ખેલ-જગત
News of Saturday, 31st October 2020

તામિલનાડુમાં એમએસ ધોનીનું મંદિર બની શકે છે

ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ સંજય બાંગરનું નિવેદન : દરેક મેચમાં બીજી ટીમોના ખેલાડી ધોની પાસે જઈને તેની પાસે ઓટોગ્રાફ તેમજ તેની જર્સી માગતા જોવા મળે છે

નવી દિલ્હી,તા.૩૧ : આઈપીએલ-૨૦૨૦માં ચેન્નઈ સુપરકિંગ્સનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. ચેન્નઈની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ચેન્નઈનો કેપ્ટન એમએસ ધોનીનો જાદુ વખતે જોવા મળ્યો નથી. તે બેટ વડે પણ ધમાલ મચાવી શક્યો નથી. જોકે આમ છતા આઈપીએલમાં ધોનીનું નામ છવાયેલું છે. દરેક મેચમાં બીજી ટીમોના ખેલાડી ધોની પાસે જઈને તેની પાસે ઓટોગ્રાફ અને તેની જર્સી માંગતા જોવા મળે છે. દરમિયાન ભારતના પૂર્વ બેટિંગ કોચ અને પૂર્વ ક્રિકેટર સંજય બાંગરે ધોની પર મોટી વાત કરી છે. સ્ટાર સ્પોર્ટ્સ પર આઈપીએલ ૨૦૨૦ સાથે જોડાયેલ એક કાર્યક્રમમાં સંજય બાંગરે કહ્યું કે ધોની દેશમાં ઘણું મોટું નામ છે. ચેન્નઈ સુપરકિંગ્સના પ્રશંસકો તેને ઘણા માને છે. જે રીતે તમિલનાડુમાં રજનીકાંત અને જયલલિતાની દિવાનગી રહી છે તેવું કશુંક ધોની માટે પણ છે. બાંગરે કહ્યું કે કેટલાક વર્ષોમાં ધોનીનું મંદિર પણ બની જાય તો મને તેમાં કોઈ આશ્ચર્ચચકિત નહીં થાય.

ધોની પહેલા સચિન તેંડુલકરની સાથે પણ આવુ બન્યું છે. ભારતીય પ્રશંસકો સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહે છે. હવે ધોની માટે પણ આવી દિવાનગી છે. ધોનીએ પોતાની કારકિર્દીમં બધી સિદ્ધિ મેળવી છે. જેના વિશે કોઈ ખેલાડી વિચારી પણ શકે નહીં. ધોનીએ ટીમ ઇન્ડિયાને ટી-૨૦ વર્લ્ડ કપ, વન-ડે વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી છે. ટીમને ટેસ્ટમાં નંબર વન પણ બનાવી છે. આઈપીએલમાં ધોનીએ ટીમને ત્રણ વખત ચેમ્પિયન બનાવી છે.

(7:17 pm IST)