Gujarati News

Gujarati News

News of Friday, 16th March 2018

ધારાસભામાં તલવાર લઇને જવાની છૂટ આપો !

માઇક હથિયાર નથી, તેનાથી શિકાર ન થાય : રાવણ-કંસની લડાઇ સમાજને ફાયદો જ થાય : શાસક-વિપક્ષ જવાબદારી પ્રત્યે સભાન બને

વિપક્ષે ચક્રાસન કરીને યોગી આદિત્યનાથજીના પ્રભાવની પથારી ફેરવી દીધી. યુપી-બિહારની પેટાચૂંટણીમાં ભાજપને આંખે અંધારા આવી ગયા. ગુજરાતમાં ભાજપના નબળા દેખાવ બાદ રાજસ્થાન-મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખ્યા બાદ યુપી-બિહારમાં પરાજય...

 

આ સ્થિતિમાં વિપક્ષ જોરમાં આવે એ સ્વાભાવિક છે. સૌથી વધારે ઝાટકો યુપીમાં લાગ્યો છે. મોદી-યોગીના સંયુકત પ્રભાવ સામે સપા-બસપાની જોડીની જીત સમગ્ર દેશમાં વિપક્ષને એક કરવા પ્રેરે તેવી છે. યુપીની બંને બેઠકોના પરિણામોમાં ભાજપને ઘોર પરાજય મળ્યો છે, પરંતુ એક મુદ્દો ચુકવા જેવો નથી. આ બેઠકો પર કોંગ્રેસની ડિપોઝીટ પણ ગઇ છે.

રાષ્ટ્રના બે મુખ્ય પક્ષો ભાજપ-કોંગ્રેસ માટે નીંદર હરામ કરવા જેવી સ્થિતિ છે. ભાજપ તો સફાળો જાગ્યો છે, પરંતુ કોંગ્રેસને પરાજય ફાવી ગયા હોય તેમ લાગે છે. ધારાસભાથી માંડીને લોકસભામાં ધમાલ કરવા સિવાય તેમની પાસે કોઇ કાર્યક્રમ હોય તેમ લાગતું નથી. આવી નકારાત્મક પ્રવૃત્તિથી લોકો પ્રભાવિત થતા નથી એ સાબિત થઇ ગયું છે છતાં ધમાલવૃત્તિ ચાલુ જ રાખી છે.

બે દિવસ પહેલા ગુજરાત ધારાસભામાં શરમજનક દૃશ્યો સર્જાયા. મારામારી, માઇકના ઘા, ધમાલ દેકારા.... રાજકીય સતત નબળા દેખાવ બાદ પણ ભાજપ-કોંગ્રેસ ગંભીર બન્યા હોય તેમ લાગતું નથી. ધારાસભ્યો લોકોના પ્રતિનિધિ છે. લોકોના પ્રશ્નો ઉકેલવા માટે તેમને વિશેષાધિકાર પ્રાપ્ત થયા છે. ધારાસભાનો એક મિનિટનો ખર્ચ પણ તોતીંગ છે. ત્યાં જઇને ધમાલ-મારામારી કરનારા માફીને પાત્ર હોય જ નહિ.

લોકોએ આ સ્થિતિની ચિંતા કરવાને બદલે ખુશ થવું જોઇએ. આવા દૃશ્યો શાસક-વિપક્ષની કૂવૃત્તિ ખુલ્લી કરે છે. રાવણ અને કંસ વચ્ચે લડાઇ થાય તો સમાજને ફાયદો જ થવાનો છે. ધારાસભ્યોને ગૃહમાં તલવાર લઇને જવાની છૂટ આપવી જોઇએ. આ લોકો માઇકના છૂટા ઘા કરે છે, માઇક બિચારૃં હથિયાર નથી, એ શિકાર કરી ન શકે. દરેક ધમાલિયા પાસે તલવાર હોય તો ધમાલનું કંઇક આનંદદાયક પરિણામ આવી શકે...

તલવારો પણ ધારદાર હોવી જરૂરી છે. આ માટે એક નાગરિક સમિતિ રચીને લોકોના ખર્ચે તલવાર સજાવવાની વ્યવસ્થા કરી આપવી જોઇએ. શરમજનક ધમાલ બાદ નક્કર પરિણામ ન આવે તો સમાજને નુકસાન થાય છે.

ભાજપ-કોંગ્રેસે પદની ગંભીરતા અને ગૃહની ગરીમાનો વિચાર કરવો જોઇએ. ધારાસભાથી માંડીને લોકસભા સુધી માત્રને માત્ર ધમાલના જ દૃશ્યો શોભાસ્પદ નથી જ. બંને પક્ષોની રાજકીય તાકાત ઘટતી જાય છે. કોંગ્રેસ તો સાવ તળિયે ગઇ છે છતાં જાગૃત બનતી નથી. લોકોની સહનશકિતનો વિચાર કરીને દરેક પક્ષે નીતિ ઘડવી જોઇએ.

(10:29 am IST)