Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

-એને દોડાવો 'અગ્નિપથ' પર...

અગ્નિ-૧ બેલેસ્ટિક મિસાઇલ ભારતનું ગૌરવ : હોસ્પિટલ પર હુમલો કરી આતંકીને લઇ જવા ભારતની શરમ

પડોશી દેશ માલદીવ ગજબના સંકટમાં ઘેરાયો છે. રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશને માનવાના ઇન્કાર બાદ આ સંકટનો પ્રારંભ થયો હતો. રાષ્ટ્રપતિએ મોટી ચાલ ચાલીને કટોકટી લાદી દીધી. દેશના મુખ્ય ન્યાયધીશ અને પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ કરી લીધી... સંકટ ગજબનું છે. લોકોમાં સત્તા વિરોધી પ્રચંડ આક્રોશ છે. ભારતને પ્રત્યક્ષ કંઇ લેવાદેવા નથી, પરંતુ પરોક્ષરૂપે માલદીવ સંકટ ગંભીર અસર કરશે. મહાકાય ચીન ટાંપીને બેઠું છે, માલદીવને પોતાના ખિસ્સામાં લઇ શકે છે. આ સંકટ પર ભારતે વ્યૂહાત્મક નજર રાખવી પડે તેમ છે.

 

સમસ્યા એ છે કે, આપણે સરહદ પાર નજર રાખવી તો દૂર, સરહદની અંદર પણ નજર રાખી શકતા નથી.

ગઇકાલે બે ઘટનાઓ બની. એક ઘટનાથી ભારતનું ગૌરવ આસમાને પહોંચ્યું અને બીજી ઘટનાથી દેશનું ગૌરવ તળિયે નહિ, પાતાળે પહોંચી ગયું. સવારમાં ન્યૂઝ આવ્યા કે, ભારતે અગ્નિ-૧ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ પરમાણુ હથિયાર લઇ જવા સક્ષમ છે અને ૭૦૦ કિ.મી. સુધીના અંતરે અચૂક માર કરીને ભયાવહ ખાત્મો સર્જી શકે છે.

તાકાતની દૃષ્ટિએ ભારત જરાપણ કમ નથી, પરંતુ આપણે મનથી માઇકાંગલા છીએ. દેશના દુશ્મનોના સમર્થકોના ટોળા ભારતમાં બેરોકટોક રખડે છે. બેફામ બને છે, તેના પર પગલા લેવાને બદલે તેને રક્ષણ આપવામાં આવે છે !

ગઇકાલે બીજી ઘટના રાષ્ટ્રીય શરમ જેવી બની. કાશ્મીરમાં આતંકવાદીઓએ પોલીસના હથિયાર છીનવી લઇને હોસ્પિટલ પર હુમલો કર્યો અને હોસ્પિટલમાં સારવાર લેતા પાકિસ્તાની આતંકવાદીઓને છોડાવી ગયા...

જવાનો જીવના જોખમે ત્રાસવાદી રાક્ષસોને જીવતા પકડે છે અને ટોળા તેને આસાનીથી છોડાવી જાય છે. દેશદ્રોહી ટોળા પર જવાનો ગોળીબાર કરે તો તેના પર એફઆઇઆર દાખલ કરવામાં આવે છે... આ સ્થિતિ ભયાનક ગણાય. રાષ્ટ્રીય શરમ ગણાય, સવા અબજ ભારતીઓએ ઢાંકણીમાં પાણી ભરીને ડૂબી મરવા જેવી ગણાય.

આપણી તાકાત કમ નથી, પણ કમનસીબી એ છે કે, તાકાતો દેશના દુશ્મનોના રક્ષણ માટે વાપરવામાં આવે છે. રાષ્ટ્રની સુરક્ષા મુદ્દે રાજનીતિ ચાલે છે. કાશ્મીરમાં કે દેશમાં બેફામ બનતા પાકિસ્તાન તરફી ટોળાઓ પર આકરા પગલા ભરવામાં આવે તો લઘુમતી મતદારો નારાજ થઇ જાય તેની બીક લાગે છે. મીડિયામાં ગોકીરા થાય, માનવ અધિકારવાળા દેકારા કરી મૂકે તેવો ભય લાગે છે. આવા ભયમાં રહેતા દેશને સ્વમાનભેર જીવવાનો અધિકાર રહેતો નથી. ભારતીયોને પણ આવા મુદ્દે રસ પડતો નથી એ ગજબ બાબત છે. કાશ્મીરો આતંકી રેલા ઘર સુધી પહોંચશે ત્યારે ભાગવાની જગ્યા નહિ રહે એ યાદ રાખવું જરૂરી છે.

અગ્નિ-૧નું પરિક્ષણ સફળ થયું છે તો તેનો ઉપયોગ કરીને રાક્ષસો પર તાંડવ કરો. દેશના દુશ્મનોને અગ્નિપથ પર દોડવા મજબૂર કરો. ભડકા સિવાય કોઇ વિકલ્પ નથી. આપણે તેને ભડકે નહિ બાળીએ તો એ આપણને ભડકે બાળી દેશે...

 

(10:32 am IST)