ખેલ-જગત
News of Thursday, 29th April 2021

આઇપીઍલ મેચમાં કોરોના વચ્ચે માઠીઃ ભારતીય ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિન સહિત ૧૦ દિગ્ગજ ક્રિકેટરો અધવચ્ચેથી બહાર નીકળી ગયા

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની 14મી સિઝનમાં તે બધું જોવા મળી રહ્યું છે, જે આ લીગના ઈતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. શક્ય છે કે કોરોના વાયરસના મારથી દુનિયાની સૌથી લોકપ્રિય ટી-20 લીગ પણ દૂર રહી શકી નથી. અનેક ટીમના અનેક ખેલાડી આ વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. એવામાં આ સિઝન ચાલુ રહેશે કે નહીં તેના પર અનેક અટકળો કરવામાં આવી રહી છે. પરંતુ તેની વચ્ચે IPL 2021 શરૂ થતાં પહેલાં અને શરૂ થયા પછી અત્યાર સુધી અલગ-અલગ ટીમના 10 દિગ્ગજ ક્રિકેટર ટુર્નામેન્ટ વચ્ચે છોડીને જઈ ચૂક્યા છે.

કયા-કયા ખેલાડીઓેએ IPL 2021ને અલવિદા કહ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની સિઝન છોડનારા આ ક્રિકેટરોમાં રાજસ્થાન રોયલ્સનો જોફ્રા આર્ચર, બેન સ્ટોક્સ, લિયામ લિવિંગસ્ટોન અને એન્ડ્રૂ ટાય , સનરાઈઝર્સ હૈદરાબાદનો મિશેલ માર્શ, ચેન્નઈ સુપરકિંગ્સનો જોશ હેઝલવુડ, રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરનો જોશ ફિલિપ, કેન રિચાર્ડસન અને એડમ ઝામ્પા, દિલ્લી કેપિટલ્સનો રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાંક ઈજાના કારણે તો કેટલાંક પર્સનલ કારણોથી IPL 2021ને બાય-બાય કરી ચૂક્યા છે. જ્યારે કેટલાંક બાયો સિક્યોર બબલથી થતાં માનસિક થાકનું કારણ આપીને લીગથી દૂર થયા.

આ 10 ક્રિકેટરોએ છોડ્યું IPL 2021

1. મિશેલ માર્શ: ડેવિડ વોર્નરની કેપ્ટનશીપવાળી ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર મિશેલ માર્શ છે. પરંતુ આ વખતે તેણે સિક્યોર બાયો બબલના થાકનું કારણ આપીને IPL પહેલાં જ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

2. જોશ હેઝલવુડ: ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર જોશ હેઝલવુડ ચેન્નઈ સુપરકિંગ્સ ટીમનો ભાગ છે. તેણે ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. તેણે પણ બાયો સિક્યોર બબલથી થતાં માનસિક થાકથી આ નિર્ણય કર્યો હતો.

3. જોશ ફિલિપ: ઓસ્ટ્રેલિયાના વિકેટકીપર બેટ્સમેન જોશ ફિલિપે IPL 2020માં RCB માટે સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ વખતે તેણે અંગત કારણોસર આ સિઝનનો ભાગ બનવાનો ઈનકાર કરી દીધો.

4. બેન સ્ટોક્સ: રાજસ્થાન રોયલ્સના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પોતાની મરજીથી નહીં પરંતુ મજબૂરીમાં IPLમાંથી બહાર થવું પડ્યું. પંજાબ કિંગ્સ સામે મેચમાં સ્ટોક્સ ઈજાગ્રસ્ત થયો. જેના પછી તેણે માત્ર IPL જ નહીં પરંતુ મેદાન પર પાછા ફરવા માટે કેટલાં મહિનાઓ સુધી રાહ જોવી પડશે.

5. જોફ્રા આર્ચર: ઈંગ્લેન્ડનો ઝડપી બોલર અને રાજસ્થાન રોયલ્સનો મહત્વનો ખેલાડી જોફ્રા આર્ચર આ સિઝનમાં ટીમ માટે એકપણ મેચ રમી શક્યો નહીં. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી સિરીઝમાં ઈજાગ્રસ્ત આર્ચર સંપૂર્ણ રીતે ફીટ થઈ શક્યો નહીં અને આ કારણે તેણે IPl-14માંથી પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું.

6. લિયામ લિવિંગસ્ટોન: રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન અને ઈંગ્લેન્ડના ખેલાડી લિયામ લિવિંગસ્ટોને IPLની હાલની સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું. તેણે બાયો સિક્યોર બબલથી થતાં માનસિક થાકનું કારણ આપ્યું હતું.

7. રવિચંદ્રન અશ્વિન: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર અને દિલ્લી કેપિટલ્સના મુખ્ય હથિયાર રવિચંદ્રન અશ્વિન IPLની હાલની સિઝનમાંથી પોતાનું નામ પાછું લેતા પહેલો અને એકમાત્ર ભારતીય બન્યો. તેણે કોરાના વાયરસથી ઝઝૂમી રહેલ પરિવાર અને સંબંધીઓની સાથે રહેવા માટે આ પગલું ઉઠાવ્યું.

8. એન્ડ્રુ ટાય: ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર એન્ડ્રુ ટાયે અંગત કારણોથી IPL-2021માંથી નામ પાછું લીધું છે. તે સંજુ સેમસનની આગેવાનીમાં રમી રહેલ રાજસ્થાન રોયલ્સની ટીમનો ભાગ હતો.

9. કેન રિચાર્ડસન: IPL-2021 વચ્ચે છોડનારા વધુ એક ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરનું નામ કેન રિચાર્ડસન છે. રિચાર્ડસન રોયલ ચેલેન્ઝર્સ બેંગ્લોરની ટીમનો ભાગ હતો. તેણે અંગત કારણોસર સ્વદેશ પાછા ફરવાનો નિર્ણય કર્યો.

10. એડમ ઝામ્પા: વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રમી રહેલ લેગ સ્પેનર એડમ ઝામ્પાએ પણ વ્યક્તિગત કારણોસર IPLની હાલની સિઝનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.

(4:20 pm IST)