ખેલ-જગત
News of Thursday, 29th August 2019

રાહુલ દ્રવિડને નેશનલ ક્રિકેટ એકેડમીમાં હેડ ઓફ ક્રિકેટ તરીકે નિયુક્ત કરાતા હવે ઇન્‍ડિયા-એ અને અંડર ૧૯ ટીમને કોચિંગ નહીં આપે

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ હવે ઇન્ડિયા-A અને U-19 ટીમને કોચિંગ નહીં આપે. રાહુલને વર્ષની શરૂઆતમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં હેડ ઓફ ક્રિકેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. સિતાંશુ કોટકની (Sitanshu Kotak)ને ઇન્ડિયા-Aના અને પારસ મહામ્બ્રે (Paras Mhambrey)ને અંડર 19 ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે. જોકે બંનેને આગામી કેટલાક મહિનાઓ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

રાહુલ દ્રવિડને 2015માં ઇન્ડિયા-A અને U-19 ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો અને તેણે 4 વર્ષ સુધી જવાબદારી સંભાળી છે. આઇસીસીના એક રિપોર્ટ પ્રમાણે સૌરાષ્ટ્રના પૂર્વ બેટ્સમેન સિતાંશુ કોટક ઇન્ડિયા-Aના મુખ્ય કોચ તેમજ બેટિંગ કોચની જવાબદારી નિભાવશે. તેઓ ટીમમાં ભારતના પૂર્વ ઓફ સ્પિનર રમેશ પોવાર સાથે કામ કરશે કારણ કે તેમને બોલિંગ અને ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા છે.

ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર પારસ મહામ્બ્રે સપ્ટેમ્બરમાં કોલંબો ખાતે યોજાનાર એશિયા કપમાં અંડર 19 ટીમના મુખ્ય અને બોલર કોચ હશે. તેમણે ઇન્ડિયા-A અને U-19માં લાંબા સમય માટે રાહુલ દ્રવિડ સાથે કામ કર્યું છે. તેમને ભારતીય બેટ્સમેન હૃષિકેશ કાનિટકર અને અજય શર્માનો સાથ મળશે. બંનેને બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

(4:38 pm IST)