Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

શબ્દો નહિ, મિસાઇલ વરસાવો

જવાનોની શહીદી બાદ રાજનાથે શબ્દોનો વરસાદ કર્યો.... મનમોહન સરકાર પણ આવું જ કરતી હતી

છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસજીની આજે પુણ્યતિથિ છે. તેઓએ ર જાન્યુઆરી ૧૬૮૧ ના દિને મહાપ્રયાણ કર્યુ હતું. રામદાસજીએ શિવાજી મહારાજમાં સ્વમાન-શકિત-પરાક્રમ અને નિષ્ઠાનો સંચાર કર્યો હતો, આ લક્ષણોના  કારણે શિવાજી ઇતિહાસમાં અમર બની શકયા છે.

 

આવા પરાક્રમી નેતૃત્વથી ભારતીય ઇતિહાસ છલકે છે.  રામદાસશિવાજી જેવા પાત્રો પ્રેરણાના ધોધ સમાન ગણાય. આધુનિક સાધન-સામગ્રી વગર રણનીતિપૂર્વક દુશ્મનોના ઢાળીયા થઇ શકે છે, એ બાબત ભારતના ઐતિહાસિક નેતૃત્વએ સાબિત કરી દીધી છે, પણ અફસોસ એ છે કે વર્તમાન ભારત દુશ્મનોના માર ખાઇને ગાલ રાતા રાખવાનું વ્યસની બની ગયું છે.

દુશ્મનો અવારનવાર જવાનો પર હુમલા કરે છે, જવાનો શહીદ થાય છે. પ્રધાનો શહીદોના ઘેર જાય છે. આકરા નિવેદનો કરે છે. મીડિયા એક દિવસ ગરમ રહે છે, બીજા દિવસે બધું ભૂલાઇ જાય છે.... આ સ્થિતિ શરમજનક ગણાય. દેશ નવા વર્ષના જલ્સામાં વ્યસ્ત હતો ત્યારે કાશ્મીરના પુલવામાં  CRPF કેમ્પ પર  આતંકવાદીઓએ રાક્ષસી હૂમલો કરીને પાંચ જવાનોને શહીદ કરી  દીધા....

મીડિયા મરશિયા ગાવા લાગ્યા... ગૃહપ્રધાન રાજનાથસિંહ શહીદોના સ્વજનોને આશ્વાસન આપવા ગયા અને બોલ્યા 'જવાનોની શહીદી એળે નહિ જાય....!' આતંક સામે લડી લેવા ઘોષણા થઇ...

રાક્ષસો શબ્દોના બાણથી મરતા નથી, આ બાબત મનમોહન સરકારમાં સાબિત થઇ ગઇ છે. UPA સરકાર  વખતે હૂમલા થતા ત્યારે મનમોહનસિંઘ બોલતા  ત્રાસવાદીઓના ઇરાદા બર નહિ આવે ! આવું જ રાજનાથસિંહ બોલી રહ્યા છે.

જો કે એન. ડી.એ. સરકારે પાકિસ્તાન સામે આક્રમક નીતિ અખત્યાર કરી છે. સર્જીકલ સ્ટ્રાઇક જેવા પરાક્રમો પણ થાય છે. કાશ્મીરમાં રણનીતિપૂર્વક બરાબરનો ભરડો લીધો છે, પરંતુ નરી વાસ્તવિસ્તા એ છે કે જવાનો પર અવારનવાર હૂમલા થાય છે અને જવાનો શહીદ થાય છે.

આતંકવાદ ખૂબ જૂની અને  ગંભીર સમસ્યા છે. તેને રાતોરાત ઉકેલી  ન શકાય. આ મામલે કોંગ્રેસની સરકારોએ કોઇ નિર્ણાયક પરાક્રમો નથી કર્યા. સમસ્યા ભયાનક બની છે.  આ બધું જ સમજી શકાય તેમ છે, પરંતુ મોદી સરકારે આતંક સામે નિર્ણાયક કદમ ઉઠાવવું જરૂરી છે.

 સરકાર માત્ર શબ્દોના બાણ વરસાવે એ પરાક્રમ નથી. તેનાથી રાક્ષસો ડરવાના કે મરવાના નથી. પાકિસ્તાન અને આતંકદીઓને સખ્ત સંદેશ જરૂરી છે, સખ્ત કાર્યવાહી જરૂરી છે. શિવાજીરાજમાં  શસ્ત્રોનો અભાવ હતો છતાં ઐતિહાસિક પરાક્રમો થયા હતાં. વર્તમાન  સમયમાં ભારત આધુનિક શસ્ત્રોથી સજ્જ છે, છતાં શહીદી બાદ પણ શબ્દોના મારા શા માટે? 

(1:46 am IST)