લીવરપૂલને હરાવીને ચેમ્પિયન્સ લીગ ટાઈટલ જીત્યું રિયલ મેડ્રિડે

નવી દિલ્હી: ક્રિસ્ટીયાનો રોનાલ્ડો બાદ રિયલ મેડ્રીડના સુપરસ્ટાર ગારેથ બેલે સુપર્બ બાઈસિકલ કીકની મદદથી ફટકારેલા દર્શનીય ગોલને સહારે રિયલ મેડ્રીડે ૩-૧થી લીવરપૂલને હરાવીને ચેમ્પિયન્સ લીગ ટાઈટલ જીતી લીધું હતુ. પ્રથમ હાફમાં બંનેમાંથી કોઈ ટીમ ગોલ ફટકારી શકી નહતી. જોકે બીજા હાફના પ્રારંભમાં મેચની ૫૧મી મિનિટે રિયલ મેડ્રીડના ફ્રેન્ચ સ્ટ્રાઈકર કરીમ બેન્ઝેમાએ ટીમને સરસાઈ અપાવી હતી. લીવરપૂલે માત્ર ચાર જ મિનિટ બાદ સાદીયો માને ના ગોલને સહારે બરોબરી મેળવી લીધી હતી. કશ્મકશના મુકાબલામાં રિયલ મેડ્રીડના કોચ ઝીદાને ૬૧મી મિનિટે ઈસ્કોના સ્થાને ગારેથ બેલને મેદાન પર ઉતાર્યો હતો અને તેણે માત્ર ત્રીજી જ મિનિટે ક્રોસ પાસ પર જબરજસ્ત રિવર્સ ડાઈવ લગાવતા બાઈસિકલ કીક ફટકારી હતી અને બોલને ગોલમાં મોકલી આપ્યો હતો. આ સાથે જ રિયલ મેડ્રીડના ખેલાડીઓ અને ચાહકો જોશમાં આવી ગયા હતા. બેલના ગોલને યુરોપીયન ફૂટબોલ ઈતિહાસના યાદગાર ગોલમાં સ્થાન મળ્યું હતુ. આ પછી મેચની ૮૩મી મિનિટે બેલે ગોલપોસ્ટથી ૩૦ યાર્ડ દૂરથી પાવરફૂલ કીક ફટકારી હતી, જેને લીવરપૂલનો ગોલકિપર લોરીસ કારીઅસ અટકાવી શક્યો નહતો અને બોલ તેના હાથને ટકરાઈને ગોલમાં પહોંચતાં રિયલ મેડ્રીડે ૩-૧થી સરસાઈ મેળવી હતી, જે વિજયી સાબિત થઈ હતી. રિયલ મેડ્રીડે આ સાથે રેકોર્ડ ૧૩મી વખત ચેમ્પિયન્સ લીગ જીતી હતી, તેની સાથે સાથે છેલ્લા પાંચ વર્ષમાં ચાર વખત ચેમ્પિયન બનવામાં સફળતા મેળવી હતી. કોચ ઝીદાને ત્રણ વર્ષમાં ત્રીજી વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેની સાથે સેલિબ્રેશનમાં તેની પત્ની વેરોનિકા અને પુત્ર થેઓ જોડાયા હતા. જ્યારે રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જ્યોર્જીના રોડ્રીગ્યુઝ અને તેનો પુત્ર ક્રિસ્ટીયાનો જુનિયર પણ મેદાન પર જોવા મળ્યા હતા.