Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ફિટનેસ ચેલેન્‍જ : નમાલી વૃત્તિ

દેશનો ખોરાક ઝેરી-ભેળસેળિયો અને ફિટનેસના ગોકીરા : હોજરીમાં ઠલવાતું ઝેર બંધ કરાવો, દેશ તગડો થઇ જશે

ગમે તેવો કચરો હોજરીમાં પધરાવી દેવો એ ભારતીયોની વિશેષતા છે. આ વિશેષતાના કારણે ભયાનક રોગો આસાનીથી વિસ્‍તરી રહ્યા છે. આવતીકાલનો દિવસ પીણાની દુનિયા માટે વિશેષ છે. ૧૬ જુન ૧૯૦૩ના દિવસે અમેરિકામાં પેપ્‍સીકોલા શરૂ થયું હતું. ભારતીય પરંપરાગત પીણા સ્‍વાદૃિષ્‍ટ-પૌષ્‍ટિક અને તન-મનને ટનાટન રાખનારા હતા, પરંતુ ઝગમગતી વિજ્ઞાપનોના જોરે વિદેશી તકલાદી અને આરોગ્‍યને નુકસાન કરતા પીણા દેશમાં છવાઇ ગયા છે. પીનારના આરોગ્‍યની પથારી ફરી રહી છે છતાં દેશમાં બેરોકટોક વેચાઇ રહ્યા છે અને પીવાઇ રહ્યા છે. કમાલ એ છે કે, વિદેશી ઝેરી પીણા સંસદની કેન્‍ટીનમાં પ્રતિબંધિત છે. સાંસદો ખુદના આરોગ્‍ય માટે સક્રિય છે, દેશનું જે થવું હોય એ થાય...

આવી ભયાવહ સ્‍થિતિમાં ભારતમાં ફિટનેસ ચેલેન્‍જની ફેશન શરૂ થઇ છે. વડાપ્રધાને પથ્‍થર પર યોગાભ્‍યાસ કર્યાની તસવીરો જાહેર કરાઇ છે. ફિટનેસ ચેલેન્‍જનો ટ્રેન્‍ડ વખોડવા લાયક નથી. આરોગ્‍ય ટનાટન રાખવાની દિશામાં ભારતીયો જાગૃત બને એ જરૂરી છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સ્‍ફૂર્તિ, થાકયા વગર સતત સક્રિય રહેવાની ક્ષમતા અને તેની આભા ગૌરવ લઇ શકાય તેવી છે, પણ દેશનું આરોગ્‍ય ટનાટન રહે તે માટે સરકારે જે યુદ્ધના ધોરણે કરવું જરૂરી છે એ કાચબા ગતિએ પણ થતું નથી એ હકીકત છે.

ભારતીયોમાં ફિટનેસ અંગે વ્‍યાપક જાગૃતિ નથી. જે લોકો જાગૃત છે તેમના માટે પણ ફિટનેસ જાળવી રાખવી અઘરૂં કામ છે. જીવનની અતિ પ્રાથમિક જરૂરિયાત હવા-પાણી અને ખોરાક છે. ભારતમાં આ ત્રણેય ઝેરી થઇ ગયા છે. ખાસ કરીને ખાદ્ય સામગ્રીમાં ખૂલ્લેઆમ ભયાનક ભેળસેળ થઇ રહી છે. ફિટનેસ માટે જાગૃત રહેલા લોકોને શુદ્ધ ખાદ્ય સામગ્રી શોધવી અઘરી પડે તેવો માહોલ છે.

ખાદ્ય સામગ્રીમાં કોઇ વસ્‍તુ કે પ્રવાહી બાકી નહિ રહ્યા હોય, જેમાં ઝેરી રંગ-રસાયણો ભળ્‍યા ન હોય, આ કોઇ સીક્રેટ બાબત નથી. જગજાહેર છે, જેના ભયાનક પરિણામો આવ્‍યા છે, જીવ હરી લે તેવા રોગોને વ્‍યાપ ખતરનાક હદે વધી રહ્યો છે. જાહેર આરોગ્‍ય સામે ગંભીર ખતરો મંડાઇ ગયો છે. આ મહાપાપ છે, મોટો ગુન્‍હો છે. ત્રાસવાદીઓ કરતા ભેળસેળિયા તત્‍વો ભારતીયોને વધારે મારી રહ્યા છે. ગામેગામ આવા તત્‍વો બેરોકટોક ખાદ્યા સામગ્રીને ઝેરી બનાવી રહ્યા છે.

...પણ આ સામે સરકાર ગાઢ ઉંઘમાં હોય તેમ લાગે છે. વિપક્ષને કે મીડિયાને પણ આ મુદ્દે રસ નથી. ગજબ એ છે કે, લોકો ખુદના આરોગ્‍ય સામે જાગૃત નથી...

મોદીજી ફિટનેસ ચેલેન્‍જ આપે છે, ઇફતાર પાર્ટીમાં રાહુલ ગાંધી મોદીની ચેલેન્‍જની મજાક ઉડાવે છે. ભેળસેળિયો ખોરાક વિપક્ષ માટે સૌથી મોટો મુદ્દો છે. સરકાર સામે સૌથી મોટી ચેલેન્‍જ છે. મીડિયા જૂથો માટે TRP નો મસ્‍ત મુદ્દો છે. પણ કોઇને રસ પડતો નથી. નમાલી વૃત્તિ હોય ત્‍યાં ફિટનેસની ચર્ચા મનોરંજનથી વિશેષ ન ગણાય.

(9:52 am IST)