ખેલ-જગત
News of Saturday, 28th November 2020

વન-ડેમાં હારનો ઠીકરો બોલરો પરઃ જસપ્રીત બુમરાહનો કંગાળ દેખાવ

વન-ડેમાં જસપ્રીત બુમરાહનું કથડળું ફોર્મ ટીમ માટે ચિંતાનું કારણ : ભારતનો નંબર વન બોલર મનાતા જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે ૭૩ રન આપીને માંડ એક વિકેટ લીધી

સિડની, તા.૨૮ : ૮ મહિના બાદ મેદાને પડેલી ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયા સામે ઘોર પરાજય થયો હતો. આ પરાજય માટે બોલરોના તદ્દન નિચલા સ્તરના પ્રદર્શનને પણ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં ગુજરાતી ક્રિકેટર જસપ્રીત બુમરાહ પર અણિયાળા સવાલ ઉભા થઈ રહ્યાં છે.

જસપ્રિત બુમરાહ ભારતનો નંબર વન બોલર છે. તેના પ્રદર્શન પર ટીમ ઈન્ડિયાનો ઘણો ખરો આધાર હોય છે. બુમરાહ ભારતનો સ્ટ્રાઇક બોલર ખરો પરંતુ તે છેલ્લા કેટલાક સમયથી જાણે વિકેટ લેવાનું જ ભુલી ગયો હોય તેમ લાગે છે. છેલ્લી પાંચ મેચમાં બુમરાહ માત્ર એક જ વિકેટ લઈ શકયો છે. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે જાન્યુઆરીમાં રાજકોટ અને બેંગલોરમાં મેચ રમી હતી જેમાં તેણે અનુક્રમે ૩૨ અને ૩૮ રન આપ્યા હતા. રાજકોટમાં તેને ભારત લગભગ જીતી ગયું ત્યારે ઔપચારિકતા પૂરતી એક વિકેટ મળી હતી.

આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં રમાયેલી ૩ મેચમાં તેણે અનુક્રમે ૫૩, ૬૪ અને ૫૦ રન આપ્યા હતા. પરંતુ એકેય વિકેટ મળી નહોતી. આમ બેંગલોરથી લઈને તો છેક સિડની સુધીની ૫ વન ડેમાં તેને એક જ વિકેટ મળી હતી. આ અગાઉ તેને દસ ઓવરમાં ૭૩ રન આપી દેવા પડ્યા હતા. આમ બુમરાહનું કથળેલુ ફોર્મ પણ ટીમ ઈન્ડિયાના નબળા પ્રદર્શન માટે ઘણા ખરા અંશે જવાબદાર માનવામાં આવી રહ્યું છે.

(7:36 pm IST)