ખેલ-જગત
News of Thursday, 31st January 2019

શ્રીસંતને સુપ્રીમકોર્ટનો વેધક સવાલ : ફિક્સરોએ કરેલા સંપર્કની તત્કાળ જાણ બોર્ડને કેમ ન કરી?

આજીવન પ્રતિબંધ સામે કેરળ હાઇકોર્ટમાં પડકાર્યા બાદ સુપ્રીમમાં મામલો પહોંચ્યો છે

નવી દિલ્હી :આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કાંડમાં પકડાયેલા શ્રીસંત પરના આજીવન પ્રતિબંધને જારી રાખવાના કેરળ હાઈકોર્ટના ચૂકાદાને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે સુપ્રીમમાં પડકાર્યો છે. જોકે સુપ્રીમ કોર્ટે શ્રીસંતને વેધક સવાલ કરતાં પુછ્યું હતુ કે, સ્પોટ ફિક્સિંગ માટે તેનો સંપર્ક સાધવામાં આવ્યો છે, તે અંગેની માહિતી તેણે શા માટે તત્કાળ બીસીસીઆઇને આપી નહતી ? દેશની સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે, સ્પોટ ફિક્સિંગ કાંડમાં શ્રીસંતની વર્તણૂંક 'સારી નહતી'.

   વર્ષ ૨૦૧૩ના આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કાંડમાં પકડાયેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીસંત પર બીસીસીઆઇએ આજીવન પ્રતિબંધ મૂકી દીધો હતો. જેની સામે શ્રીસંતે કેરળ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને સિંગલ બેન્ચના ચૂકાદામાં તેના પરના પ્રતિબંધને હટાવી લેવાયો હતો. જોકે બીસીસીઆઇની અપીલ બાદ કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે શ્રીસંત પરનો પ્રતિબંધ જારી રાખ્યો હતો. તેની સામે તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

શ્રીસંતને સ્પોટ ફિક્સિંગના મામલે ફોજદારી કાર્યવાહીમાંથી વર્ષ ૨૦૧૫માં જ ટ્રાયલ કોર્ટે છોડી મૂક્યો હતો. તેણે જસ્ટીસ અશોક ભૂષણ અને કે.એમ. જોસફની બેન્ચને જણાવ્યું કે, બીસીસીઆઈએ મારા પર મૂકેલો પ્રતિબંધ વધુ પડતો આકરો છે. તે ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો, તે સાબિત કરે તેવા પુરાવા ન હોવા છતાં તેમણે મારા પર પ્રતિબંધ મૂક્યો છે.

  શ્રીસંત તરફથી સલામન ખુર્શીદ કેસ લડી રહ્યા છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે તેમને વેધક સવાલ કર્યો હતો કે, શા માટે તેં (શ્રીસંતે) બીસીસીઆઇને તત્કાળ એ બાબતની જાણ ન કરી કે, બુકીઓએ સ્પોટ ફિક્સિંગ માટે તેનો સંપર્ક સાધ્યો હતો ? જવાબમાં સીનિયર વકીલે કહ્યું કે, શ્રીસંત બુકીઓએ તેનો સંપર્ક સાધ્યો હતો તેની જાણ બોર્ડને કરવામા નિષ્ફળ રહ્યો હતો, પણ તે અંગેની મહત્તમ સજા તો પાંચ વર્ષની છે. તેના માટે આજીવન પ્રતિબંધ ન હોય. વધુમાં ફિક્સિંગની સામે તેને કોઈ નાણા મળ્યા હોય તેવા કોઈ પુરાવા નથી.

  જોકે બેન્ચે અવલોકન કરતાં કહ્યું હતુ કે, આ બધું એ દર્શાવે છે કે, શ્રીસંતની વર્તણૂંક સારી નહતી. આ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આ મામલે ૨૦મી ફેબુ્રઆરીએ કાર્યવાહી આગળ ચાલશે. જેમાં બીસીસીઆઇ તરફથી પરાગ ત્રિપાઠી રજુઆત કરશે.

(8:12 pm IST)