Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિજયજી, ચમત્કારોની હારમાળા સર્જો

અલગ ઓળખ સર્જીને ઇતિહાસ રચવાનો અવસર : પડકારો અછા નથી, પણ કાઠિયાવાડી પાણીની તાકાત પણ કમ નથી...

આજે ગુજરાતનો ઇતિહાસ આલેખાઇ રહ્યો છે, આજનો દિવસ પણ ઐતિહાસિક છે. ર૬ ડિસેમ્બર ૧૯ર૪ના દિને આઇન્સ્ટાઇને ગુરૂત્વાકર્ષણનો નવો સિદ્ધાંત રજૂ કર્યો હતો. આ સિદ્ધાંત અને નવેસરથી સંશોધન થાય તો કદાચ એવું તારણ નીકળે કે, ભારતીય નેતા અને ખુરશી વચ્ચે સૌથી તીવ્ર ગુરૂત્વાકર્ષણ અનુભવાય છે... ર૬ ડિસેમ્બર ૧૯પ૦ના દિને ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. પ્રથમ વડાપ્રધાન નેહરૂજી અને પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદબન્યા હતા. ૭૦ વર્ષે પણ નેહરૂ ખાનદાનનું ખુરશી પ્રત્યેનું ગુરૂત્વાકર્ષણ ઓછું નથી થયું.. આ ગજબની તીવ્રતા ન ગણાય ?

ગુજરાતના રાજકીય ઇતિહાસનું પાનુ આજે આલેખાઇ રહ્યું છે. ભવ્ય સમારોહમાં રૂપાણી સરકાર શપથ લઇ રહી છે. રાજયમાં બે દાયકાથી મોદિત્વની ગજબની પક્કડ હતી, વર્તમાન ચૂંટણી મોદિત્વની પ્રત્યક્ષ અસર વગર ખેલાઇ હતી. સામા પૂરે તરીને ભાજપ કિનારે પહોંચ્યો છે અને આજે રૂપાણીજી શપથ લઇ રહ્યા છે.

રાજકોટ-સૌરાષ્ટ્ર માટે તો આ અવસર સુવર્ણ જેવો ગણાય, કાઠિયાવાડી નેતૃત્વ ગુજરાતની ગાદી પર બિરાજમાન થાય છે. આ પૂર્વે વિજયભાઇ મુખ્યમંત્રી બન્યા ત્યારે એ પદ કામચલાઉ જેવું હતું. ઉપરાંત આનંદીબેને બગાડી મૂકેલી પીચ પર ટી-ટ્વેન્ટી જેવો મેચ વિજયભાઇએ ખેલવાનો હતો. દરેક દડે સિકસરની જરૂર હતી. મોદીજીએ બારમા ખેલાડી તરીકે મેદાનમાં આવીને મેચ જીતાડવી પડી હતી...

હવે વિજયભાઇ લાંબાગળાનું નેતૃત્વ પ્રાપ્ત થયું છે. ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાંથી મળેલા પરિણામો ઉત્સાહજનક નથી. લોકોની નારાજગી મતમશીનમાંથી બહાર નીકળી હતી. વિજયભાઇ સામે આ પડકાર સામાન્ય નથી. આ ઉપરાંત ગુજરાતમાં વિપક્ષ બળુકો બન્યો છે. લોકપ્રશ્નોની હારમાળા સર્જાઇ છે. વિવિધ સમાજો પણ સરકારની સામે છે, ઉપરાંત આર્થિક જગતના પ્રશ્નો, બેફામ ગુન્હાખોરી વગેરે પણ મોં ફાડીને ઉભા છે.

પડકારો ઓછા નથી, પરંતુ કાઠિયાવાડી પાણીની તાકાત કમ નથી એ બાબત વિજયભાઇએ સાબિત કરવાની છે. મેચ જીતાડવા માટે બારમા ખેલાડીની જરૂર પડે એ સ્થિતિ શોભાસ્પદ નથી. વિજયભાઇ ખુદની આભા વિસ્તારીને ગુજરાતીઓના દિલ જીતે એ જરૂરી છે.

સત્તાની સાધના કરવી જરૂરી છે. યુપીમાં યોગીજીએ સાધના કરીને આભા વિસ્તારી છે. આ ઘટના પ્રેરણાદાયક છે. રૂપાણીજીએ લોકપ્રશ્ને કોઇ જ બાંધછોડ કર્યા વગર આક્રમકતાનો પરિચય કરાવવો જરૂરી છે. પોતાને સરકારી જમાઇ સમજતા અધિકારીઓને લોકહિતના કાર્યો કરવા ફરજ પાડવી જરૂરી છે. ગુન્હાખોરી ડામવા કાયદાકીય તાંડવ ખેલવું પડે તેમ છે.

સૌથી મોટો પડકાર એ છે કે, આ ર૦૧૯ પૂર્વે લોકહિતમાં કામ કરતી સરકાર સાબિત કરી દેવી પડશે. લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપે-રૂપાણી સરકારે ગુજરાતીઓમાં પોતાના પ્રતયે ગુરૂત્વાકર્ષણ જગાવવું પડશે. ટેસ્ટ મેચમાં પણ ટી-ટ્વેન્ટી જેવું ખેલીને રૂપાણી સરકાર ઓલરાઉન્ડર જેવો દેખાવ કરે તેવી શુભેચ્છા.

(1:46 am IST)
  • બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ સહિતના 16 આરોપીઓને આજે ચારા કૌભાંડના કેસમાં સજા ફટકારવામાં આવવાની હતી, પરંતુ હવે તેમની સજા કાલે જાહેર કરવામાં આવશે એમ જાણવા મળી રહ્યું છે. access_time 3:43 pm IST

  • બિહારને રણજી ટ્રોફી અને અન્ય રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટોમાં ભાગ લેવા સુપ્રિમ કોર્ટ દ્વારા બીસીસીઆઈને નિર્દેશ access_time 4:22 pm IST

  • મહારાષ્ટ્રની હિંસાનો પાટણમાં ગઈકાલે પડઘોઃ બામસેફના કાર્યકરોનું વિરોધ પ્રદર્શનઃ ચાણસ્મા-રાધનપુર હાઈવે પર ચક્કાજામ ,ટોળાએ ટાયર સળગાવી ચકકાજામ કયોઃ પોલીસે ટોળાને વિખેરી હાઇવે ખુલ્લો કર્યો access_time 11:24 am IST