Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

બ્રહ્માંડનું રહસ્ય... વૈજ્ઞાનિકોનો ડાયરો !

સ્ટીફન હોકિંગ્સના સંઘર્ષને સલામ : બ્રહ્માંડ રહસ્ય જાણવાની વાત તો દૂર રહી, પૃથ્વીનું રહસ્ય પણ જાણ બહાર....

આજે રાજકીય વિષયોથી દૂર થોડા અલગ વિષય પર ચિંતન કરીએ. આજે વિશ્વ વિકલાંગ દિવસ છે. અપંગના દર્શનથી કરૂણાનો રસ લકે એ માનવ સહજ છે. મોટીજીએ અપંગના સ્થાને દિવ્યાંગ શબ્દ પ્રયોજ્યો છે એ ઉત્તમ દૃષ્ટિકોણ છે. કુદરત કંઇક નથી આપતી ત્યારે ખોડને સરભર કરવા કંઇક વિશેષ આપી દેતી હોય છે. અનેક દિવ્યાંગ હસ્તીઓએ વિશ્વમાં ડંકા વગાડયા છે. આમાંની એક હસ્તી સ્ટીફન હોકિંગ્સ છે.

 

સ્ટીફનનું ૪૦ ટકા જેટલું શરીર કામ કરતું હતું, છતાં ભૌતિકશાસ્ત્રમાં તેમણ વિશ્વગ ગગનમાં ડંકા વગાડયા છે. ગઇકાલે આ વૈજ્ઞાનિકે આપણી વચ્ચેથી વિદાય લીધી. સ્ટીફન હોકિંગ્સ મહાન વૈજ્ઞાનિક ગણાતા હતા. તેઓની શારીરિક ક્ષમતા દયાજનક હતી, આ સ્થિતિમાં સંઘર્ષ કરીને પ્રગતિ કરી એ બાબત સલામ યોગ્ય છે.

...પણ સ્ટીફને બ્રહ્માંડના રહસ્યો જાણી લીધાનો જે રીતે પ્રચાર થયો અને તેઓ અનન્ય હસ્તી તરીકે પ્રસ્થાપિત થયા એ થોડું વધારે પડતું નથી લાગતું ? બ્રહ્માંડ તો ખૂબ જ દૂરની બાબત છે. આધુનિક વિજ્ઞાન નાનકડી-ખોબલા જેવી પૃથ્વીનું રહસ્ય પણ જાણી શકયું હોય તેમ લાગતું નથી. અહીં વિજ્ઞાનના વિરોધની વાત નથી, વાસ્તવિકતા તરફનું ચિંતન છે. આધુનિક વિજ્ઞાનની શોધોથી માનવ જીવન સરળ-સુવિધારૂપ બન્યું છે. તેનો ઉપકાર ભૂલી ન શકાય તેવો છે, પરંતુ આ વિજ્ઞાનની મર્યાદા છે તેનો પણ સહજ સ્વીકાર થવો જોઇએ.

ડાયરાના કલાકારો સૂર-તાલ-રાગ-રાગિણી કંઇજ જાણતા ન હોય, પરંતુ આવા કલાકારોના ટોળા સ્ટેજ પરથી એક-બીજાના વખાત કરીને એક-બીજાને મહાન સાબિત કરતા હોય છે. આવા 'મહાનો' સ્ટાઇલ મારીને લોકોમાં પ્રભાવ પાથરતા હોય છે. ગમે તેવી સ્ટાઇલ મારે છતાં એ કલાકાર સૂર-સ્વર-સંગીતનું રહસ્ય જાણી ગયેલા તો ન જ ગણાય...

વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ આવું કંઇક ચાલતું હોય તેમ લાગે છે. નાની-નાની બાબતોમાં અતિ-અતિ-અતિ પ્રસિદ્ધિ લેવાતી હોય તેવું સમજાય છે. એકબીજાને મહાન સાબિત કરવાના સેટિંગ્સ પણ હોઇ શકે છે, જેના ભાગરૂપે સ્ટીફનભાઇ બ્રહ્માંડના રહસ્યના જાણકાર બની ગયા હશે. તેઓએ કરેલા સંશોધનો મહત્વના હશે, પરંતુ એ સંશોધનોમાં સમસ્ત બ્રહ્માંડના રહસ્યો છૂપાયેલા છે એ હદનો પ્રચાર વિજ્ઞાનના ડાયરા જેવો નથી લાગતો ?

વિશ્વભરના માધ્યમો સ્ટીફન હોકિંગ્સને શ્રદ્ધાંજલી આપતા લખે છે કે, તેઓએ બ્રહ્માંડના રહસ્યો વિશ્વ સમક્ષ ખૂલ્લા મૂકયા હતા... માધ્યમો મોટાભાગે ન્યૂઝને કન્ફર્મ કરતા નથી, 'ઉપરથી' આવે તેવું પ્રકાશિત કે પ્રસારિત થઇ જાય છે. સવાલ એ ઉઠે છે કે, પૃથ્વી બ્રહ્માંડનો એક સામાન્ય-નાનકડો હિસ્સો છે. બ્રહ્માંડનું રહસ્ય જાણનારને પૃથ્વીના રહસ્યની તો ખબર જ હોય... આ બધી વાતોથી થોડા દૂર રહીને વિચારો-ખુશ સ્ટીફન હોકિંગ્સ પૃથ્વીનો હિસ્સો હતા. અવસાન પામીને કયાં જવાતું હશે તેની ખુદને પણ ખબર ન હતી. મૃત્ય સનાતન સત્ય છે, જે પૃથ્વી પરનું નાનકડું રહસ્ય છે. આપણી આસપાસ આનાથી અસંખ્ય વિરાટ રહસ્યો છે, જે બધાં વિજ્ઞાનથી અજાણ છે. આ સ્થિતિમાં સમસ્ત બ્રહ્માંડના રહસ્યોની વાત ડાયરા જેવી નથી લાગતી ?

પ્રકૃતિને જાણવા તરફની દિશા તરફ જવું એ શ્રેષ્ઠ માર્ગ છે, પરંતુ કોઇને મહાન સ્થાપિત કરી દેવાની વાત ખૂચે તેવી છે. સ્વર્ગસ્થ વિશે ખરાબ લખવું-બોલવું ન જોઇએ, સ્ટીફન હોકિંગ્સે જે શારીરિક સ્થિતિમાં સંઘર્ષ કર્યો છે એ વિશ્વ માટે પ્રેરક છે. એ સંઘર્ષ વંદનીય છે, પરંતુ સામાન્ય માણસ માટે બોધ એ હોઇ શકે કે, બ્રહ્માંડને જાણવા કરતા માણવામાં વધારે મોજ છે.. પરમ આનંદનું આ શ્રેષ્ઠ રહસ્ય હોઇ શકે.!

(10:00 am IST)