ખેલ-જગત
News of Saturday, 30th May 2020

છેલ્લા ૧૨૪ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત અમેરિકામાં યોજાતી બોસ્ટન મેરાથોન રદઃ સપ્ટેમ્બર મહિના સુધી સ્‍થગિત

ન્યૂયોર્કઃ કોરોના વાયરસને કારણે બોસ્ટન મેરાથોનને છેલ્લા 124 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર રદ્દ કરવામાં આવી છે. બોસ્ટનના મેયર માર્ટી વાલ્શએ કહ્યુ કે, આ પ્રખ્યાત મેરાથોન સ્વાસ્થ્ય કારણોને લીધે 14 સપ્ટેમ્બરે પણ આયોજીત કરવામાં આવસે નહીં. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેનું આયોજન એપ્રિલમાં થવાનું હતું પરંતુ તેને સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

વાલ્શે કહ્યુ, મોટી સંખ્યામાં લોકોને એકબીજાની નજીક લાવ્યા વગર દોડના વાસ્તવિક ફોર્મેટને બનાવી રાખવાની કોઈ રીત નથી. તેમણે કહ્યુ, જ્યારે અમારૂ લક્ષ્ય અને આશા આગળ વધવા અને પોતાની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે વાયરસના પ્રસારને રોકવાની છે ત્યારે 14 સપ્ટેમ્બર કે વર્ષમાં કોઈપણ સમયે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન શક્ય નથી.

બોસ્ટન મેરાથોનનું 1897થી સતત આયોજન થતું રહ્યું છે અને તે વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી ચાલનારી મેરાથોન છે. અમેરિકામાં આ વર્ષના અંતમાં 11 ઓક્ટોબરે શિકારો મેરાથોન અને એક નવેમ્બરે ન્યૂયોર્ક મેરાથોનનું આયોજન થશે. તેના વિશે પણ હજુ કોઈ નિર્ણય થયો નથી.

(4:33 pm IST)