ખેલ-જગત
News of Monday, 27th July 2020

કેફે ૧૬ વર્ષ બાદ બદાણીની માફી માંગી

ર૦૦૪માં રમાયેલ મેચની વિડીયો ટવીટર ઉપર શેર કરી

નવી દિલ્હી, તા. ૨૭: ટીમ ઈન્ડિયાના શાનદાર ફીલ્ડરોમાં સામેલ રહેલા મોહમ્મદ કેફે પોતાના સાથી ખેલાડી રહેલા હેમાંગ બદાણીની વર્ષ ૨૦૦૪ની એક ભૂલ માટે માફી માગી છે. કેફે પાકિસ્તાન વિરુદ્ધ ૨૦૦૪મા રમાયેલી એક મેચની નાની ક્લિપ પોતાના ટ્વીટર પર પોસ્ટ કરી, જેમાં તેણે બદાણીને સોરી કહ્યુ છે.

કેફ દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં તેની શ્રેષ્ઠ ફીલ્ડિંગની એક ઝલક છે. ભારતીય ટીમ વર્ષ ૨૦૦૪મા પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. આ દરમિયાન કરાચીમાં રમાયેલી વનડે મેચ રોમાંચક બની ગઈ હતી. પાકિસ્તાનની ટીમને ભારતે ૩૫૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને આ મેચમાં પાકિસ્તાન જ્યારે જીતથી ૧૦ રન દૂર હતું, ત્યારે કેફે દમદાર કેચ ઝડપીને મેચ ભારતની તરફ લાવી દીધી હતી.

આ વીડિયોને પોસ્ટ કરતા કેફે ટ્વીટર પર લખ્યુ, 'નિડર યુવા અસંભવનો પણ પીછો કરે છે અને તેને બંન્ને હાથમાં પકડી લે છે. ઓહ સોરી બદાણી ભાઈ

પાકિસ્તાનને ૮ બોલમાં ૧૦ રનની જરૂર હતી, ત્યારે ઝહીર ખાનના બોલ પર શોએબ મલિકે લોન્ગ ઓન પર ઊંચો શોટ રમ્યો હતો. અહીં હેમાંગ બદાણી તૈનાત હતો, જે ખરેખર યોગ્ય રીતે બોલને પકડવા માટે તેની પાછળ આરામથી પોતાના હાથ ખોલીને પોતાની પોઝિશન બનાવી લીધી હતી. પરંતુ લોન્ગ ઓફ પર તૈનાત કેફનું ધ્યાન તેના પર નહતું અને તેણે બાજની જેમ પોતાની નજર બોલ પર બનાવી રાખી અને દોડતો આવી રહ્યો હતો. કેફે બોલની પાસે પહોંચતા હવામાં ડાઇવ લગાવી અને બોલને સુરક્ષિત ઝડપી લીધો હતો.

(3:47 pm IST)