Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

હું તો બસ 'તરવા' આવ્યો છું...!

નિરંજન ભગત જેવા ફરવા આવે છે, ઠગ ભગતો રાજનીતિમાં તરવા આવે છે... ચૂંટણી માટે વિપક્ષો એક થયા, લોકપ્રશ્નો માટે નહિ

'હું તો બસ ફરવા આવ્યો છું....' આ કાવ્યરચનામાં નિરંજન ભગતે જિંદગીનું ચિંતન આલેખ્યું છે. ભગત જેવા સર્જકની વિદાય આપઘાતજનક ગણાય. ગુજરાતી સાહિત્યક્ષેત્રે સાહિત્ય ગૌણ છે અને રાજનીતિ-કાવાદાવા તથા એક-બીજાને મોટાભા કરવાની પ્રવૃત્તિ મુખ્ય છે. નિરંજન ભગતને કોઇએ 'મોટાભા' નથી કર્યા, પોતાની સર્જનશકિતથી મોટા થયા હતા. મોટાભાગના વર્તમાન સર્જકો 'સ્પૂન' પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. કથાકાર બાપુના પ્રમાણપત્રોથી તેઓના શબ્દોનો ધંધો ધમધમે છે. તફાવત એટલો છે કે, ભગતના સર્જનોથી બાપુઓના પ્રમાણપત્રો શોભતા હોય છે... નિરંજન ભગત ફરવા આવ્યા હતા, સ્પૂનવૃત્તિના સાહિત્યકારો શબ્દોની દુનિયામાં 'તરવા' આવ્યા છે.

તરવું એ પાપ નથી, પણ પોતાને તરતા રાખવા અન્યને ડુબાડવા મથવું એ પાપ છે. ગુજરાતી સાહિત્યમાં ખુદના સર્જન કરતા અન્યના વિસર્જનની ચિંતા કરનારા સર્જકો વધારે છે. શબ્દોને સાધકનો જરૂર છે, પણ વ્યાપારી મળ્યા છે. ગુજરાતી સાહિત્યને-શબ્દોને 'ભગત'ની જરૂર છે, ઠગભગતોએ શબ્દોની ગુજરીબજાર લગાવી છે...

વૃત્તિ ઠગની અને દેખાવ ભગતનો માત્ર સાહિત્યક્ષેત્રે જ નહિ, વિવિધક્ષેત્રમાં જોવા મળે છે. આવા લોકો રાજનીતિમાં વિશેષ છે. ગઇકાલના જ ન્યૂઝ જુઓ. લોકસભાની ચૂંટણી લડવા માટે ૧૭ વિપક્ષો એક થયા. એન.ડી.એ. સામે વિપક્ષ એક બનીને ચૂંટણી મેદાનમાં આવે એ ન્યૂઝમાં પ્રથમ દૃષ્ટિએ કંઇ વાંધાજનક ન લાગે, પણ દૃષ્ટિ તીણી કરો તો ઠગવૃત્તિ નજરે પડશે. સોનિયાજીની અધ્યક્ષતામાં વિવિધ વિચારના પક્ષો એક બની રહ્યા છે. તેઓ અલગ-અલગ ચૂંટણી લડે તો મોદી સામે મેળ ન પડે. વિપક્ષી મત વિખેરાઇ જાય. એક બનીને લડે તો મત તાકાતવર બને.

ટૂંકમાં વિપક્ષો મત માટે એક થવું પડયું છે. થોડો ભુતકાળ યાદ કરો. મોદી સરકારનું સૌથી આક્રમક નિર્ણય નોટબંધી વખતે કરોડો નિર્દોષ ભારતીયો પરેશાન હતા ત્યારે આ ૧૭ પક્ષો એક બનીને વિરોધમાં આવ્યા ન હતા. લોકપ્રશ્નોના ઢગલા છે, પરંતુ તેના નિર્ણાયક વિરોધ માટે આ પક્ષો એક નથી થયા. મત મેળવવા એક બની રહ્યા છે. મત મેળવવાની વૃત્તિ આ પક્ષો છૂપાવે છે. ૧૭ પક્ષોની બેઠકમાં દેશમાં થતી ધાર્મિક હિંસા અંગે ચિંતા વ્યકત કરવામાં આવી અને આ મુદ્દે લડી લેવા નિર્ધાર કરાયો.

દેશ સામે અસંખ્ય પ્રશ્નો છે. જવાનો શહીદ થાય છે, પ્રતિકાર કરે તો એફઆઇઆર થાય છે, આવા અતિ ગંભીર મુિંાઓ અંગે આ ૧૭ પક્ષોને જરા પણ રસ નથી. ધાર્મિક હિંસાનો મુદ્દો લઇને દેશમાં કોમવાદ-જ્ઞાતિવાદ સર્જીને મત લેવામાં જ રસ છે.

'હું તો બસ ફરવા આવ્યો છું...' રચનામાં નિરંજનભાઇએ આગળ લખ્યું છે, 'જાદુ એવો જાય જડી, ચાહી શકું બે-ચાર ઘડી, ગાઇ શકું બે-ચાર કડી...'

ભગતને એવો જાદુ મળ્યો હતો કે નહિ એ ખબર નથી, પરંતુ ઠગભગતોને જાદુ મળી ગયો છે... એ ગાવાને બદલે ભાંભરડા નખાવે છે ઘડીએ ઘડી...!

(9:57 am IST)