Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ચકલી ઓછી અને કલબલાટ વધારે !

પર્યાવરણ બચાવવાની ઝુંબેશ પ્રસિદ્ધિના ઉદ્દેશથી ન ચાલવી જોઇએ : પ્રાકૃતિક બલેન્સ અંગે સમજદારી જરૂરી

જગન્નાથ મિશ્રા છટકી ગયા, ચારાકાંડમાં લાલુ બરાબરના ફસાઇ ગયા... મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લટકી રહી છે... મમતાના નેતૃત્વમાં કોંગ્રેસ વગરના વિપક્ષી મોરચાની રચનાની હિલચાલ ચાલી રહી છે... ૪૦ ધારાસભ્યોએ બળવાની ધમકી આપતા નીતિશકુમારની ઉંઘ હરામ થઇ ગઇ છે... આ બધા વિષયો રસપ્રદ છે, પરંતુ આજે ચકીરાની પર ચિંતન કરીએ.

આજે વિશ્વ ચકલી દિવસ છે. આ નાનકડું પક્ષી સમાજમાં ઉપકારક સેવા આપે છે. ચકલી વાતાવરણમાં રહેલા જીવડાને ભોજન બનાવીને માહોલ જંતુમુકત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેટલાક સમયથી ચકલી બચાવવા ઝૂંબેશ ચાલે છે, તેનું પરિણામ પણ મળ્યું છે. શહેરી વિસ્તારોમાં ચકલીઓનું ચીં..ચીં... ગુંજતું થયું છે.

પર્યાવરણ શુદ્ધ રાખવું એ દરેકની ફરજ છે અને અશુદ્ધ કરવાનું કામ લગભગ દરેક માણસ કરી રહ્યા છે. પર્યાવરણ વિષયક અનેક સંસ્થાઓ સક્રિય છે. મોટાભાગનું કાર્ય પ્રસિદ્ધિ માટે થાય છે. સમજદારીનો પણ ઘણી વખત અભાવ જોવા મળે છે. મેનકા ગાંધી પર્યાવરણવિદ્દ ગણાય છે. કંઇ સૂજતું ન હોય, કંઇ કામ ન હોય ત્યારે ઘણાં મહાનુભાવો પર્યાવરણનું ગતકડું પકડીને મહાન બની જતા હોય છે. આવા મહાનોના કારણે પર્યાવરણક્ષેત્રે પાયાના કામ કરનારાને અન્યાય થાય છે.

રહી વાત સમજદારીની તો એક જીવ બચાવવાથી પર્યાવરણ સુધરી જવાનું નથી. પ્રાકૃતિક બેલેન્સ અનિવાર્ય છે. ગીરના જંગલના સિંહ માત્ર ગુજરાત કે ભારતનું જ નહિ, એશિયાનું ગૌરવ છે. ભુતકાળમાં સિંહ બચાવવા ઝુંબેશ ચાલી હતી. સિંહને કાયદાકીય રક્ષણ પણ પ્રાપ્ત થયું. સરકારી આંક પ્રમાણે આ બધાનું પરિણામ સરકારાત્મક રહ્યું . સિંહની વસ્તી વધી...

વિચાર બેલેન્સનો કરો. ગુજરાત ભલે ગાંધીજીનું રહ્યું, પરંતુ સિંહ કયારેય શાકાહારી બનીને જીવી ન શકે... એમને શિકાર કરવો ફરજિયાત હોય છે. સિંહની વસ્તી વધી તેટલા પ્રમાણમાં અન્ય પ્રાણીઓની વસ્તી નથી વધી. જંગલનો એરિયા વધવાને બદલે ઘટ્યો. સિંહ પરિવારો ગામો-શહેરોમાં ઘુસીને શિકાર કરી રહ્યાના સમાચારો વારંવાર મીડિયામાં ગાજે છે...

પ્રાકૃતિક અનબેલેન્સ સમસ્યા વધારે છે આનો અર્થ એવો નથી કે ચકલા-સિંહ બચાવવા નહિ, પરંતુ પર્યાવરણના મુદ્દે લાંબાગાળાના આયોજન સાથે સમજદારીપૂર્વક થવા જરૂરી છે. ધૂળેટી જેવા તહેવારમાં પાણી બચાવોની ઝૂંબેશ ચાલે છે, કોઇ નેતુ હેલિકોપ્ટરમાં આવવાનું હોય ત્યારે હેલિપેડ માટે લાખો લીટર પાણી બરબાદ કરવામાં આવે છે. આ સમયે પર્યાવરણવાદી મૌન રહે છે. દિવાળી સમયે પ્રદૂષણ અટકાવવા ફટાકડા ન ફોડવાની ઝૂંબેશ ચાલે અને કાયમી ધૂમાડા ઓકતા ગેરકાયદે ઉદ્યોગો સામે મૌન રહેવામાં આવે છે... આવા અસંખ્ય દૃષ્ટાંતો છે જયાં પર્યાવરણવાદ નાટક સાબિત થાય છે.

ચકલી બચાવવા બદલ અભિનંદન, પણ બચેલી ચકલી માટે થોડા જીવડા, થોડુ ચણ પણ બચાવજો... જે જીવો ચકલીનો શિકાર કરે છે તેને પણ બચાવજો. પર્યાવરણક્ષેત્રે કામ વધારે અને કલબલાટ ઓછો કરજો.

(9:47 am IST)