ખેલ-જગત
News of Sunday, 28th June 2020

ટેસ્ટ મૅચમાં માર્ક ન હોવાથી મને કઈ ખૂટતું હોય એવું લાગ્યા કરતું : સ્ટીવ વૉ

માર્કને હોટેલમાં રહેવાનું વધારે ગમતું

સિડની, તા. ૨૮ : ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉનું કહેવું છે કે, જ્યારે મારો ટ્વિન ભાઈ માર્ક ટીમમાં ન હોય ત્યારે ટીમમાં કશુંક ખૂટતું હોય એવું મને લાગ્યા કરતું. ફેબ્રુઆરી ૨૦૦૨માં માર્કે અને સ્ટીવ વૉએ ૨૦૦૦માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું હતું. સ્ટીવ વૉનું કહેવું છે કે 'અમે બન્ને હંમેશાં એક જ ટીમમાં, એક જ ક્લાસમાં રહ્યા છીએ. ૧૬ વર્ષ સુધી અમે એક જ બેડરૂમમાં રહ્યા હતા, એટલું જ નહીં, એકસરખાં કપડાં પણ અમે પહેરતા હતા અને એકબીજાની જેમ રહેવાનો પ્રયત્ન કરતા હતા. અમે જ્યાં પણ જતા ત્યાં સાથે જતા. સ્પોર્ટ્સમાં પણ અમે બન્ને સારા હતા. સ્કૂલથી માંડીને ક્રિકેટના ગ્રાઉન્ડ સુધી અમારી વચ્ચે સ્પર્ધા રહેતી હતી કે કોણ વધારે માર્ક લાવશે અને કોણ સારું રમી બતાવશે. અમે જ્યારે ૧૯ વર્ષના થયા અને ન્યુ સાઉથ વેલ્સ માટે રમવાનું શરૂ કર્યું ત્યારે અમે નક્કી કર્યું હતું કે અમે બન્ને અલગ-અલગ ડાયરેક્શનમાં જઈને રમીશું. સામાન્ય રીતે અમને એક કપલ તરીકે જ જોવામાં આવતા હતા. બૅટની સ્પૉન્સરશિપથી માંડીને અમારું ઍન્ડોર્સમેન્ટ અલગ-અલગ હતું. મને લોકોને ટૂર દરમ્યાન મળવું, તેમની સાથે ફોટો પાડવાનું ગમતું, જ્યારે માર્કને હોટેલમાં રહેવાનું વધારે ગમતું. આટલાબધા ભેદભાવ હોવા છતાં અમને એકબીજા પ્રત્યે આદરભાવ છે.

મેં હંમેશા આશા રાખી છે કે માર્ક સારુંં પર્ફોર્મ કરે અને જ્યારે ટેસ્ટ મૅચમાં તે ગ્રાઉન્ડ પર ન હોય ત્યારે મને હંમેશાં એવું લાગતું કે કંઈક ખૂટી રહ્યું છે.'

(12:39 pm IST)