ખેલ-જગત
News of Wednesday, 27th June 2018

ફિફા વર્લ્ડકપ-2018: મેસ્સી ઝળક્યો : અર્જેન્ટિનાએ 2-1થી નાઈજિરીયાને હરાવ્યું : પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

મેચની 14મી મિનિટે મેસ્સીએ શાનદાર ગોલ ફટકાર્યો : માર્કોસ રોજાએ 86મી મિનિટે ગોલ કરી આર્જેન્ટિનાને જીત આપવી

ફિફા વર્લ્ડકપ-2018માં મેસ્સી ઝળક્યો હતો લાયોનેલ મેસ્સી અને માર્કોસ રોજાના 1-1 ગોલની મદદથી આર્જેન્ટિનાએ ગ્રૂપ-ડીના મુકાબલામાં નાઇજીરિયા સામે 2-1થી જીત મેળવીને અર્જેન્ટિનાએ 4 પોઇન્ટ સાથે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે જયારે  આ પરાજય સાથે જ નાઇજીરિયાના અભિયાનનો અંત આવ્યો છે. મુકાબલાની 14મી મિનિટે મેસ્સીએ ગોલ કરી દમદાર શરૂઆત અપાવી હતી. 

  બીજા હાફમાં 51મી મિનિટે નાઇજીરિયાના મોસેસે પેનલ્ટી પર ગોલ કરી સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. જોકે માર્કોસ રોજાએ 86મી મિનિટે ગોલ કરી આર્જેન્ટિનાને 2-1થી મહત્વપૂર્ણ લીડ અપાવી હતી. આ લીડ અંત સુધી યથાવત્ રહી અને આર્જેન્ટિનાએ જીત મેળવી હતી. વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાએ નાઇજીરિયા સામે નહીં હારવાનો સિલસિલો યથાવત્ રાખ્યો છે. આ આર્જેન્ટિનાનો વર્લ્ડ કપમાં નાઇજીરિયા સામે પાંચમો વિજય છે. આ પહેલાના ચારેય મુકાબલામાં આર્જેન્ટિનાએ જ વિજય મેળવ્યો હતો.

  આ વર્લ્ડ કપમાં પ્રથમ ગોલ કરવાની સાથે જ મેસ્સી ત્રણ વર્લ્ડ કપમાં ગોલ કરનાર આર્જેન્ટિનાનો ત્રીજો પ્લેયર બન્યો છે. આ પહેલા આર્જેન્ટિનાના દિગ્ગજ ખેલાડી મેરાડોના અને ગેબ્રિયલ બાટીસ્ટુટાએ આવી સિદ્ધિ મેળવી હતી. ગ્રૂપ-ડીમાં ક્રોએશિયા 9 પોઇન્ટ સાથે પ્રથમ, આર્જેન્ટિના 4 પોઇન્ટ સાથે બીજા, નાઇજીરિયા 3 પોઇન્ટ સાથે ત્રીજા અને આઇસલેન્ડ 1 પોઇન્ટ સાથે ચોથા ક્રમાંકે રહ્યું હતું.

  ગ્રૂપ-ડી ની અન્ય એક મેચમાં ક્રોએશિયાની વિજય કૂચ જાળવી રાખતા આઇસલેન્ડને 2-1થી હરાવીને સતત ત્રીજો વિજય મેળવ્યો હતો. ક્રોએશિયા તરફથી મિલાને 53મી મિનિટે અને પેરિસિકે 90મી મિનિટે ગોલ કર્યો હતો. આઈસલેન્ડ તરફથી એકમાત્ર ગોલ સિગુરડસને પેનલ્ટી પર 76મી મિનિટે કર્યો હતો.

(3:00 pm IST)