ખેલ-જગત
News of Monday, 30th August 2021

ઓસ્ટ્રેલિયામાં હોટલમાં કેદ રહેશે મહિલા ક્રિકેટ ટીમ :, પ્રેક્ટિસ કરવાનો મોકો નહીં

બ્રિસ્બેન પહોંચ્યા બાદ 14 દિવસ માટે ક્વોરૅન્ટીનમાં રહેવું પડશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે ટેસ્ટ, વનડે અને ટી 20 સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા રવાના થઈ છે. પરંતુ ત્યાં કોવિડ -19 સંબંધિત નવી માર્ગદર્શિકાને કારણે, ખેલાડીઓએ બ્રિસ્બેન પહોંચ્યા બાદ 14 દિવસ માટે ક્વોરૅન્ટીનમાં રહેવું પડશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ અગાઉ આશા રાખી હતી કે ખેલાડીઓને ક્વોરૅન્ટીનના એક સપ્તાહ બાદ પ્રેક્ટિસ કરવાની તક મળશે.

હવે ખેલાડીઓને 14 દિવસ સુધી હોટલના રૂમમાં રહેવું પડી શકે છે. બીસીસીઆઈ (BCCI)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "હાલની પરિસ્થિતિમાં, પ્રથમ સપ્તાહ પછી પ્રેક્ટિસ કરવાની પરવાનગી મેળવવાની શક્યતા નહિવત છે. કાર્યક્રમમાં વધુ ફેરફાર થઈ શકે છે.

એક ખેલાડીએ કહ્યું, ‘તે ખૂબ જ મુશ્કેલ હશે પરંતુ ઓછામાં ઓછું તે પછી અમને રમવાની તક મળશે.’ ભારતીય ટીમ છેલ્લા એક સપ્તાહથી બેંગલુરુમાં પ્રેક્ટિસ કરી રહી હતી. તેને સિડની જવાનું હતું. આ સિવાય અન્ય બે સ્થળો પર્થ અને મેલબોર્ન હતા પરંતુ વધતા જતા કેસોને કારણે મેચનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ટૂંક સમયમાં બદલાયેલ સમયપત્રકજાહેર કરશે.

જોકે, ક્વીન્સલેન્ડ સરકારની મંજૂરી મેળવવી જરૂરી છે કારણ કે તમામ મેચો હવે આ રાજ્યમાં રમાશે. ભારતીય ટીમઆ પ્રવાસમાં ત્રણ વનડે, એક ડે નાઈટ ટેસ્ટ અને ત્રણ ટી 20 મેચ) રમશે.સીરિઝ19 સપ્ટેમ્બરના બદલે બે દિવસ પછી શરૂ થઈ શકે છે. મેચના નવા સ્થળો મેકે અને કારારા છે. ભારતની 22 સભ્યોની ટીમ દુબઇ થઇને સોમવારે બ્રિસ્બેન પહોંચશે.

ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તે પ્રથમ પિંક બોલ ટેસ્ટ રમશે. આ પ્રવાસમાં ભારત માટે આ સૌથી મોટો પડકાર હશે. જોકે, ભારત માટે સારી બાબત એ છે કે, તાજેતરમાં તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ પણ રમી હતી. આ તેના ખેલાડીઓને ટેસ્ટનો અનુભવ આપશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તેણે તાજેતરના મહિનાઓમાં કોઈ સીરિઝ રમી નથી.

એપ્રિલથી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ માટે  કોઈ સીરિઝ નથી. તેની છેલ્લી ટેસ્ટ મેચ પણ 2019 માં હતી. આ અર્થમાં, જો ભારતીય ટીમ છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ક્રિકેટ રમી રહી છે, તો તેનું પલડું ભારી રહેશે.

(4:26 pm IST)