ખેલ-જગત
News of Wednesday, 27th October 2021

ભારતને સેમિફાઈનલમાં પહોંચવા માટે ન્યુઝિલેન્ડ સહિત તમામ ટીમને હરાવવી પડશે, જો ન્યૂઝીલેન્ડ સામે ભારત મેચ હારશે તો તે લગભગ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ જશે

ટીમ ઈન્ડિયા જો ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો પાકિસ્તાની ટીમના 10 પોઈન્ટ થઈ જશે અને તે પહેલા ક્રમાંક પર રહેશે, વળી ટીમ ઈન્ડિયા 8 પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજા ક્રમાંક પર રહેશે.

દુબઇઃ મંગળવારના રોજ પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચેની મેચમાં પાકિસ્તાનનો શાનદાર વિજય થયો હતો. પાકિસ્તાને સતત બે મેચો જીતી છે. ગત રોજ પાકિસ્તાને ન્યુઝિલેન્ડને હરાવી ભારત માટે સેમિફાઈનલમાં પહોંચવાનો માર્ગ સરળ કરી દીધો છે. હવે ભારતને સેમિફાઈનલમાં પહોંચવા માટે ન્યુઝિલેન્ડ સહિત તમામ ટીમને હરાવવી પડશે. જો ન્યૂઝીલેન્ડ સામે ભારત મેચ હારશે તો તે લગભગ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ જશે.

પોઈન્ટ ટેબલમાં ટોપ-2ની રેસ

ઉપર જણાવ્યા મુજબ ટીમ ઈન્ડિયા જો ન્યૂઝીલેન્ડને હરાવી દેશે તો પાકિસ્તાની ટીમના 10 પોઈન્ટ થઈ જશે અને તે પહેલા ક્રમાંક પર રહેશે.

વળી ટીમ ઈન્ડિયા 8 પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજા ક્રમાંક પર રહેશે.

ન્યૂઝીલેન્ડ જો ભારત અને પાકિસ્તાન સામે હારી જશે તો તે 6 પોઈન્ટ સાથે ગ્રુપમાં ત્રીજા નંબર પર રહેશે.

તેવામાં જો આ પ્રમાણેનું ગણિત સાચુ પડ્યું તો પાકિસ્તાન અને ભારત બંને ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાઈ થઈ જશે.

ભારત બીજા ક્રમાંક પર હોવાથી તેની મેચ ગ્રુપ-1ની પહેલી ટીમ સામે થશે. આ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા અથવા ઈંગ્લેન્ડ ટોપ-1 પર હશે, જે બંને ટીમને ભારત વોર્મઅપ મેચમાં સરળતાથી હરાવીને આવ્યું છે.

ભારતને ફટકો પણ પડી શકે છે

જો ન્યૂઝીલેન્ડની ટીમ ભારતને હરાવી દેશે તો પાકિસ્તાનની ટીમના 10 પોઈન્ટ થઈ જશે પરંતુ આ સ્થિતિમાં કિવી ટીમ 8 પોઈન્ટ સાથે ગ્રુપ-2માં બીજા નંબર પર રહેશે.

તેવામાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચી જશે અને ભારતીય ટીમ વર્લ્ડ કપની રેસમાંથી બહાર ફેંકાઈ જશે.

અફઘાનિસ્તાની ટીમ અપસેટ સર્જવામાં ઉસ્તાદ

અફઘાનિસ્તામી ટીમ ગ્રુપ-2ની એક એવી ટીમ છે, જે અપસેટ સર્જવામાં ઉસ્તાદ છે. તેણે સ્કોટલેન્ડ સામે 130 રનની જીત સાથે પોતાની દાવેદારી પણ મજબૂત કરી દીધી છે. તેવામાં એશિયન ટીમ સામે ન્યૂઝીલેન્ડ કેવી રીતે પ્રદર્શન દાખવશે એ પણ જોવા જેવું રહેશે. એટલું જ નહીં જો અફઘાનિસ્તાની ટીમ પાકિસ્તાન અને ભારતની ગેમ પણ બગાડી શકે છે. અત્યારે આ ટીમ +6.500 નેટ રનરેટ સાથે બીજા ક્રમાંક પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડ ચોથા અને ભારત પાંચમા ક્રમાંક પર છે.

બીજા નંબર પર જો વિરાટ સેના રહી તો ટોપર સાથે ટક્કર

ભારત જો આગામી દરેક મેચ જીતી ગ્રુપ-2માં બીજા ક્રમાંક પર રહી તો તે ગ્રુપ-1ની ટોપ ટીમ સામે મેચ રમશે.

આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સૌથી મજબૂત ટીમ છે. તેવામાં આપણે વોર્મઅપ મેચમાં બંને ટીમને હરાવીને આત્મવિશ્વાસ મેળવી લીધો છે.

ભારતે સેમિફાઇનલમાં પહોંચવા માટે દરેક મેચ જીતવી જરૂરી રહેશે

(5:34 pm IST)