Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સરકારી નીતિને થયેલો ટીબી પણ દૂર કરજો!

ટીબી મુકત અભિયાન આવકાર્ય : દવા જરૂરી છે, પણ ટીબી થવાના કારણો દૂર કરવા ખૂબ જરૂરી છે

તાજેતરમાં ચર્ચા ચાલે છે, 'તારક મહેતા કા...' સિરીયલમાં હવે દયા આવશે કે નહિ ? દયા આવે કે ન આવે, પરંતુ આખી સિરીયલની દશા 'દયા' આવે તેવી થઇ ગઇ છે. વિષયોનું બિનજરૂરી લંબાણ, સ્ક્રીપ્ટ રાઇટિંગમાં લોચા, દયાબેન આવે કે ન આવે પણ મજા આવતી બંધ થઇ ગઇ છે. વિષયોનું કંટાળાજનક હદે લ઼બાણ ઘણા સમયથી ચાલે છે, ટીઆરપી પણ તૂટતી હશે. હાસ્ય સર્જવાને બદલે હાસ્યાસ્પદ બનવા તરફ જઇ રહેલી લોકપ્રિય સિરીયલને કયારેક આશિતભાઇ મોદી સામાન્ય દર્શક બનીને માણે તો જરૂરી સુધારા થઇ શકે.

 

દયા શબ્દનો નજીકનો પર્યાય કરૂણા છે. દયા મિશ્રિત કરૂણા ઉપજે તેવી દશા ટીબીના દર્દીઓની હોય છે. ટીબીના રોગમાં શરીર ક્ષણ થતું જાય છે. એટલે કે, શરીરનો ધીમે ધીમે ક્ષય થાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે ટીબી મુકત ભારત અભિયાનની ઘોષણા કરી ર૦રપની સાલ સુધીમાં દેશને ટીબી મુકત કરવા મિશન હાથ ધર્યું છે. આ મિશન આવકાર્ય છે અને સરકારી અભિયાનને સમાજનો પણ પૂર્ણ સહયોગ મળવો જોઇએ.

નિયમિત દવા લેવાથી ટીબી રોગ દૂર કરી શકાય છે. એક સમયે આ રોગ જીવલેણ મનાતો હતો, હવે ઇલાજ સરળ અને શકય છે. ભારતમાં ટીબીના નોંધપાત્ર દર્દીઓ છે અને વધતા જાય છે.

કુપોષણ, વ્યસન સહિત ટીબી થવાના અનેક કારણો છે. આ કારણો દૂર કરવા સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. પોષણનો અભાવ રાષ્ટ્રના સામૂહિક આરોગ્યની મુખ્ય સમસ્યા છે. પોષણના અભાવથી રોગ પ્રતિકારક શકિત ઘટે છે અને માત્ર ટીબી નહિ, અનેક રોગો થાય છે. ટીબી ગરીબોનો રોગ ગણાય છે.

ભારતમાં એક મોટી ગેરસમજ ફેલાયેલી છે કે, બે સમય ભરપેટ ભોજન ઝાપટે તેને પોષણ પૂરતું મળી રહે છે. અફસોસ છે કે, ભારતીય ભોજન-ખાદ્ય સામગ્રીમાંથી પોષણ ઘટી રહ્યું છે. પોષણનું સ્થાન ઝેર લઇ રહ્યું છે. ઝેરી ભોજન કદાચ સ્વાદિષ્ટ હોઇ શકે, પરંતુ પોષક હોતું નથી. માત્ર ટીબી નહિ, અનેક ભયાનક આરોગ્ય સમસ્યા ઉદ્ભવે છે. છેલ્લા ર૦ વર્ષથી ખાદ્ય સામગ્રીમાં ઝેરી ભેળસેળનું પ્રમાણ ખૂબ માત્રામાં વધ્યું છે, તેના ખતરનાક પરિણામો પણ મળી રહ્યા છે.

કમાલ એ ગણાય કે, લોકો મોંઘુદાટ-ઝેરી ભોજન ખાઇને મરી રહ્યા છે છતાં ઉહાપોહ થતો નથી. તંત્ર સાવ નિસ્ક્રીય છે. સરકારો માટે આ પ્રશ્ન ઇમરજન્સી જેવો ગણાય, પણ કોઇ ગંભીરતા દાખવતું નથી. વિપક્ષને કંઇ પડી નથી. સરકાર રોગ સામે લડવાની ઘોષણા કરે છે, પરંતુ રોગ થવાના કારણો દૂર કરતું નથી. સરકારી નીતિને વર્ષોથી 'ટીબી' થઇ ગયો છે, આ ટીબીથી દેશનું સ્વાસ્થ્ય ક્ષીણ થતું જાય છે. મોદીજીએ નીતિ અને તંત્રનો ટીબી પણ દૂર કરવો જોઇએ.

સરકાર ટીબીની દવા આપતી રહેશે અને તેના કારણો દૂર નહિ કરે તો એક દર્દીને ટીબી મટશે અને પાંચ દર્દીને આ રોગ થઇ ગયો હશે. લાંબાગાળે સરકાર દાવાની દશા 'તારક મહેતા...' સિરીયલ જેવી હાસ્યાસ્પદ બનશે. !

(10:29 am IST)