ખેલ-જગત
News of Friday, 29th June 2018

આયરલેન્ડના બોલર પીટર ચેઝનો ધમાકોઃ અેક જ ઓવરમાં વન-ડેમાં ત્રણ ડબલ સેન્ચ્યુરી ફટકાવનાર રોહિત શર્મા, અેમ.અેસ. ધોની અને વિરાટ કોહલીની વિકેટ ઝડપી

નવી દિલ્હીઃ ટી-૨૦ ક્રિકેટ મેચમાં આયરલેન્ડનો પરાજય થયો છે પરંતુ તેના બોલર પીટર ચેઝે આ મેચમાં ઇતિહાસ રચ્યો છે.

આયરલેન્ડના બોલર પીટર ચેઝે એક જ ઓવરમાં વન-ડેમાં ત્રણ ડબલ સેન્ચુરી બનાવનારા રોહિત શર્મા(97), દુનિયાના બેસ્ટ ફિનિશર ગણાતા એમ એસ ધોની(11) અને વર્તમાન ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી (0)ને આઉટ કરી ઈતિહાસ રચી દીધો. ખાસ વાત એ રહી કે, તેણે આ ત્રણેય દિગ્ગજને 4 બોલના ગાળામાં પેવેલિયન મોકલી દીધા. આ ત્રણ ઉપરાંત તેણે આક્રમક સુરેશ રૈના(10)ની પણ વિકેટ ઝડપી.

ટી20માં પહેલીવાર એવું બન્યું છે કે, આ યારેય દિગ્ગજ બેટ્સમેનોને કોઈ એક જ બોલરે આઉટ કર્યા હોય. આમાંથી ત્રણને તો તેણે એક જ ઓવરમાં આઉટ કર્યા. ભારતની ઈનિંગની છેલ્લી ઓવરમાં ચેઝે બીજા બોલે ધોનીને થોમ્પસનના હાથમાં ઝિલાવ્યો, ત્યાર પછીના બોલે તેણે શાનદાર યોર્કર ફેંકી હિટમેન રોહિત શર્માને આઉટ કર્યો. ત્યારબાદ એક બોલ ખાલી ગયો અને ઓવરના પાંચમા બોલે તેણે વિરાટ કોહલીની વિકેટ લઈ ભારતીય કેમ્પમાં સોંપો પાડી દીધો.

ધોની અને રોહિતને આઉટ કર્યા બાદ ચેઝ હેટટ્રિક પર હતો. જોકે, તે પોતે પણ જાણતો હશે કે, આ કામ લગભગ અશક્ય હતું કારણ કે, સામે દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કોહલી હતો. એવું જ થયું. વિરાટે ઓવરનો ચોથો બોલ કોઈ રીતે રોકી લીધો અને હેટટ્રિક ટાળી દીધી પણ પછીના બોલે ચેઝે કોહલીને પણ ધોનીની જેમ થોમ્પસનના હાથે ઝિલાવી દીધો.

પીટર ચેઝે 4 ઓવરમાં 35 રન આપી ચાર મહત્વની વિકેટ ઝડપી. નિશંકપણે આ તેની જીંદગીની સૌથી યાદગાર મેચ હશે. જોકે, તેની આ શાનદાર બોલિંગ આયરલેન્ડને ખાસ કામ લાગી નહીં અને તેને 76 રનથી મેચ ગુમાવવી પડી. ભારતીય ટીમે રોહિત શર્મા અને શિખર ધવનની શાનદાર બેટિંગની મદદથી 5 વિકેટે 208 રન બનાવ્યા જેના જવાબમાં આયરલેન્ડ 9 વિકેટે 132 રન જ બનાવી શકી.

(6:24 pm IST)