ખેલ-જગત
News of Monday, 30th January 2023

ધીમી ઈનિંગ્સ છતાં સુર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચ એવોર્ડ

ધમાકેદાર બેટિંગ માટે જાણીતા બેટરની ધીમી ઈનિંગ્સ : ન્યૂઝિલેન્ડ સામે ચોથા નંબરે બેટિંગ કરવા આવેલો સુર્યકુમાર ૩૧ બોલમાં ૨૬ રન કરી અણનમ રહ્યો

લખનઉ, તા.૩૦ : ગઈકાલે રમાયેલી બીજી ટી૨૦ મેચમાં સુર્યકુમાર યાદવે ખુબ જ ધીમી બેટિંગ કરી હતી. સ્લો ઇનિંગ રમવા છતાં પણ સુર્યાને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યું હતું. આ મેચમાં સૂર્ય કુમારનો સ્ટ્રાઈક રેટ ૮૩.૮૭નો હતો. તેમ છતાં તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.લખનઉમાં ગઈકાલે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલ બીજી ટી૨૦ મેચમાં ભારતે ન્યુઝીલેંડને ૬ વિકેટથી હરાવી સીરીઝ ૧-૧થી બરાબર કરી દીધી છે. ઇન્ડિયાના મિસ્ટર ૩૬૦ કહેવાતા સૂર્ય કુમાર યાદવને ટી૨૦ ફોરમેટમાં તમે ચોક્કા અને છગ્ગા લગાડતા જોયા હશે પણ ગઈકાલની મેચમાં સુર્યા એક નવા રૃપમાં જ જોવા મળ્યો હતો. ચોથા નંબરે બેટિંગ કરવા આવેલ સુર્યા ૩૧ બોલમાં ૨૬ રન કરી અણનમ રહ્યો હતો. તેમ છતાં પણ તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આવો જાણીએ આના પાછળનું કારણ શું છે ... હાલમાં સૂર્ય કુમાર યાદવ આઈસીસી ટી૨૦ રેક્નિંગમાં નંબર પ્લેયર છે. ગઈકાલે રમાયેલ મેચમાં સુર્યા ૩૧ બોલમાં એક ચોક્કાની મદદથી ૨૬ રન કરી અણનમ રહ્યો હતો. મુંબઈના આ પ્રતિભાશાળી ખેલાડીએ મુશ્કિલ પીચ પર પોતાના બેટિંગ કરવાના અંદાજમાં બદલાવ કરી બતાવી દીધું કે તે કોઈ પણ પરિસ્થિતિમાં સારું રમી શકે છે. સુર્યાના ટી૨૦ કરિયરની આ સૌથી ધીમી ઇનિંગ હતી. સુર્યા આખર સુધી ટકી રહ્યો અને ઇન્ડિયાને જીત અપાવી. સુર્યકુમારને તેની સમજ અને ધૈર્યના કારણે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

ઇન્ડિયન ટીમે ન્યૂઝીલેંડને ૯૯ રનના સ્કોર પર જ અટકાવી દીધા હતા. ભારતીય બેટ્સમેન પણ લખનઉની ટર્નવાળી પીચ પર રનો માટે લડી રહ્યા હતા. આ પીચ સ્પિનર્સ માટે ખુબ મદદગાર સાબિત થઈ હતી. આ સ્થિતિમાં જયારે એક બાજુ વિકેટો પડી રહી હતી ત્યાં સુર્યાએ બીજી તરફ ભારતીય ટીમને મેચમાં ટકાવી રાખી હતી. સુર્યાને આ પરિસ્થિતિમાં સ્ટ્રાઈક રોટેટ કરવું જ યોગ્ય લાગ્યું હતું. ઇન્ડિયાને છેલ્લી ઓવરમાં ૬ રનની જરૃર હતી. સૂર્ય કુમારે મેચના અંતિમ ઓવરની પાંચમી બોલ પર ચોક્કો લગાવી ભારતને યાદગાર જીત અપાવી હતી. રાંચીમાં ૨૧ રનથી હાર્યા બાદ ટીમ ઇન્ડિયાએ લખનઉમાં હારનો બદલો લેતા ન્યૂઝીલેંડની ટીમને માત્ર ૯૯ રનના સ્કોરમાં રોકી દીધી હતી. આ મેચમાં ભારત તરફથી હાર્દિક પંડ્યા, વોશિંગટન સુંદર, ચહલ, દિપક હુડ્ડા અને કુલદીપ યાદવે ૧ વિકેટ અને અર્શદીપ સિંહે ૨ વિકેટ ઝડપી હતી. ઇશાન કિશન ૧૯ રન, જયારે કેપ્ટન હાર્દિક પંડ્યા ૨૦ બોલમાં ૧૫ રન કરી અણનમ રહ્યો હતો. રાહુલ ત્રિપાઠી ૧૩ રન અને શુભમન ગિલ ૧૧ રન ના સ્કોર પર આઉટ થઈ પવેલિયન ભેગા થયા હતા. વોશિંગટન સુંદર ૧૦ રન કરી રન આઉટ થયો હતો. આ ટી૨૦ સીરીઝનો નિર્ણાયક મેચ બુધવારના રોજ અમદાવાદમાં રમાશે.

(8:21 pm IST)