Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

દલેર... અબ હોગી બલ્લે..બલ્લે...!

ગાયકને બે વર્ષની સજા : હવામાં ઉડનારા કલાકારો-ક્રિકેટરોથી પ્રભાવિત થવા જેવું નથી : ફેન્સની દશા પંખા જેવી !

લોકસભામાં અશ્વિાસ પ્રસ્તાવ અંગે ગરમાવો જામ્યો હતો.  વિશ્વાસ-અતિવિશ્વાસ અને વિશ્વાસઘાત ત્રણે ઘાતક ગણાય. રાજનીતિને આ ત્રણે ઘાતકો સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ભારત ટોળાઓનો દેશ છે. રાજકારણી ગમે તેટલો વિશ્વાસઘાત કરે તો પણ તેની આગળ-પાછળ ટોળા ઘુમતા રહે છે.

નેતા-ફિલ્મી કલાકારો-ક્રિકેટરો પાછળ કહેવાતા ફેન્સ પૂછડાં બનીને ફરે છે. બની બેઠેલી લોકપ્રિય હસ્તીની અસલીયત બહાર આવે ત્યારે ફેન્સની દશા પંખા જેવી બની જાય છે. બોલીવૂડના ગાયક દલેર મહેંદી માનવ તસ્કરીના ગંભીર ગુન્હામાં દોષિત સાબિત થયા અને પટીયાલા કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી છે. દલેર સામે લોકોને ગેરકાયદે વિદેશ મોકલવાનો આરોપ હતો, આવા ૩૧ મામલા તેમની સામે નોંધાયા હતાં.

અફસોસ એ છે કે, આ કેસનો ચુકાદો દોઢ દાયકા બાદ આવ્યો છે. ૧પ વર્ષ સુધી આ ગુન્હેગાર લોકોની વચ્ચે રહ્યો અને લાખો રૂપિયા-ભરપૂર પ્રસિદ્ધિ લૂટતો હતો... 'અબ હોઇ ગઇ બલ્લે-બલ્લે...' જેવા ગીતો તેમના ચાલ્યા હતા, પરંતુ કોર્ટના ચક્કરમાં 'અબ હોગી અસલી બલ્લે, બલ્લે...'

સામાન્ય સ્તરના કલાકારોને ફેન્સ અને મીડિયા મહાન બનાવી દેતા હોય છે. દલેર આવું જ પાત્ર છે. ઘોંઘાટ કરી મૂકવા સિવાય તેમની પાસે કોઇ વિશેષ સંગીત સાધના ન હતી, પરંતુ મીડિયા અને ફેન્સના ટોળા પાછળ-પાછળ ફરતા હોવાથી દલેરભાઇની મહેંદીનો રંગ ખીલી ગયો હતો.

લાયકાત વગર મોટી બની ગયેલી હસ્તીની અસલીયત બહાર આવે ત્યારે તેનું બેડોળ વ્યકિતત્વનો ખ્યાલ અંધ ફેન્સને આવતો હોય છે. તાજેતરમાં ક્રિકેટર મોહમ્મદ સામીનું પણ પ્રકરણ ચગેલું છે. આઠ-દશ મેચ રમીને પોતાને મહાન માનવા લાગતા ક્રિકેટરો હવામાં ઉડવા લાગે છે. સામી હવામાં ઉડતો હતો, મોડેલ સાથે લગ્ન કર્યા. બંનેએ ખૂબ પ્રસિદ્ધિ લીધી. ફેન્સના ટોળા પાછળ-પાછળ રખડવા લાગ્યા. સામી અને તેની પત્નીને મીડિયા આદર્શ યુગલ ગણાવવા લાગ્યું... પણ પત્નીએ જ સામીની અસલીયત બહાર લાવીને તેના પર કેસ ઝીંકી દીધો.

આરોપો ગંભીર છે, પરંતુ કમાલ એ છે કે, હજુ કોઇ પગલા લેવાયા નથી. મોહમ્મદ સામી મીડિયામાં ઇન્ટરવ્યૂ આપીને પત્ની પર આરોપો લગાવે છે, પત્ની પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપો લગાવે છે પોલીસ કેસ છે. નિર્ણય કોર્ટે લેવાનો હોય, છતાં મીડિયા સામીને નિર્દોષ જાહેર કરવા લાગ્યા !

ફેન્સના ટોળાઓએ સેટિંગની દુનિયા ઓળખવી જરૂરી છે. દલેર મહેંદી કે સામી અપવાદ નથી. ઘણા કલાકારો-ક્રિકેટરો ભુતકાળમાં 'નાલાયક' જાહેર થઇ ચૂકયા છે, છતાં ભારતની ટોળાશાહીની આંખ ઘડતી નથી. ટોળા પાસે બુદ્ધિ ન હોય, એ કહેવત સાચી પડી રહી છે.

(10:58 am IST)