ખેલ-જગત
News of Monday, 28th May 2018

ભારત સાથે રમાયેલ મેચો ફિક્સિંગ હોવાનો થયો ખુલાસો

નવી દિલ્હી: ગત વર્ષે ગોલમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટમાં પીચ ફિક્સિંગ કરવામાં આવ્યું હોવાના ખુલાસા બાદ એ જ ન્યુઝ ચેનલે રિલિઝ કરેલા સ્ટિંગ ઓપરેશનના વિડિયોમાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. 'ક્રિકેટ્સ મેચ ફિક્સર્સ' નામની અલ ઝઝીરા ચેનલની ડોક્યુમેન્ટરીમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ૧૬ થી ૨૦ ડિેસમ્બર, ૨૦૧૬  દરમિયાન ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ અને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૬ થી ૨૦ માર્ચ, ૨૦૧૭ દરમિયાન રાંચીમાં રમાયેલી ટેસ્ટ મેચ ફિક્સ હતી. આ ફિક્સિંગમાં ઓસ્ટ્રેલિયાના બે અને ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓ સામેલ હતા. જોકે ન્યુઝ ચેનલના સ્ટિંગ ઓપરેશન સાથેની ડોક્યુમેન્ટરીના આ દાવા અંગે આઇસીસીએ તપાસ શરૃ કરી દીધી છે.ન્યુઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતનો ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર, યુએઈ સ્થિત ભારતીય એડવર્ટાઈઝ એક્ઝિક્યુટીવ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગના સાગરિતો તેમના સંપર્કોને સહારે કેવી રીતે મેચ ફિક્સિંગને અંજામ આપે છે. સ્ટિંગ ઓપરેશનમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત-ઈંગ્લેન્ડની  ચેન્નાઈ ટેસ્ટ અને ભારત-ઓસ્ટ્રેલિયાની રાંચી ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગને અંજામ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ જણાવે છે કે, ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટમાં ફિક્સિંગને અંજામ આપવામાં ઈંગ્લેન્ડના ત્રણ ખેલાડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેવી જ રીતે રાંચીમાં રમાયેલી ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગને પાર પાડવામાં ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ સંડોવાયલા હતા.
 

(4:58 pm IST)