસે રાજીવ ગાંધી અને 'સરદાર' પટેલને ભારતરત્ન સન્માન પ્રાપ્ત થયું હતું. રાજીવજીને મૃત્યુના ર૭માં દિવસે અને સરદારને અવસાનના ૪૦ વર્ષ બાદ આ સન્માન અર્પણ થયું હતું. કોંગ્રેસે રાજીવ અને સરદારને સમકક્ષ ગણ્યા હતા... આ દૃષ્ટિકોણ વિચિત્ર ગણાય. હાર્દિક પટેલ અને તેના ટોળાને આવા મુદ્દા ગમતા નથી એ પણ વિચિત્ર હકીકત છે...

ર૦૧૯ની લોકસભાની ચૂંટણી સુધી આવી અનેક વિચિત્રતાઓ જોવા-માણવા મળશે. મોદી-શાહની જોડીએ રાષ્ટ્રીયસ્તરે રાજકીય ધમાલ કરી છે. આ જોડી સામે દેશભરના વિપક્ષો એક થવા મથી રહ્યા છે. આ બાબત દર્શાવે છે કે, ગુજરાતથી જાગેલી નેતાગીરીએ દેશના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. ગુજરાતી નેતાની આ જોડી સામે સમસ્યા એ છે કે ગુજરાતમાં ભાજપ ડુકી રહ્યો છે.

લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતની મોટાભાગની મહાપાલિકા બદલાવ સ્માર્ટપણાને બદલે જ્ઞાતિપણાને ધ્યાનમાં રાખીને થતા હોય છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ-ભાવનગર-જામનગરને નવા મેયર મળ્યા. નવી નેતાગીરીને અભિનંદન. શહેરો મોટા ગામડા ન બને તેવું કરવામાં સફળ બનો તેવી શુભેચ્છા !

દરેક શહેરની આગવી વિશેષતા હોય છે તેમ આગવી સમસ્યાઓના કાયમી નીકાલ માટે આગવા આયોજનો થતા નથી એ સૌથી મોટી સમસ્યા છે. આપણે અહીં સૌરાષ્ટ્રના શહેરોની કોમન સમસ્યાઓ અંગે વિચારણા કરીએ. સ્માર્ટ સિટીના ગોકીરા થાય છે, પરંતુ સૌરાષ્ટ્રના શહેરો મોટા ગામડા બની રહ્યા છે. નેતાઓ મોટી-મોટી વાતો કરે છે, પરંતુ નાની-નાની સમસ્યાઓ ઉકેલતા નથી. રખડતા ઢોરની ઢીકથી નિર્દોષ નાગરિકો ગુજરી જાય એ શાસક માટે ઢાંકણીમાં પાણી લઇને ુબી મરવા જેવી ઘટના ગણાય. પીવાના પાણી માટે લોકો ફાંફા મારે અને પ્રતિબંધિત દારૂના ધોધ વહે એ ઘટના શાસકની શરમ ગણાય. માર્ગો પર ટ્રાફીક જામ થાય, ભેળસેળિયો ખોરાક ખુલ્લેઆમ વેચાય, બેફામ હપ્તાખોરી ચાલે, દબાણોથી માર્ગો ઘેરાઇ જાય... આ બધી કોમન સમસ્યાઓ છે.

રાજકોટના નિવૃત્ત થતા મેયર બોલ્યા- ''મને વિકાસકાર્યોથી સંતોષ છે !'' ઉપરની એક પણ સમસ્યામાં ડોકટર કંઇ ઉકાળી શકયા નથી, છતાં એમને સંતોષ છે ! જોકે, દરેક રાજકારણી આવું જ કરતા હોય છે. નેતાગીરી બદલી જાય, પણ સ્થિતિ ન બદલે તો નવા નેતાઓની કોઇ વેલ્યુ રહેતી નથી. સૌરાષ્ટ્રના નવા મેયરોએ આ પરંપરા તોડવી જોઇએ. પોતાની આગવી આભા વિકસાવવાનો આ મોકો છે. નાના-નાના પ્રશ્નોનો કાયમ ઉકેલ લાવીને લોકોના દિલ જીતવા જોઇએ.

ખુદની આભા વિકસી જાય તો નાત-જાતના કુંડાળામાંથી વ્યકિતત્વ બહાર આવી શકે છે. નરેન્દ્રભાઇ મોદીએ આ બાબત સિદ્ધ કરી દેખાડી છે. સૌરાષ્ટ્રના શહેરોની નવી નેતાગીરીથી કરવા જેવું કંઇ ન થાય તો પણ વાંધો નહિ, ન કરવા જેવું કંઇ ન કરે તો પણ શહેરીજનો નસીબદાર ગણાય.

 

(10:16 am IST)