Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

પરીક્ષા... પાણી દેખાડી દેવાનો અવસર

બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્છા : અછતની સ્થિતિ... સરકારને વિશેષ શુભેચ્છા !

આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે. પરીક્ષાર્થીઓને ખૂબ-ખૂબ શુભેચ્છા. એસએસસી/એચએસસીની પરીક્ષા મહત્વની ગણાય છે, પરંતુ એ બાબત ભૂલવી ન જોઇએ કે, જિંદગીથી મહત્વની પરીક્ષા એક પણ નથી. વાલીઓ અને શાળા સંચાલકોએ આ બાબત છાત્રોને સમજાવવી જોઇએ. શિક્ષણ જ્ઞાનનું ક્ષેત્ર છે. જ્ઞાનની દેવી સરસ્વતી માતા છે. માતાજીને પ્રાર્થના કરીએ કે, પરીક્ષાર્થીઓ પર કૃપા કરે અને આનંદ-મંગલ માહોલ સર્જાય...

જીવનમાં ડગલે-પગલે પરીક્ષાઓ આવતી જ હોય છે. જેટલી મોટી જવાબદારી તેટલી વધારે આકરી પરીક્ષા. હાલ ગુજરાત સરકારની આકરી કસોટી શરૂ થઇ છે. આ પરીક્ષામાં પાસ થવું રૂપાણી સરકાર માટે ફરજિયાત છે. ગુજરાતમાં ઉનાળો રંગ પકડી રહ્યો છે. અછતની સ્થિતિ છે. પાણીની કટોકટી શરૂ થઇ છે. પાણીનો મુખ્ય સોર્સ સરદાર સરોવર છે, આ સરોવર પણ પૂરો સાથે આપી શકે તેમ નથી. સમય આકરો આવી રહ્યો છે.

આ સમયમાં રાજકોટનો આજીડેમ નર્મદાના જલથી ભરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં ર૦ મિનિટ પાણી મળતુ રહે એવું આયોજન કર્યું છે. સરકાર સાથે લોકોએ પણ જાગૃતિ દાખવવી અનિવાર્ય છે. પાણી મહામૂલુ છે, તેનો બગાડ કરવો એ મહાપાપ ગણાશે. કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરીને કસોટીમાંથી પાર પડવું પડશે.

મહાત્વની બાબત એ પણ છે કે, આજી ડેમ ભરી દેવાથી સૌરાષ્ટ્રનો પાણી પ્રશ્ન ઉકલી જવાનો નથી. સમગ્ર ગુજરાતમાં પાણીની અછત છે. ધારણા કરતા આ કસોટી વધારે આકરી છે. વોટર મેનેજમેન્ટ અને રાજકીય વૃત્તિ તથા શકિતની પરીક્ષા થઇ જવાની છે. ગામડે-ગામડે પાણી ચોરી ડામવાનો પડકાર તેનાથી પણ મોટો છે.

આ સ્થિતિમાં એક સમાચાર આવ્યા કે, પીવાના પાણી માટે ગુજરાત સરકારે દરિયાના પાણીને પીવાલાયક કરવાનું આયોજન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિ ૧પ૦૦ એમએલડી પાણી પીવા માટે જરૂરી છે. પીપીપી મોડેલથી માળિયા પાસે ૧૦૦ એમએલડી પ્લાન્ટ સ્થાપવા આયોજન છે, આ ટેકનોલોજી ઇઝરાઇલી છે.

સરકાર પાણી માટે મથી રહી છે એ સારી બાબત છે. પાણીના પ્રશ્નનો કાયમ ઉકેલ મેળવે તેવી શુભેચ્છા છે, પરંતુ આપણે યાદ રાખવું જોઇએ કે ઇઝરાઇલ રણ પ્રદેશ છે. સરેરાશ માત્ર અઢી ઇંચ વરસાદ વરસે છે. ત્યાં દરિયાના ખારા પાણીને મીઠું કરવું અનિવાર્ય છે.

ગુજરાતમાં સરેરાશ વરસાદ પચ્ચીસ ઇંચ વરસે છે. ઉપલબ્ધ જળાશયો લગભગ છલકી જાય છે. વરસાદી પાણી મોટા ભાડાનું દરિયામાં વહી જાય છે. આ સ્થિતિમાં આપણે દરિયાનું પાણી પીવાલાયક બનાવવા મથીએ એ બાબત યોગ્ય છે ?

ગુજરાતમાં પાણીનો પ્રશ્ન વોટર મેનેજમેન્ટ સાથે જોડાયેલો છે. રાજકીય વૃત્તિ શુદ્ધ હોવી જરૂરી છે. પાણીના ટીપે-ટીપાનો પૂરતો ઉપયોગ યોગ્યરૂપે થવો જોઇએ. કૃષિક્ષેત્રે ટપક પદ્ધતિ અનિવાર્ય બનવી જોઇએ. પાણીને જેરી બનાવી દેનાર ઉદ્યોગ સામે આકરા પગલા જરૂરી છે. પાણીનો બગાડ કરનારાને કાયદાનું ભાન કરાવવું જોઇએ. દરિયો પીવા લાયક કરવા કરતા આ કાર્ય સરળ રહશે. 'પરીક્ષા'કાળમાં રૂપાણી સરકારને વિશેષ શુભેચ્છા.

(9:39 am IST)